ઓટીટી સતત મોંઘાં થવાના મુકામે પહોંચી ગયાં છે. એની સંખ્યા આપણી ખરેખરી મનોરંજનની ભૂખ કરતાં ક્યાંય વધી ગઈ છે. સામાન્ય પરિવાર એમની પાછળ આવકની તગડી રકમ ખર્ચી રહ્યો છે. સવાલ એ છે કે આ બધું ક્યાં જઈને અટકવાનું
ઇન્ડિયામાં સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતું ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ છે. સબસ્ક્રાઇબર્સ 4,92,00,000 છે. જિયો સિનેમાના અઢી કરોડ સબસ્ક્રાઇબર્સ છે. એમેઝોનના પ્રાઇમ વિડિયોના બે કરોડ દસ લાખ, સોની લિવના એક કરોડ વીસ લાખ તો ઝી ફાઇવના 75 લાખ છે. આ પ્લેટફોર્મ્સ પૈસા લઈને મનોરંજન પીરસે છે. પૈસા લેતી વખતે જાહેરાત મનોરંજન પીરસવાનું એમણે આશ્વાસન આપ્યું છે. એ આશ્વાસનનું ઝડપભેર બાષ્પીભવન થઈ રહ્યું છે. પેઇડ સબસ્ક્રિપ્શન હોય તો પણ જાહેરાત જોવી જ પડે એ દિવસો ઓલમોસ્ટ આવી ગયા છે.
એમએક્સ જેવાં પ્લેટફોર્મ્સ પહેલેથી કહે છેઃ મફતમાં મનોરંજન જોવા યુ આર મોસ્ટ વેલકમ, એટલી શરતે કે શો, ફિલ્મની વચવચમાં જાહેરાતો જોવાની. પેઇડ પ્લેટફોર્મ્સે સબસ્ક્રાઇબર્સને વગર જાહેરાતનો મોજથાળ (મોહનથાળની જેમ) પીરસવાનો વાયદો આપીને હવે હળવેકથી દર્શકોના માથે એડ્સ ફટકારવા માંડી છે. ઓટીટી પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબર્સથી સેંકડો-હજાર કરોડમાં આવકથી પણ ધરવ નથી. ગ્રાહકે વગર જાહેરાતના મનોરંજનના માટે લવાજમ ભર્યું છતાં એને એડ્સ જોવાની ફરજ પાડવામાં આવી રહી છે. એ અંચઈ છે.