દુનિયાનાં બે શહેરોએ એમનાં ન્યુક્લિયર અને કેમિકલ પ્લાન્ટને લીધે અનેક નાગરિકો ખોયા છે. એક ચેર્નોબિલ છે તો બીજું આપણું ભોપાલ છે. બેઉ વિશેની ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. એમાંથી શું જોવા જેવું એ જાણીએ
ઉત્તર યુક્રેઇનના ચેર્નોબિલ અને ઉત્તર ભારતના ભોપાલ વચ્ચે સામ્યતા શી છે? બેઉમાં માનવસર્જિત દુર્ઘટનાએ જિંદગીઓ રોળી છે. ચેર્નોબિલમાં 1986માં એવું થયું પ્રિપ્યાત શહેરના ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ધડાકાથી. પ્રિપ્યાત માત્ર ચેર્નોબિલ પ્લાન્ટના કર્મચારીઓ માટે વસ્યું હતું અને એના અંત સાથે વેરાન થયું હતું. ચેર્નોબિલ દુર્ઘટનામાં 31 કર્મચારીઓએ તાત્કાલિક જીવ ખોયા હતા. દુર્ઘટનાની લાંબા ગાળાની અસરથી જીવ ખોનારાની સંખ્યા વિશે વિવાદ છે. ધારણા છે યુકેઇન, બેલારુસ, રશિયાના 4,000થી 16,000 નાગરિકોએ જીવ ગુમાવ્યા હશે.
એ દુર્ઘટનાનાં બે વરસ પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ. વિશ્વની એ સૌથી ભયાવહ ઔદ્યોગિક દુર્ઘટના છે. અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડના ભોપાલ સ્થિત પ્લાન્ટના ગેસ ગળતરે તત્કાળ 2,259 લોકોના જીવ લેવા ઉપરાંત પાંચ લાખ લોકોને શારીરિક-માનસિક પીડા આપી હતી. સત્તાવાર આંકડા અનુસાર દુર્ઘટનામાં મોતનો આંકડો ચાર હજાર આસપાસ હતો. ઘાયલ અને પીડિતો ઓલમોસ્ટ પોણાછ લાખ હતા. બિનસત્તાવાર આંકડા દુર્ઘટનાથી ટૂંકા-લાંબા ગાળે મૃત્યુમુખે હોમાયેલા લોકોની સંખ્યા 16,000 સુધીની ધારે છે.
ચેર્નોબિલ વિશે ભૂતકાળમાં ફિલ્મ અને સિરીઝ આવી છે. ફિલ્મ 2012માં તો પાંચ એપિસોડની સિરીઝ 2019માં આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટના વિશે ફિલ્મ ‘ભોપાલઃ અ પ્રેયર ફોર રેઇન’ હિન્દી-અગ્રેજીમાં 2014માં બની હતી. દિગ્દર્શક રવિ કુમારની એ ફિલ્મની ખાસ નોંધ નથી લેવાઈ. હવે દુર્ઘટનાના એક અગત્યના પાસાની સિરીઝ ‘ધ રેલવે મેન’ આવી છે. સર્જક રાહુલ રવૈલનો દીકરો શિવ રવૈલ ડિરેક્ટર અને આદિત્ય ચોપરાની વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટ નિર્માતા છે. સિરીઝ ચાર એપિસોડની છે.
‘ચેર્નોબિલ’ સિરીઝ જિયો સિનેમા પ્રીમિયમ અને ‘ધ રેલવે મેન’ નેટફ્લિક્સ પર છે. ‘ચેર્નોબિલ’ ક્રેગ મેઝિનનું સર્જન અને એચબીઓનું નિર્માણ છે. દિગ્દર્શક જોહાન રેન્ક છે. ચેર્નોબિલ દુર્ઘટના અને એની આડઅસરોથી શહેરને સુરક્ષિત રાખવા થયેલા પ્રયાસો આસપાસ એની કથા ફરે છે. એના પાંચ એપિસોડ છે. નિર્માણ, લેખન, અભિનય, માવજત, હકીકતનું નિરુપણ, સંગીત જેવાં પાસાં માટે સૌએ એને વખાણી છે. એમી એવોર્ડમાં એને 19 નોમિનેશન્સ અને 10 એવોર્ડ્સ તો ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં ચાર નોમિનેશન્સ અને બે એવોર્ડ મળ્યા હતા. સખત સંશોધન પછી બનેલી આ સિરીઝમાં હકીકત સાથે બહુ ઓછી છૂટછાટ લેવાઈ હતી. છૂટછાટ વિશે સિરીઝની રિલીઝ વખતે પોડકાસ્ટથી દર્શકોને મુદ્દાસર કારણો આપી વાકેફ પણ કરાયા હતા. કથાનકનો આધાર પ્રિપ્યાતની પ્રજાનાં દુર્ઘટનાનાં સંસ્મરણો હતાં. એ સંસ્મરણો નોબેલ ઇનામ વિજેતા લેખિકા-પત્રકાર સ્વેતલાના અલેકસિયેવિચના પુસ્તક ‘વોઇસીસ ઓફ ચેર્નોબિલ‘માં અંકિત છે. પુસ્તક ચેર્નોબિલ દુર્ઘટનાનો સચોટ ઇતિહાસ નથી પણ વિશ્વસનીય દસ્તાવેજીકરણ તો છે જ. પુસ્તકના આધાર, સર્જકોની કલ્પનાશીલતા, નિષ્ઠા જેવાં પરિબળોથી ‘ચેર્નોબિલ’ને હૃદયસ્પર્શી સિરીઝ બની છે.