ગયા અઠવાડિયે ઓટીટી પર આવેલી ફિલ્મોમાંની બે એટલે ‘અબંગ અદિક’ અને ‘લવ કી અરેન્જ મેરેજ.’ એક (મેન્ડરિન ભાષાની) મલેશિયન તો બીજી બોલિવુડિયા ફિલ્મ છે. કેવીક છે બેઉ?
‘અબાંગ અદિક’નો નાયક અનાથ, સરળ, મૂક-બધીર યુવક અબાંગ (વુ કાંગ-રેન) છે. ક્વાલાલમ્પુરના પુદુ વિસ્તારમાં એ નાના ભાઈ અદિક (જેક ટાન) સાથે રહે છે. બેઉ વિરુદ્ધ પ્રકૃતિના છે. અદિક પૈસા માટે ખોટાં કામ અને સ્ત્રી સાથે શયન પણ કરી જાણે છે. આ ભાઈઓ એવી ઇમારતમાં રહે છે જેમાં એમના જેવા જ અન્ય બિનસત્તાવાર શરણાર્થીઓ મલેશિયન ઓળખ વિના રહે છે. કાયદાના પંજાથી પોતાને યેનકેન બચાવતા તેઓ ભયના ઓથારતળે જીવે છે. ઇમારતમાં રહેતી વૃદ્ધા મિસ મોની (ટાન કિમ વાંગ), અબાંગ માટે કૂણી લાગણી ધરાવતી મ્યાનમારની યુવતી શાઓ-સુ (એપ્રિલ ચેન) અબાંગના સ્વજનો સમાન છે. શરણાર્થીઓ માટે ઝઝૂમતી યુવતી, સમાજસેવિકા જિયા (સેરિન લિમ) અબાંગ-અદિકને નાગરિકત્વ અપાવવા પ્રયત્નશીલ છે. એની મદદ અદિકને લગીરેય ગમતી નથી. એને એમ જ છે કે આવા ધમપછાડા કરવા કરતાં લાંચ આપીને નાગરિકત્વ મેળવી લેવું સારું.
એકવાર જિયા અદિકને ઘેર એને નાગરિકત્વ મળવાની ઉજળી શક્યતાના સારા સમાચાર આપવા પહોંચે છે. પહેલેથી જિયાને ધુત્કારતો અદિક પેલી સાથે વિવાદ અને ઝપાઝપી પર ઊતરી આવે છે. એ જિયાના માથા પર જોરથી પ્રહાર કરી બેસે છે અને જિયાનું મોત થાય છે…
કોઈક દેશમાં નાગરિકત્વ વિના રહેવું કેટલું કઠિન હોઈ શકે એ ગંભીર મુદ્દો ફિલ્મમાં સંવેદનશીલ રીતે છેડાયો છે. ફિલ્મનો ટૉન ઘેરો, ઉદાસ છે. ઓછા સંવાદો સાથેની માવજત ચોટદાર છે. જિયાનું મોત અને એ પછીનો વળાંક અસરકારક છે. અબાંગ-અદિકનું બંધુત્વ સરાહનીય રીતે પેશ થયું છે. બેજવાબદાર નાના ભાઈ માટે રોજ રાતે ડાઇનિંગ ટેબલ પર ભોજન રાખવાનો અબાંગનો ક્રમ, એકમેકના કપાળે ઇંડું ફોડીને ખાવાની એમની ટેવ વગેરે બાબતો સ્પર્શી જાય છે. જિયાની હત્યા સુધી ફિલ્મ અસ્ખલિત ચાલે છે. સેકન્ડ હાફમાં થોડી ઢીલી પણ પડે છે. જોકે પછી ફરી પકડ પણ બનાવી લે છે.