દુનિયામાં બિઝનેસનો દાદો જેફ બેઝોસ છે. એનું એક હુલામણું નામ છે ઓલિગ્રાચ. ઓલિગ્રાચી એટલે અલ્પજનાધિપત્ય. અર્થાત્ એવા મુઠ્ઠીભર વગદાર માણસો જેઓની આર્થિક તાકાત, મીડિયા, ઉદ્યોગ અને સરકારી નીતિઓ પરની અમર્યાદ તાકાતને પડકારવી લગભગ અશક્ય થઈ જાય. 1994માં એમેઝોન શરૂ કરીને બેઝોસે ખરેખર અકલ્પનીય આધિપત્ય ઊભું કર્યું છે. બેઝોસ (અને માઇક્રોસોફ્ટ અને ગૂગલના સ્થાપકો) વિશે કહેવાય છે કે એમની હથેળીમાં દુનિયા બંધ છે. બેઝોસના મામલામાં મૂળે એ શક્ય થયું ઓનલાઇન બિઝનેસથી. એ અલગ વાત કે ઓનલાઇન બિઝનેસે દુનિયાની પથારી ફેરવી નાખવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એનો વ્યવસ્થિત અંદાજ મેળવવા જોઈ લેવી ડોક્યુમેન્ટરી, ‘બાય નાઉઃ ધ શોપિંગ કોન્સ્પિરસી.’
બ્રિટિશ ફિલ્મમેકર નિક સ્ટેસીએ આ પહેલાં પણ એકએકથી ચડિયાતી વિચારોત્તેજક ડોક્યુમેન્ટરીઝ બનાવી છે. એની થોડી વાતો આ સાથે અલગથી છે. વાત કરીએ ‘બાય નાઉ’ની. લોકોને ઘેરબેઠા ખરીદી કરીને પોતાની કમાણીની, પર્યાવરણની ઘોર ખોદતા કરવાનું અક્ષમ્ય પાપ ઓનલાઇન શોપિંગ કરી રહ્યું છે. ઓનલાઇન શોપિંગને રાક્ષસી કદનું બનાવવા, લોકોને જાતજાતનાં પ્રલોભનોથી ખરીદી કરવા ઉત્તેજિત કરવા કંપનીઓ અનેક પ્રકારના તિકડમ ચલાવે છે. ડોક્યુમેન્ટરીમાં એ તિકડમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પહેલાંની દુનિયા જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવામાં માનતી હતી. એ દુનિયાનું કાસળ ઓનલાઇન શોપિંગે કાઢી નાખ્યું છે. એણે હવે કંપનીઓની નફાકારકતા વધારવા માટે શોપિંગ કરતા લોકોની દુનિયા ઊભી કરી નાખી છે. એ કેવી રીતે શક્ય થાય, એવું વિચારવાનું રહેવા દો. ડોક્યુમેન્ટરી જોશો તો કપાળ કૂટતાં કબૂલ કરવું પડશે કે હા, હું પણ આ ષડયંત્રનો ભોગ છું.