સાચું કહેજો, નવરા બેઠા હોવ ત્યારે તમારાથી સ્માર્ટ ફોન કે ટીવીની સ્ક્રીન છૂટે છે ખરી? બહુ ઓછા લોકો આ પ્રશ્નનો જવાબ હામાં આપી શકશે. જેઓ કંઈક જોઈ રહ્યા નથી હોતા તેઓ કશુંક સાંભળતા હોય છે. ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, કોન્ટેન્ટની અવેલેબિલિટી અને અધીરા જીવના વિશ્વમાં મનોરંજન કે માહિતી ઉલેચવાની વૃત્તિ ત્યજવી લગભગ અશક્ય થઈ રહી છે. બે વરસનું બચ્ચું જ્યાં સુધી કોઈક એનિમેશન વિડિયો ચાલતો નથી ત્યાં સુધી ખાવા તૈયાર નથી. એંસી વરસના દાદા ચુંવી આંખોએ પણ મોબાઇલમાંથી કોઈક ભજન કે સત્સંગ સાંભળ્યા વિના રહી શકતા નથી. ચાલીસ વરસની ગૃહિણી રોજ રસોઈ બનાવતી હોવા છતાં યુટ્યુબ પર વાનગીની રેસિપી જોયા વિના જંપી શકતી નથી. બાવીસ વરસનો યુવાન કાનમાં ભુંગળાં નાખીને કોઈક ગીત સાંભળ્યા વિના સૂઈ શકતો નથી. પિસ્તાલીસ વરસનો પ્રોફેશનલ મેટ્રોમાં કશેક જતી વખતે એકના એક સમાચાર જોયા-વાંચ્યા વિના પોતાને અપડેટેડ માનતો નથી.
ચૂંટણીનો માહોલ છે. કોણ સરકાર બનાવશે એ પછીની વાત છે. સરકાર બનતા પહેલાં સુધી અસંખ્ય સર્વેક્ષણોએ જબરદસ્ત વિરોધાભાસી તારણોથી મતદાતાને ત્રિભેટે લાવીને મૂકી દીધા છે. ઉમેદવારોની નાનામાં નાની હરકત જાણે મોટી ઘટના હોય એમ કરોડો સ્ક્રીન પર ફ્લેશ થયે રાખે છે. ઇન્સ્ટાથી લઈને એક્સ સુધી અને ટીવીથી લઈને વ્હોટ્સએપ સુધી બધે જાણે જિંદગીમાં ચૂંટણી જ સર્વસ્વ છે. સ્થિતિ ગજબ છે.
આ સ્થિતિ વચ્ચે વાત કરીએ એવા અમુક કોન્ટેન્ટની જેમની લોકપ્રિયતા આંખો ફાડી નાખનારી થઈ છે. પ્રવર્તમાન કનોક્ટિવિટી વિના કદાચ આમાની ઘણી ચીજો વિશે આપણે માહિતગાર હોત નહીં. કદાચ એમને જે હદે જોવા-માણવામાં આવી રહી છે એ રીતે માણવાનો સવાલ ઊભો થયો હોત નહીં.
યુટ્યુબથી શરૂ કરીએ. મફતમાં સૌને ઉપલબ્ધ આ પ્લેટફોર્મને લીધે દેશ તો ઠીક, દુનિયાભરનું મનોરંજન ક્લિક કરીને માણી શકાય છે.