‘સ્ત્રી’ ફિલ્મે તો બધાંના ભુક્કા કાઢી નાખ્યા. બોલિવુડની એ સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. કેમ કરતા? પહેલું અને સૌથી વજનદાર કારણ એટલે ફિલ્મની ગુણવત્તા. ‘સ્ત્રી’માં એ બધું છે કે દર્શકનું દિલ જીતી શકે. બીજી વાત કે એ ચોખ્ખી ફિલ્મ હોવાથી સપરિવાર માણવાની મજા પડે છે. ‘એનિમલ’ જેવું નથી કે પરિવાર સાથે જોતા પડદે ચાલતાં દ્રશ્યોથી સંકોચ થાય. એ અલગ વાત કે એવા કોન્ટેન્ટ પછી પણ એ ફિલ્મ ખૂબ સફળ રહી. છતાં પ્રશ્ન છે કે ‘સ્ત્રી’ શા માટે બોક્સ ઓફિસ પર અકલ્પનીય રાજ કરી શકી?
એક કારણ, ભલે પ્રમાણમાં ઓછું મહત્વનું લાગે પણ છે મહત્વનું, એ કે ફિલ્મને રિલીઝ સમયે નડેલી થોડી સ્પર્ધા પછી એને મોકળું મેદાન મળ્યું. એટલું મોકળું કે હજી સુધી ફિલ્મને હચમચાવી શકે કે થિયેટર બહાર ફગાવી શકે એવી કોઈ ફિલ્મ આવી નથી. નજીકના ભવિષ્યમાં પણ નથી આવી રહી. આલિયા ભટ્ટવાળી ‘જિગરા’ અને રાજકુમાર રાવની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ રિલીઝ થાય ત્યાં સુધી બિગ સ્ક્રીન ઓપન છે. કોઈ અફલાતૂન ફિલ્મ જોવાની દર્શકને લગભગ તક મળવાની નથી. મુદ્દે, ‘સ્ત્રી’ને સમયસૂચકતા ફળી.
બીજી તરફ, કોવિડ અને પછી ઓટીટીએ દર્શકોને તડાકો પાડી દીધો હતો. મોટા ગજાના સ્ટાર્સની ફિલ્મો ત્યારે સીધી ઓટીટીની નાકલીટી તાણતી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એ હદે ચિંતાજનક હતી કે ઘણા સ્ટાર્સ બોક્સ ઓફિસનો સામનો કરવો પડે એવી ફિલ્મ સાઇન કરવાથી અળગા થઈ ગયા હતા. રખેને ફિલ્મ ફ્લોપ જાય તો… ઇન ફેક્ટ, અત્યારે પણ બહુ પોસાવવા જેવો ફરક પડ્યો નથી. ઝીણી આંખે જોશો તો સમજાશે કે હજી હમણાં સુધી જેમની ફિલ્મો દર્શકોમાં ઉત્કંઠા જગાડતી હતી એવા ઘણા સ્ટાર્સ મોટા પડદાથી દૂર છે. અમુક તો ઓટીટી પણ અજમાવાને તૈયાર નથી.
બેઉનો તાળો મેળવીએ તો એક સત્ય સામે આવે છેઃ આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, ખાસ તો બોલિવુડ, એવા ત્રિભેટે છે જ્યાં એક તરફ ખીણ છે તો બીજી તરફ કૂવો.