કેટલા લોકોને અગ્નિશમન દળના બાહોશ, ફરજપરસ્ત અને પોતાનો જીવ દાવ પર લગાડીને બીજાના જીવ બચાવનારાનાં નામ ખબર હોય છે? રાહુલ ધોળકિયાની લેટેસ્ટ ઓટીટી ફિલ્મ ‘અગ્નિ’માં આ પ્રશ્ન સંવાદ તરીકે આવે ત્યારે બહુ સૂચક અને સચોટ લાગે છે. પોલીસ અધિકારીઓને સ્ટાર બનાવનારા આપણા સમાજે અગ્નિશમન દળના અધિકારીઓને ક્યારેય યથોચિત સન્માન આપ્યું નથી. પ્રાઇમ વિડિયોની આ ફિલ્મની દુનિયામાં લટાર મારીએ.
વિઠ્ઠલ રાવ (પ્રતીક ગાંધી) મુંબઈના એક ફાયર સ્ટેશનનો ચીફ છે. પત્ની રુક્મિણી (સાંઈ તામ્હણકર) અને દીકરા અમર ઉર્ફે આમ્યા (કબીર શાહ) સાથે એ ફાયર સ્ટેશનની ઇમારતમાંના ક્વાર્ટરમાં રહે છે. પોલીસ અધિકારી સાળા સમીત (દિવ્યેંદુ) સાથે એના તંગ સંબંધો છે. પોલીસને ઓછી મહેનતે મળતાં વધુ માન-અકરામ અને દીકરાની નજરમાં સમીતનું વધુ પડતું માન એનું કારણ છે. આગના એક કિસ્સાની તપાસમાં વિઠ્ઠલને મામલો શંકાસ્પદ લાગે છે. લાલને બદલે ભૂરી જ્વાળાઓ અને અકલ્પનીય માત્રામાં અગન છતાં, કશું સિદ્ધ કરવા પુરાવા નથી. વળી આગ લાગી રહી છે જૂની ઇમારતોમાં. સમીત અને ઉપમુખ્ય પ્રધાન (અનંત જોગ) એની દલીલોને નકામી ગણીને રફેદફે કરી નાખે છે.