ઇન્ટરનેટ પર એક અંગ્રેજી શબ્દપ્રયોગ કે ટર્મ છેઃ ઇગોસર્ફ. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આ અનઔપચારિક ક્રિયાપદનો અર્થ પોતાના વિશે ઇન્ટરનેટ પર શોધખોળ કરવી એવો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિ પોતે કેટલી પ્રસિદ્ધ છે, કેટલા લોકો એના વિશે જાણવાની ઉત્કંઠા ધરાવે છે, કેટલા એને ચાહે-વખોડે છે, એવા ઇન્ટરનેટિયાં ખાંખાંખોળા કરે એ ઇગોસર્ફ છે કે ઇગોસર્ફિંગ કરવું છે. આજે આપણી વ્યક્તિ નહીં, ગુજરાતી ભાષા-પ્રજા માટે ઓનલાઇન ઇગો સર્ફિંગ કરીએ. ઇન્ટરનટનું ‘સમુદ્રમંથન’ કરતાં એ રત્નો શોધવાનો પ્રયત્ન કરીએ જેને જાણીને પોરસ ચડે.
ગરવી ભાષાની ગમતીલી વાતઃ ગુજરાતી પહેલાં આપણે એક પૂર્વી ઇરાની ભાષા બોલતા હતા. બ્રિટાનિકા અનુસાર ઇન્ડો-યુરોપિયન ભાષાઓમાં એક જૂથ ઇન્ડો-ઇરાનિયન ભાષાનું અને એ જૂથની સભ્ય છે આપણી ઇન્ડો-આર્યન ભાષા, ગુજરાતી. એનો વિકાસ બારમી સદીમાં શરૂ થયો હશે. આપણી ભાષા વિશે એ કહે છે કે એ મુખ્યત્વે બે રીતે બોલાય છે. એક છે ચુસ્તતાભરી તો બીજી છે તૂટકતૂટક બોલાતી ગુજરાતી. આ બેનો ફરક સમજવા સામાન્ય ગુજરાતીની અને પારસી ગુજરાતીના ઉચ્ચારણોનો ફરક મનમાં વિચારો, બસ, એમાં બધું આવી ગયું.
ક્યાંથી ક્યાં વસ્યા ગુજરાતીઃ એનસાયક્લોપીડિયાની નોંધ છે કે શ્વેત હુણ પરથી ઊતરી આવેલી પ્રજાને ગુજરાતી સંબોધન ગુજર (આ ગુજર એટલે શ્વેત હુણની એક શાખા) પરથી આવ્યું. ગુજરો આઠમી-નવમી સદીમાં જે ભૂમિ પર સર્વોપરી હતા એનો એક ભાગ આજે ગુજરાત છે. એનસાયક્લોપીડિયામાં એવી પણ નોંધ છે કે ગુજરના કંઈક પહેલાંથી ગુજરાતીનો ઇતિહાસ શરૂ થઈ ગયો હતો. પ્રાગઐતિહાસિક કાળમાં (ઇસવી સન પૂર્વે 2000માં) એનો પ્રારંભ થયો હતો. ગુજરાતીઓ એમની સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ સાથે વહેંચે છે. રહી વાત હાલના ગુજરાતની તો એની તવારીખ શરૂ થઈ ઇસવી સન 250 આસપાસ.