સીધી ઓટીટી પર આવતી ક્ષુલ્લક ફિલ્મોથી આ ફિલ્મ અલગ છે. અટપટી ટ્રીટમેન્ટ છતાં એ સ્નિગ્ધ છે. બિનપંજાબીઓ જેને ઓળખતા નહીં હોય એવા ગાયકના જીવનની ઘટમાળને પેશ કરતાં એ જીવનસ્પર્શી મુદ્દાઓ છેડતા દર્શકને અભિભૂત કરે છે
ઇમ્તિયાઝ અલીની ફિલ્મ અમર સિંઘ ચમકીલામાં ધન્નીરામ ઉર્ફે અમર સિંઘ, લુધિયાણામાં ઢોલકવાદક કેસર સિંઘ ટિક્કીને મળે છે. વરસ 1977નું છે. અમર સિંઘ ટિક્કીને કહે છે કે મને ગાયક જિતેન્દર જિન્દાને મેળવી આપો. અમરને તુચ્છ ગણીને ટિક્કી પૂછે છે, “તું હૈ કોન?”
અમર કહે છે, “મૈં આજ કુછ નહીં હૂં જી.”
ટિક્કી કહે છે, “ઔર કલ હો જાયેગા?”
અમર આત્મવિશ્વાસ સાથે કહે છે, “હાં…”
…આગળ જતાં અમર સિંઘ બને છે ચમકીલા. ચમાર જાતિમાંથી આવતો એવો ગાયક જે પંજાબીઓનાં હૈયાં પર એકહથ્થુ રાજ કરે છે. રાજ એવું કે કેસેટ-રેકોર્ડ્સના જમાનામાં એનાં આલબમ સોલ્ડ આઉટ થઈ જતાં, એનાં કાળાંબજાર થતાં. પેલો ટિક્કી પણ ચમકીલાનો તબલચી બને છે. વાત ત્યાં પહોંચે છે કે દસ વરસ પછી, ટોરોન્ટોમાં અમિતાભ બચ્ચનના શો પછી ચમકીલાનો શો હતો. આયોજક ઉછળતા અવાજમાં ચમકીલાને કહે છે, “અમિતજીનો શો થયો ત્યારે હૉલમાં એક્સ્ટ્રા 137 સીટ લગાડવી પડી હતી. તમારા શોમાં 1024 સીટ લગાડવી પડી!”
આ સિદ્ધિથી ખુશ થવાને બદલે ચમકીલા ખિન્ન છે. એની અંદર જાણે શૂન્યતા વ્યાપી જાય છે. કારણ? આવી સફળતા પણ વ્યર્થ છે એની જાણે એને પ્રતીતિ થાય છે? પછીના દ્રશ્યમાં ચમકીલાનાં ગીતોથી સખત નારાજ શીખ આગેવાનો ચમકીલાને ધમકાવે છે, “આજથી, અત્યારથી કોઈ શોમાં તું કોઈ બીભત્સ ગીત નહીં ગાય, દારૂ નહીં પીએ, માંસ-મચ્છી નહીં ખાય, બીડી પણ નહીં પીએ. અન્યથા, ટોરોન્ટો તો ઠીક, દુનિયામાં જ્યાં હોઈશ ત્યાં પહોંચીને…” ચમકીલા બહાર નીકળીને કારમાં બેસે છે અને પેલાવની દેખતાં પહેલું કામ બીડી પેટાવવાનું કરે છે.