મનોજ બાજપાયી સલમાન ખાન નથી. સાઉથનો એક્શન હીરો પણ નથી જ. ‘ભૈયાજી’માં બાજપાયીને બેઉ બનવાની તક મળી છે. નવાઈ લાગે છે? ફિલ્મ જુઓ. અપૂર્વ સિંઘ કાર્કી ડિરેક્ટેડ આ ફિલ્મ ઘડીકમાં સરસ તો ઘડીકમાં વિચિત્ર લાગશે. પહેલાં વાત કરીએ ‘ભૈયાજી’ની અને પછી કરીશું બીજી એક ફિલ્મની.
રામ ચરણ ત્રિપાઠી ઉર્ફે ભૈયાજી સીધોસાદો માણસ છે. એટ લીસ્ટ, ફિલ્મની શરૂઆતમાં તો ખરો જ. એનો સાવકો ભાઈ વેદાંત (આકાશ મખીજા) દિલ્હીથી ઘેર પાછો આવી રહ્યો છે. એટલે, ભૈયાજી, એની સાવકી મા (ભાગીરથી કદમ) અને થવાવાળી પત્ની મિતાલી (ઝોયા હુસેન), સહિત આખું ગામ ઉત્સાહિત છે. ત્યાં દિલ્હી રેલવે સ્ટેશને અણધારી ઘટનામાં ગુંડો અભિમન્યુ (જતીન ગોસ્વામી) વેદાંતને પતાવી નાખે છે. નાજુક થતી જોઈને વેદાંતના બેઉ મિત્રો પણ એને મદદ કરવાને બદલે નાસી જાય છે. આ અભિમન્યુનો બાપ ચંદ્રભાન (સુરિન્દર વિકી) પણ માથાભારે તત્ત્વ છે. વેદાંતની હત્યા ભૈયાજીને, પરિવારને હચમચાવી નાખે છે. એ સાથે ભૈયાજી હથિયાર ઉપાડે છે અને પ્રણ લે છે અભિમન્યુને પતાવી નાખવાનું. ત્યારે આપણને જાણ થાય છે કે એક સમયે ભૈયાજી પણ માથાભારે તત્ત્વ હતો પણ સારી ક્વોલિટીનો. એટલે, લોકોના હિત માટે ગુંડાગીરી કરતો જણ. બિલકુલ એવો જેવો આપણી નાઇનટીઝની ફિલ્મનો કોઈક હીરો હતો.
‘ભૈયાજી’ની વાર્તા ટિપિકલ મસાલા એન્ટરનેઇનર છે. એની શરૂઆત ઠીકઠીક છે. થોડી મિનિટો પછી ફિલ્મ ઉત્સુકતા જગાડે છે. શોટ ટેકિંગ, શરૂઆતમાં આવતું એકાદ ગીત વગેરે બધું સરસ માહોલ જમાવે છે. ભૈયાજી ચંદ્રભાન એન્ડ કંપની સામે રણશિંગું ફૂંકે છે ત્યાં સુધી બધું બરાબર છે. પછી વાર્તાને દમદાર બનાવવા માટે પડ ખુલતાં જાય છે. એક તો કહી જ દીધું કે સીધોસાદો ભૈયાજી કેમ ગુંડાગીરી પર ઊતરી આવે છે. એવી જ રીતે સાવકી મા, થનાર પત્ની વગેરેના નવા કલર્સ પણ સામે આવે છે. ભૈયાજીના ગામવાળા પણ ગાંજ્યા જાય એવા નથી. એ પણ ધીમેધીમે ફલિત થાય છે. ઇન્ટરવલના ટ્વિસ્ટમાં ગુંડા ભૈયાજીને નદીમાં ફગાવી દે છે અને એને ગોળીએ પણ દે છે. ઇન્ટરવલ પછી વાર્તા લથડિયાં ખાય છે. કારણ ભૈયાજી હીરોમાંથી ઝીરો હોય એ રીતે ફિલ્મનાં અન્ય પાત્રો સિચ્યુએશન્સ કંટ્રોલ કરે છે. ઘડીકમાં મા, પત્ની અને ઘડીકમાં ચંદ્રભાન. ભૈયાજીએ ભાઈના મર્ડરનો બદલો લેવાનો છે પણ એ પોતે ડ્રાઇવિંગ સીટ પર આવે ત્યાં સુધીમાં તો ખાસ્સી ફિલ્મ પતી જાય છે. એનાથી ફિલ્મ ફિસ્સી પડી જાય છે.
સારા સ્ક્રીનપ્લે સાથે, બાજપાયીની જગ્યાએ અન્ય કોઈક કલાકાર સાથે (જે આ પાત્રમાં વધુ ફિટમફિટ લાગત) ફિલ્મ બેટર બની હોત. પાત્રાલેખનમાં ઘણી ખામીઓ છે. આવી ફિલ્મ જોતાં જે ઝણઝણાટી થવી જોઈએ, ભયની, રોમાંચનું, લખલખું પસાર થવું જોઈએ એ થતું નથી. ટેક્નિકલી ફિલ્મ ક્યાંક સશક્ત તો ક્યાંક નબળી છે. અભિનયમાં બેશક બાજપાયીએ જીવ રેડ્યો છે પણ આ પાત્ર માટે એ બન્યો જ નથી. અન્ય કલાકારોમાં સુરિન્દર અને ઝોયા ધ્યાન ખેંચે છે. ભાગીરથીનું ઠીકઠીક રહે છે.