સાવ એટલે સાવ અધકચરી પૂર્વતૈયારી, કાલ્પનિકતા, કશુંક નવું કરવાની ધગશ વિના સિરીઝ બને ત્યારે શું થાય? દર્શકો એનો જવાબ આ સિરીઝનું નામ લઈને આપી શકે છે. મનમાં થાય છે. યાર રોહિત, આવું ના બનાવીએ…
ગોવામાં બ્લાસ્ટ કરીને આતંકવાદી ઝરાર ઉર્ફે હૈદર ઢાકાભેગો થયો છે. પોલીસ અધિકારી કબીર મલિક અને મંડળીએ ત્યાં જઈ એને જેર કરવાનો છે. દિલ્હીના ડીજીપી બંસલ અને ગુજરાત એટીએસની અધિકારીમાંથી હવે સ્પેશિયલ ટાસ્કની સુકાની તારા અને સૌ ગૃહ મંત્રાલય પહોંચે છે. મિનિસ્ટર ઢાકા જઈને પ્રોટોકોલની ઐસીતૈસી કરીને પણ આતંકવાદીને ઉઠાવી લાવવાનો આદેશ આપે છે. કબીર એટસેટરા ઢાકા પહોંચે છે. ત્યાં રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનો અધિકારી જગતાપ મદદ કરવા હાજર જ છે. મોટ્ટી માર્કેટમાંથી ગણતરીની મિનિટોમાં આતંકવાદી પકડાઈ જાય છે. અને ફાઇનલી, આપણા અધિકારીઓ બજારમાંથી બકરું લઈને ઘેર પહોંચી જાય એટલી સહેલાઈથી સરહદ વટાવીને પહોંચી જાય છે ભારતની સરહદની અંદર.
રોહિત શેટ્ટીની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ પોલીસ ફોર્સની સિરીઝ ઓછી અને ફાર્સ વધારે છે. સગવડિયા વાર્તા-પટકથા, કઠપૂતળીસમ પાત્રો અને નકરી સ્ટાઇલથી છલકછલક આ સિરીઝ નાવીન્ય અને રોચકતાનો ભારોભાર અભાવ ધરાવે છે.
હમણાં આ શેટ્ટીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેં કોવિડમાં ‘સર્કસ’ ફિલ્મ એટલે બનાવી કે મારી સાથે જે વર્કર્સ સંકળાયેલા છે એ નવરા બેસે નહીં, એમને કામ મળે. બોલો, વર્કર્સ કલ્યાણકારી શેટ્ટીએ દોઢસો કરોડ રૂપરડી અને દર્શકોનો એના પરનો વિશ્વાસ એવી વાહિયાત ફિલ્મ પર સ્વાહા કર્યાં જેને કદાચ એણે પોતે ફરી જોવાની તસદી લેતા પહેલાં સો વખત વિચાર કરવો પડે. શેટ્ટીના કલ્યાણકાર્યમાં રણવીર સિંઘ, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડિસ, મુરલી શર્મા, સંજય શર્મા વગેરે શાને જોડાયા હશે એ સમજી શકાય એવી વાત છે. એકનેય નહીં જ થયું હોય કે પૈસા કરતાં ગુણવત્તા અને દર્શકોનો ભરોસો વધારે કીમતી છે. વર્કર્સને ન્યાય કરવાના લૂલા બહાના સાથે પણ આવી ગુસ્તાખી વાજબી નથી. કદાચ એવા જ કોઈક આશય સાથે આ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ બની હોય, ભલું પૂછવું.