પતિપત્ની અલગ થાય ત્યારે બે વ્યક્તિ જુદી પડતી નથી. ત્યારે વિખેરાય છે પરિવાર, પરિવારજનોની લાગણીઓ, સંતાનોનું બાળપણ અને ભવિષ્ય. લેખક-પત્રકાર સંજય શાહ (આ બસ નર્યો યોગાનુયોગ કે આ લખનાર લેખક-પત્રકાર સંજય શાહ છે પણ એને આ નાટક સાથે કોઈ સીધું કનેક્શન નથી!) અને પત્ની સુલેખા થોડાં વરસ પહેલાં છુટ્ટાં પડ્યાં છે. એમને બે સંતાન, મોટી દીકરી ઋચા અને નાનો દીકરો યશ. જુદાં પડતાં સંજયના ભાગે ઋચા અને સુલેખાના ભાગે યશ આવ્યો હતો. નાટકની કથા એ સમયે શરૂ થાય છે જ્યાં પ્રેમાળ પિતા સંજય દીકરીના હાથ પીળા કરવાનો વિચાર શરૂ કરે છે. ઋચાની ચિંતા છે કે મારાં લગ્ન પછી એકલા પડી જનારા ભોળા, ભુલકણા પિતાની દેખભાળ કોણ કરશે? એમાંથી સર્જાય છે તરંગો. ઋચા પિતાને યેનકેન રીતે મનાવે છે બીજાં લગ્ન કરવા. એ સાથે સંજય મેરેજ બ્યુરો પહોંચે છે. ત્યાં એનો ભેટો થાય છે એની જ ભૂતપૂર્વ જીવનસંગિની સુલેખા સાથે!
કથાનો આટલો ઉલ્લેખ ‘બધું ફાઇન છે’ની વાત કરવા પર્યાપ્ત છે. મુખ્ય વાત છે નાટકની ખૂબીઓની. બાપદીકરીના પ્રગાઢ સંબંધો સાથે શરૂ થયા પછી નાટક સ્નિગ્ધતાથી અન્ય પાત્રોને એકરસ કરતું જાય છે. પાત્રો અને ઘટનાઓનું આ પરસ્પર સહજ ભળી જવું મજાનું છે. સુલેખા અને યશનાં પાત્રો કથામાં ઉમેરાયા પછીના વળાંકો નાટકને વધુ રસપ્રદ બનાવે છે. મધ્યાંતર પછી, સંબંધોનાં સમીકરણો જિજ્ઞાસા કરાવે છે કે આ તૂટેલો પરિવાર ક્યારેય સંધાશે કે કેમ.