ગલગલિયાં કરાવતું, અસામાજિક લાગતું કોન્ટેન્ટ બધે છવાઈ ગયું છે. ઇન્ટરનેટે એના બંધનની દીવાલો તોડી નાખી છે. કાયદો પરવશતા સાથે, શિષ્ટ લોકો સ્તબ્ધ આંખે તાલ નિહાળી રહ્યા છે. આ પણ ખરેખર તો શરૂઆત માત્ર છે
એક ગુજરાતી છોકરો. જુહુમાં એ મોટો થયો. ભણતર ઓછું. કરિયરની શરૂઆતમાં ગેરેજમાં કામ કર્યું, ફેરિયા તરીકે પણ સંઘર્ષ કર્યો. પછી એક મિત્રએ એને ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ અપાવ્યું. બસ, પેલાને ફિલ્મોનો રંગ લાગ્યો. એણે નિર્માતા તરીકે મારધાડ નામની ફિલ્મમાં નાણાં રોક્યાં. નેકસ્ટ ફિલ્મ ‘ગંગા જમુના કી લલકાર’થી તો ડિરેક્શન પણ હાથમાં લઈ લીધું. 1995 સુધીમાં એણે 46 ફિલ્મો બનાવી નાખી. કરણ જોહર, આદિત્ય ચોપરા, ફરહાન અખ્તર, મધુર ભંડારકરે મળીને આખી જિંદગીમાં આટલી ફિલ્મો ડિરેક્ટ નથી કરી જેટલી આ સર્જકે કરી છે. એમાંની અમુકમાં સ્ટાર્સ હતા. અન્યથા. એની ફિલ્મ પોતાના દમ પર ચાલી છે. ચાલી પણ કેવી? ફિલ્મ બનાવવાની એ જાહેરાત કરે કે વિતરકો ધડ્ દઈને રાઇટ્સ ખરીદી લેતા. સુભાષ ઘાઈને ફિલ્મ વેચતા કદાચ મહેનત પડી હશે પણ આ મેકરને ક્યારેય નથી પડી. આટલું ઓછું હોય તેમ એની ફિલ્મ સામે મોટા મેકર્સ પોતાની ફિલ્મ રિલીઝ કરતા થરથરતા, એમ વિચારીને કે “નાના સેન્ટર્સમાં આની ફિલ્મ સામે મારી ફિલ્મનો ખો નીકળી જશે.”
એ ફિલ્મમેકર એટલે કાંતિ શાહ. એમના સહિત દિલીપ ગુલાટી, વિનોદ તલવાર, જે. નીલમ, કિશન શાહ જેવાં અમુક મેકર્સનો એ દોર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ઓછું ચર્ચાતું પાસું કે પાનું છે. મલ્ટીપ્લેકસનો જમાનો આવ્યા પછી એમનાં વળતાં પાણી થયાં પણ આ સર્જકોએ કરેલું કામ અવગણી શકાય એવું નથી જ. ફિલ્મોને એ, બી, સી ગ્રેડ કે મોંઘી કે સસ્તી, સામાજિક કે સેક્સપ્રચુર એવા દાયરામાંથી બહાર કાઢીને, મનોરંજક, સફળ એવા જ માપદંડે મૂલવીએ તો આ લોકો લાજવાબ હતા. એમના વિશે પ્રાઇમ વિડિયો પર ડોક્યુમેન્ટરીની એક નાનકડી સિરીઝ પણ છે. તક મળ્યે જોઈ લેજો.
આ સર્જકોની ફિલ્મોમાં કોમન ફેક્ટર શું હતા? નાનાં બજેટ, સાધારણ પ્રકારનું મેકિંગ, સામાજિક વાર્તામાં ઠાંસીઠાંસીને ભરવામાં આવતી માદક ક્ષણો, તાળીઓ પાડવા મજબૂર કરે છતાં ચીલાચાલુ ગણાતા સંવાદો વગેરે બાબતો. અમુક સર્જકો હોરર સબજેક્ટ્સ પણ ખેડતા. એમની ફિલ્મોને ક્યારેય સન્માન મળ્યું નહીં પણ બોક્સ ઓફિસ પર દિલ કેમ જીતવાં, વેપલો કેમ કરવો એની આ સર્જકોને બરાબર જાણ હતી.