ફિલ્મી એવોર્ડ્સની જાહેરાત સૌમાં ઉત્કંઠા જગાડતી હોય છે. કારણ, બોલિવુડ અને ફિલ્મો લોકોના જીવનનો અંતરંગ હિસ્સો હોય એવું વરસોથી રહ્યું છે. ઓટીટીના મામલે હજી એવું થતું નથી. ઓટીટીના નોંધપાત્ર સર્જકોને એવોર્ડથી સન્માનિત કરવાનું ચલણ નવું છે. એવોર્ડ્સ આપતી સંસ્થાઓ પણ ઓછી છે. વાત કરીએ ઓટીટી માટે અપાતા વિવિધ એવોર્ડ્સની. વાત કરીએ હાલમાં જાહેર થયેલા ફિલ્મફેરના ઓટીટી માટેના ચોથા એવોર્ડ્સ અને એના અમુક વિજેતાઓ અને એમનાં સર્જનોની.
ઓટીટી માટે અપાતા એક એવોર્ડનું નામ છે, ઓટીટીપ્લે. આ એવોર્ડ બે વરસ પહેલાં શરૂ થયા છે. એમાં મુખ્યત્વે ઓટીટીની શ્રે ફિલ્મ, વેબ સિરીઝ, અભિનેતા, અભિનેત્રી અને શ્રેષ્ઠ નવોદિત (એટલે ઓટીટી માટે નવોદિત) અભિનેતા અને અભિનેત્રીના એવોર્ડ્સ અપાય છે. ૨૦૨૩માં એમાં શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત થઈ હતી ‘ડાલગ્સ’. શ્રેષ્ઠ સિરીઝ તરીકે ટ્રોફી લઈ ગઈ હતી તામિલ-તેલુગુ સિરીઝ ‘અયાલી’. સિરીઝના દિગ્દર્શક મુથુકુમાર છે. એમાં કુલ આઠ એપિસોડ્સ છે. વાર્તા મા અને દીકરીની છે. દમન અને શોષણના ૫૦૦ વરસ જૂના રિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવતી દીકરી કેવી રીતે ડોક્ટર બનવાના સપનાને જીવે છે એ છે કેન્દ્રવર્તી મુદ્દો. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી આ સિરીઝે દર્શકોનાં દિલ જીત્યાં હતાં. એ ઝીફાઇવ પર જોઈ શકાય છે.
આ એવોર્ડના બાકીના વિજેતાઓની વાત રહેવા દઈ અન્ય એવોર્ડ તરફ વધીએ. ઓટીટીના એક એવોર્ડનું નામ ટ્રેન્ડીઝ છે. એની શરૂઆતને એક વરસ થયું છે. એમાં સિતારાઓ સાથે ઇન્ફ્લુએન્સર તરીકે કશુંક નોંધપાત્ર સિદ્ધ કરી શકનારા સામાન્ય માણસને પણ નવાજવામાં આવે છે. માર્ચ ૨૦૨૪માં એ એવોર્ડ બીજી વખત આપવામાં આવશે. ઇન્ફ્લુએન્સર માટેની એની શ્રેણીઓમાં દસેક એવોર્ડ્સ છે. બાકીના મુખ્યત્ત્વે ઓનલાઇન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને એવી કંપનીઓ માટેના એવોર્ડ્સ છે. એમાં નામાંકન કરાવવા માટે જે-તે શ્રેણી અનુસાર ફી ભરવાની રહે છે એ પણ નોંધી લો.