બોલિવુડની (આખા ઇન્ડિયાની?) સફળતમ લેખકબેલડી સલીમ-જાવેદ શા માટે તૂટી? એમનો સિતારો એવો તે કેવો બુલંદ થયો કે સુપરસ્ટાર્સ કરતાં એમને વધુ પૈસા મળતા? દર્શકો એમની લખેલી ફિલ્મો સારી જ હોય એવું શાને માનતા?
ફિલ્મો, વેબ સિરીઝ વગેરેની ખળખળ વહેતી નહેરમાં જ્યારે ‘એન્ગ્રી યંગ મેન’ જેવી, રિયલ લાઇફને ઉજાગર ડોક્યુમેન્ટરી આવે ત્યારે તાજગીની અલગ લહેરખી વહી હોય એવું પ્રતીત થાય છે. આપણે ત્યાં રિયલ માણસોની સિદ્ધિઓની સમીક્ષા કરતી, એમનાં જીવન, કાર્યો વગેરેની બારીકીમાં જતી ડોક્યુમેન્ટરીઝનો ટ્રેન્ડ હજી પા પા પગલી ભરી રહ્યો છે. સલીમ ખાન અને જાવેદ અખ્તરના સંઘર્ષ, એમની સફળતા, એમના યૌવનથી લઈને વૃદ્ધત્વ અને એમના પરિવારની અંગત વાતોને વણી લેતી નાનકડી પણ મજ્જાની સિરીઝ પ્રાઇમ વિડિયો પર આવી છે. એમાં ત્રણ એપિસોડ્સ છે પણ ત્રણેય સ્ટાર-સ્ટડેડ છે. ત્રણેયમાં ઘણી અજાણી વાતો સામે આવે છે જેને મમળાવવી ગમે. સિરીઝ ખરેખર તો આ ચેમ્પિયન લેખકોને જીવતેજીવત આપવામાં આવેલી ઉમદા અંજલિ છે, કહો કે એમને ફિલ્મરસિયાઓની સલામી છે.
સિરીઝના કેન્દ્રસ્થાને ખુદ સલીમ અને જાવેદ છે. એમના કોસ્ટાર્સ એમના પરિવારજનો ઉપરાંત એમની સાથે વરસોથી સંકળાયેલા બોલિવુડના બિગેસ્ટ કલાકાર-કસબીઓ છે. એમાં સલીમપુત્ર સલમાન ખાન, આમિર ખાન, શાહરુખ ખાન, રિતિક રોશન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, રાજકુમાર હીરાણી, અભિજાત જોશી, હેમા માલિની… ઘણા સામેલ છે. સાથે, સલીમનાં પત્ની હેલન, જાવેદનાં એક્સ અને વર્તમાન પત્ની, અનુક્રમે હની ઇરાની અને શબાના આઝમી, એમનાં સંતાનો, અરબાઝ ખાન, ઝોયા અખ્તર, ઝોયાની સાથી રીમા અને ફિલ્મમેકર રીમા કાગતી, ફરહાન અખ્તર વગેરે છે. પણ જેમના મોઢે એમના જીવનની રસાળ વાતો માણવાનો મહત્તમ આનંદ મળે છે એ સલીમ-જાવેદ પોતે છે.
જાવેદ અખ્તર 79ના થયા અને સલીમ ખાન 88ના છે. એમની કારકિર્દીનો સુવર્ણકાળ એટલે 1971થી 1987નો સમયગાળો. સિરીઝમાં જેના પર મેક્ઝિમમ ફોકસ કરાયું છે એ આ આખો, લાંબો પિરિયડ નથી. એમાં મુખ્યત્વે ‘શોલે’થી ‘શક્તિ’ સુધીના સલીમ-જાવેદને પ્રાધાન્ય અપાયું છે. જે ફિલ્મો વિશે સર્વાધિક વાત થાય છે એ ‘શોલે’ ઉપરાંત, ‘દીવાર’, ‘ત્રિશૂલ’ વગેરે છે. બીજા શબ્દોમાં કહીએ તો જોડીના ચાહકોને કે લેખનક્ષેત્ર સાથે સંકળાયેલા, જેમને એમની લખાણ પ્રક્રિયાની બારીકી જાણવામાં રસ હોય, એમને એ વિશે ખાસ જાણવાની તક મળતી નથી.
સિરીઝ રસાળ છે. ‘એન્ગ્રી યંગ મેન’ સાથે દર્શકોની દોસ્તી કરાવનારા આ જૈફ વયના લેખકો નિખાલસતા સાથે દર્શકો સાથે તાદાત્મ્ય સાધે છે. એના લીધે બેઉ માટે ખાસ્સું માન અને પ્રેમ ઉભરાય છે. મુંબઈમાં એમણે ખેડેલા સંઘર્ષની અમુક વાતો સિરીઝથી જાણવા મળે છે. સફળતાની શરૂઆતમાં એમણે કેવી રીતે સિક્કો જમાવ્યો, કેવી રીતે પેઇન્ટર રાખીને અને જાતે ઢસરડા કરીને તેઓ જ્યાંત્યાં ચોંટાડેલાં ફિલ્મ પોસ્ટર્સ પર, રસ્તે રસ્તે ફરીને, એના પર રંગથી પોતાનાં નામ ચીતરાવતા (કારણ લેખકનું નામ પોસ્ટર પર શાનું હોય એ જક્કીપણું બોલિવુડમાં ત્યારે પણ હતું અને આજે પણ છે), એ જાણવું રસપ્રદ છે. એ સંદર્ભમાં સલીમ ખાન એક ચોટદાર વાક્ય કહે છે, “ગીતકાર એક પાનાનું ગીત લખે અને પોસ્ટર પર એનું નામ છપાય. લેખક આખેઆખી સ્ક્રિપ્ટ લખે પણ એનું નામ ના છપાય…” એક વાત નોંધજો. સિરીઝમાં જાવેદ સતત વિચારશીલ, કંઈક અંશે માપીતોળીને પોતાની વાત માંડતા હોય એવું અનુભવાશે. બીજી તરફ, સલીમ ખાનનો ચહેરો સતત હસતો અને તેઓ દિલથી વાત કરતા હોય એવું અનુભવાય છે. એમના સ્વભાવનો ફરક એમની કારકિર્દીમાં ખૂબ કામ આવ્યો હશે. બિલકુલ.