ઝોયા અખ્તરે ઝિંદગી ‘ના મિલેગી દોબારા’, ‘તલાશ’, ‘ગલી બોય’થી દર્શકોના હૈયામાં અચળ સ્થાન બનાવ્યું છે. ‘ધ આર્ચીઝ’માં એને ચાંદીની તાસક પર અઢળક નાણાં અને સુપરસ્ટાર્સનાં સંતાનોને લૉન્ચ કરવાની તક મળી છે. ફિલ્મનું માર્કેટિંગ એવું સખત થયું કે ચૌરે ને ચોટે સૌને ખબર કે ફિલ્મ આવે છે. છેવટે, થોડા દિવસ પહેલાં નેટફ્લિક્સ પર ફિલ્મ આવી. જેમણે જોઈ નથી એમને થતું હશે કે શું છે એમાં?
આર્ચીઝ કોમિક્સ સિરીઝની જેમ અહીં પણ કાલ્પનિક ગામ રિવરડેલ છે. આપણું રિવરડેલ ઉત્તર ભારતમાં છે. અંગ્રેજોના સમયમાં અંગ્રેજ અને ભારતીય સ્ત્રી-પુરુષો વચ્ચે થયેલાં લગ્નોથી રિરડેલના એન્ગ્લો ઇન્ડિયન પરિવારો સર્જાયા છે. ગામમાં એક રિવાજ છે. બાળક પાંચ વરસનું થાય એટલે એના હાથે ગામના કેન્દ્રમાં આવેલા ગ્રીન પાર્કમાં એક વૃક્ષ વાવવું. ગ્રીન પાર્ક એવાં વૃક્ષોથી લીલુંછમ થવા સાથે ગામની શાન બન્યો છે. એવામાં, ગામના કાળજાસમ પાર્કને પ્રજા પાસેથી ઝૂંટવીને ત્યાં હોટેલ બાંધવાનો કારસો રચાય છે.
ફિલ્મમાં એની વાત મોળી રીતે આકાર લે છે. એની પહેલાં અઢળક પાત્રો અને અમુક ઘટનાઓ છે. આર્ચી (અગત્સ્ય નંદા), બેટ્ટી (ખુશી કપૂર), વેરોનિકા (સુહાના ખાન), જગહેડ (મિહિર આહુજા), એથેલ (અદિતી સાયગલ ઉર્ફે ડોટ), રેજી (વેદાંગ રૈના), ડિલ્ટોન (યુવરાજ મેન્દા) વગેરે ટીનએજ પાત્રો છે. એમનાં માટે ગીતો, નૃત્યો છે. વેરોનિકાના ધનાઢ્ય પિતા મિસ્ટર લોજ (અલી ખાન, જેણે પાર્ક અને ગામની જૂની દુકાનો હસ્તગત કરવા કારસો રચ્યો છે) છે. એનું પ્યાદું બનતો રાજકારણી ડોવસન (વિનય પાઠક), બુક શૉપનો માલિક હલ કૂપર (સત્યજિત શર્મા), આર્ચીનાં માબાપ મેરી અને ફ્રેડ (તારા શર્મા અને સુહાસ આહુજા) સહિત દોઢ-બે ડઝન પાત્રો છે. બધાંને કથાનક સાથે સાંકળતાં વાત ગ્રીન પાર્ક તરફ વળે છે.