‘લાપતા લેડીઝ’ હાલની એક ઠીકઠીક સારી ફિલ્મ હતી. આમિર ખાનની પત્ની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ એની દિગ્દર્શિકા હતી. રવિ કિશનને બાદ કરતાં મોટાભાગના કલાકારો ઓછા જાણીતા હતા. ફિલ્મ પાંચેક કરોડમાં બની હોવાનો અને બોક્સ ઓફિસ પર એણે પચીસેક કરોડનો ધંધો કર્યો હોવાનો ઇન્ડસ્ટ્રીનો અંદાજ છે. જે રીતે ફિલ્મનાં વખાણ થયાં હતાં, અને એ યોગ્ય જ હતાં, એ રીતે આ ફિલ્મે આના કરતાં ઘણું વધારે કલેક્શન કર્યું હોત તો એ બરાબર જ ગણાત. નિષ્ણાતોના મતે થયું એમ કે દર્શકો ફિલ્મને જોવા આતુર હતા પણ થિયેટરમાં જઈને નહીં, ઘેરબેઠા, ઓટીટી પર. રાઇટ.
આવું હવે એક ફિલ્મ સાથે નથી થઈ રહ્યું. ઘણી ફિલ્મો લોકોના આ બદલાતા અભિગમને લીધે બોક્સ ઓફિસ પર ધાર્યાનુસાર કલેક્શન કરવામાં નિષ્ફળ જઈ રહી છે. ઓટીટીની આ પહોંચ અને તાકાત બોક્સ ઓફિસ માટે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક ચેતવણી છે. એ છે, “કાં તો એવી ફિલ્મ બનાવો જે દર્શકે મોટા પડદે માણ્યા વિના છૂટકો ના હોય કાં પછી ભોગવો પરિણામ.”
ઓટીટીએ જે બદલાવ સર્જયા છે એની વાત આ એક મુદ્દે પૂરી થતી નથી. બીજા પણ એવા બદલાવ છે જે નોંધવા જેવી છે.
ઓટીટીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટારડમનાં સમીકરણો ઊંધાચત્તા કરવાનું શરૂ કરી દીધું છે. એક સમય હતો જ્યારે લોકોના માનસ પર ફિલ્મી સિતારાનું આધિપત્ય હતું. એ પણ પ્રાદેશિક ધોરણે. હિન્દી ફિલ્મો જોનારા મન પર ખાન્સ અને બચ્ચન્સ, કપૂર્સ, કુમાર્સ વગેરે છવાયેલા રહેતા. નટીઓના મામલે પણ બિલકુલ આવું હતું. સેટેલાઇટ ચેનલ્સ પર પ્રાદેશિક, ખાસ તો દક્ષિણ ભારતીય ફિલ્મો, ડબ થઈને આવવા માંડી એ સાથે આ સિતારાઓ સાથે ત્યાંના સ્ટાર્સ સીધા સ્પર્ધામાં ઊતર્યા. કોણે ધાર્યું હતું કે પ્રભાસ અને અલ્લુ અર્જુન અને રામ ચરણ અને ડુલકેર સલમાનની ફિલ્મો હિન્દી પટ્ટામાં શાહરુખ, સલમાન, આમિર, અમિતાભ, અક્ષય વગેરેની ફિલ્મોને આ રીતે હંફાવશે? આજે એ સ્થિતિ સામાન્ય છે. સાથે, મુખ્યત્વે ઓટીટીને લીધે ઘણા કલાકારો જસ્ટ અનધર એક્ટરમાંથી સ્ટાર્સ બન્યા છે. જયદીપ અહલાવતનો દાખલો લો. પાતાલગંજને કારણે એનું વિશ્વભરમાં નામ ગાજ્યું. સ્થિતિ ત્યાં પહોંચી છે કે એન એક્શન હીરો અને મહારાજ જેવી ફિલ્મમાં એ ટોચના કલાકાર સાથે સમાંતર ભૂમિકામાં, ઓલમોસ્ટ હીરો તરીકે દેખાઈ રહ્યો છે. શેફાલી શાહનો દાખલો પણ લો. બોલિવુડે જેની ટેલેન્ટની મામૂલી કદર કરી એવી આ અભિનેત્રીને ઓટીટીએ એવી સુવર્ણ તકો પૂરી પાડી છે કે આજે એ પહેલાં કરતાં ક્યાંય વધુ દર્શકપ્રિય થઈ છે અને દમદાર પાત્રો પણ મેળવતી થઈ છે. ઓટીટી વિના આ શક્ય ના થાત.