તોતિંગ બજેટ, મોટા સ્ટાર્સ અને ફાંકડું ઓટીટી પ્લેટફોર્મ – આ ત્રણનો સંગમ બહુ એક્સાઇટિંગ લાગે. મનમાં થાય કે આ સિરીઝ મોજ કરાવી દેશે. જોકે એવું દર વખતે થતું નથી. એના અનેક દાખલા આખી ઓનલાઇન દુનિયામાં અહીંતહીં વેરાયેલા છે
આ પણા મેકર્સને થયું છે શું? કેમ તેઓ એવી એવી સિરીઝ બનાવી રહ્યા છે જે ચકરાવે ચડાવી નાખવાની હદે નબળી હોય છે? વળી મેકર્સ કેવા, તો એવા જેમની સારી ફિલ્મો, શોઝથી આપણે એમના પર સમરકંદ બુખારા ઓવારી ગયા હોઈએ. જેમના માટે આપણે કહેતા ફરતા હોઈએ, ‘આ તો એની છેને, બેસ્ટ જ હશે, જોઈ લેજે.’ અને થઈ શું રહ્યું છે? સ્ટાર્સનાં પડીકાંમાં વીંટાળીને, પેકેજિંગનાં ગતકડાં પહેરાવીને મેકર્સ એવું કંઈક લાવવા (એક્ચ્યુઅલી, દર્શકોના માથે મારવા) માંડયા છે કે એમની સર્જનશક્તિ વિશે શંકાકુશંકાઓ થવા માંડે. વેરી બડ. બે-એક સિરીઝની વાત કરતા પહેલાં ૨૦૨૩ના થોડા શોઝની વાત કરીએ.
એ આખા વરસની સિરીઝ સૌથી વધુ વખણાયેલી સિરીઝની આપણે પહેલાં ચર્ચા કરી જ ગયા છીએ. ‘સ્કૂપ’, ‘રોકેટ બોય્ઝ’ સીઝન બે, ‘ધ રેલવેમેન’, ‘કોહરા’, ‘જ્યુબલી’, ‘ટ્રાયલ બાય ફાયર’, ‘ફર્ઝી’, ‘ધ નાઇટ મનેજર’ વગેરે એમાંની અમુક. ફિલ્મ કે સિરીઝ વિશે એવું પણ થાય કે પહેલી વાર જોતી વખતે થતી તાત્કાલિક લાગણી અને એમના વિશે બંધાતું મંતવ્ય સમય જતાં બદલાઈ જાય. સરિયામ નિષ્ફળ લેખાયેલી ફિલ્મો (અને સિરીઝ પણ) સમય વીત્યે એટલે જ કલ્ટ કે સીમાચિહ્ન સમાન બને છે. જેમ કે ‘લમ્હેં’, ‘મેરા નામ જોકર’, ‘કાગઝ કે ફૂલ’, ‘જાને ભી દો યારોં’, ‘સૂર્યવંશમ્’…
સિરીઝને પણ આ નિયમ લાગુ પડે. ગયા વરસની અનેક સિરીઝ મનમાં ઘુમરાય છે ત્યારે થાય કે એની પહેલાંના વરસમાં આવેલી અમુક નોંધપાત્ર સિરીઝ સામે એમની વિસાત નબળી રહી. અમુક જોકે ફર્સ્ટ વાચમાં પણ ગમી હતી. વિષયનું નાવીન્ય ‘ધ રેલવેમેન’માં હતું. ‘સ્કેમ ૨૦૦૩’ને ફર્સ્ટ સીઝનની સુપર સફળતાનું પીઠબળ હતું અને બીજી સીઝન પણ ગુણવત્તાની દ્રષ્ટિએ સમયનું રોકાણ વસૂલ કરનારી હતી. ‘જ્યુબલી’નું મેકિંગ ધ્યાનાકર્ષક હતું. બોલિવુડનાં પ્રારંભિક વરસોની એમાં ડોકિયું કરવાની મજા પડી હતી. ‘સ્કૂપ’ વાચેબલ હતી. ક્રાઇમ બેઝ્ડ ‘કોહરા’નો ઠહરાવ અને સુવિન્દર વિકીનો અભિનય જાનદાર હતા.