દરેક વાતની એક હદ હોય. પંજાબનાં ચીથરાં એક જ સ્ટાઇલમાં ઉતારવાની પણ હદ હોય. ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ જેવી ફિલ્મોના સર્જક લવ રંજન કદાચ આ સમજતા નથી. અથવા એમના મગજમાં ભરાયેલો પંજાબ, એની ટિપિકલ નબળાઈઓ અને લગ્નનો માહોલ વગેરે નીકળવાનું નામ નથી લેતા. પછી એમની ફિલ્મ દિગ્દર્શક તરીકે હોય કે આ વખતે, ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’માં, લેખક-સહનિર્માતા તરીકે. સીમરપ્રીત સિંઘ દિગ્દર્શિત આ ફિલ્મ નેટફ્લિક્સ પર છે. દસ-પંદર મિનિટ એને માણવાનો પ્રયત્ન કરતા હાંફી જવાની ગેરન્ટી છે. એ ટાળવું હોય તો આ રિવ્યુ વાંચીને હાથ ધોઈ નાખો ફિલ્મથી.
થોડી ‘ફુકરે’, થોડી ‘દિલ ચાહતા હૈ’ અને થોડી અન્ય ફિલ્મો ઉમેરતાં બને એવી છે એની વાર્તા. ચાર મિત્રો છે. રાજેશ ખન્ના ’ખન્ને’ (વરુણ શર્મા), માન અરોરા ’અરોડે’ (સની સિંઘ), હની (મનજોત સિંઘ) અને ગૌરવ જૈન ‘જૈનુ’ (જેસી ગિલ). રાજેશની ગર્લફ્રેન્ડ વૈશાલી (આશીમા વરદાન) એને તરછોડીને બેઉના બોસની પત્ની થવાને છે. લગ્ન છે પઠાણકોટમાં અને કથાપ્રારંભ થાય છે પટિયાલામાં. ભગ્નહૃદયી રાજેશને મિત્રો ચાનક ચડાવે છે પેલીના મોઢા પર, પેલીના લગ્નમંડપમાં જ, હડહડતું અપમાન કરવાની. ચારેય ઉપડે છે પઠાણકોટ. પછી એકસો દસ મિનિટ ગોસમોટાળા, ચક્કર પર ચક્કર, લગ્ન, ગોળીબારીની ધણધણાટી, દારૂની ઢીંચાઢીંચ, ગાળાગાળી… ચાલ્યા કરે છે ક્લાઇમેક્સ લગી. એમાં ઉમેરાય છે બે બીજી નટીઓ, રાધા (પત્રલેખા) અને મીરાં (ઇશિતા રાજ), એક પોલીસ અધિકારી અવતાર સિંઘ (રાજેશ શર્મા) વગેરે.
ઉપર જે બે-ત્રણ ફિલ્મોનાં નામ લખ્યાં છે એ માત્ર સાંકેતિક છે. ‘વાવાપં’ એની છેક નબળી વાર્તાને નિખારવા બીજી ઘણી ફિલ્મો, ફિલ્મોનાં પાત્રો વગેરેનો મોળો આધાર લીધે રાખે છે. એક તરફ એ લગ્ન વિશેની ફિલ્મ છે તો બીજી તરફ રોડ ટ્રિપની, ત્રીજી તરફ એ ક્રાઇમથી લથબથ છે તો ચોથી તરફ કંગાળ ગીતોની ગ્રસ્ત છે. ખરેખર તો એ એક ફિલ્મમાં અનેક વાર્તાને આવરી લેવાનો બોદો પ્રયત્ન છે, જે જોનારને કન્ફ્યુઝ કરી નાખે છે. થાય, “આને લખતી, બનાવતી કે એમાં અભિનય કરતી વખતે કલાકાર-કસબીઓ પોતપોતાની જવાબદારીને સમજવા કઈ રીતે મથ્યા હશે?”