
કયા પ્લેટફોર્મ પર ગયા વરસે કઈ સિરીઝ કે ફિલ્મ વધુ જોવાઈ? દેશી મનોરંજનનો દબદબો રહ્યો કે વિદેશીનો? આ અને આવા ઘણા સવાલોના જવાબ આપતા અહેવાલના આંકડાને આધારે જાણીએ ગયા વરસનાં હિટ્સ અને મિસેસ2024ની વિદાય અને 2025ના આગમનને મહિનો થઈ ગયો છે. એવામાં ગયા વરસે ઓટીટીની દુનિયામાં શું થયું, કોણ અગ્રસર રહ્યું અને કોણ પાછળ રહ્યું એની વિગતો પ્રસિદ્ધ થવા માંડી છે. કરીએ એની વાત.
ગયા વરસે જે પ્લેટફોર્મ્સ સૌથી વધુ જોવાયાં એનાં નામની કલ્પના કરવી એ રોકેટ સાયન્સ નથી. એ છે પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ. ભારતમાં આ વિદેશી કંપનીઓએ ઓટીટીને પોતાના ગજવામાં કરી લીધું હોય એવો જાણે તાલ છે. એવું એટલે કહેવું રહ્યું કે એની સ્પર્ધામાં કટ્ટરપણે આગળ વધી રહેલું જિયો સિનેમાનો હજી સુધી એમની સામે ગજ વાગી રહ્યો નથી. એમાં એક મુદ્દો એ પણ નોંધવો રહે કે જિયો સિનેમાએ આપણા સૌની પાસે, મોબાઇલ કનેક્શન વખતે એની સાથે જિયો સિનેમા જોવા દેવાની વાત કરી હતી એ હવે બદલાઈ છે. હવે જિયો સિનેમા પ્રીમિયમના નામે આપણે વધારાના પૈસા ચૂકવીને જ આ પ્લેટફોર્મ પરના સિલેક્ટ કાર્યક્રમો જોઈ શકીએ છીએ. આ એક રીતે અંચઈ ના થઈ?
ઉપર જે વાત કરીએ લાગુ પડતી હતી હિન્દીભાષી કાર્યક્રમોને. પ્રાદેશિક ભાષાઓની વાત કરીએ તો એમાં મેદાને વિજેતા રહ્યું ડિઝની પ્લસ હોટસ્ટાર.
નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટારના મળીને આપણે ત્યાં સાત કરોડ સબસ્ક્રાઇબર્સ છે.
આગળ વધતા પહેલાં એ પણ નોંધી લઈએ કે ગયા વરસે બજારમાંથી એમએક્સ પ્લેયર જેવા ખેલાડીની પણ એક રીતે બાદબાકી થઈ ગઈ. ઓક્ટોબરમાં એ થયું પ્રાઇમ વિડિયોનું પ્લેટફોર્મ. નામ થઈ ગયું એમેઝોન એમએક્સ પ્લેયર. મૂળે દક્ષિણ ભારતમાં જેની શરૂઆત થઈ એવા આ પ્લેટફોર્મે આપેલા સર્વોત્તમ શોઝમાં ‘આશ્રમ’નું નામ ટોચ પર આવે. ધ્યાન ગયું હશે તો ખ્યાલ પણ આવ્યો હશે કે હમણાંથી પ્રાઇમ વિડિયો આપણને ‘આશ્રમ’ જોવાને વારંવાર એનું બેનર દેખાડ્યે રાખે છે. આશય એટલો હશે કે જે લોકો સુધી આ સિરીઝ નથી પહોંચી તેઓ જુએ અને એના નવા માલિકના પ્રેમમાં પડીને એનું લવાજમ ભરે.
ગયા વરસની ટોચની હિન્દી સિરીઝ ‘મિર્ઝાપુર થ્રી’ રહી. એને ચાર કરોડમાં વીસ લાખ ઓછા એટલા દર્શકોએ જોઈ એવું આંકડા કહે છે. એની બહુ લગોલગ ‘પંચાયત’ની ત્રીજી સીઝન પણ છે. એને જોઈ ત્રણ કરોડમાં અઢાર લાખ ઓછા લોકોએ.
વેબ સિરીઝની ઓવરઓલ વાત કરીએ તો 2024ની ટોચની પંદરમાંથી પાંચ-પાંચ સિરીઝ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયોની રહી. ભારે પહોંચ બેઉની, ભાઈ. ફિલ્મોમાં તો નેટફ્લિક્સ એનાથી ચાર ચાસણી ચડી ગયું. એ મોરચે સૌથી વધુ જોવાયેલી પંદરમાંથી 11 ફિલ્મો આ પ્લેટફોર્મની રહી. પહેલા સ્થાને દોઢ કરોડ વ્યુઝ સાથે ‘દો પત્તી’ રહી. એના પછી રહી ‘સેક્ટર 36’ અને ‘મહારાજ’.
દરમિયાન, ભલે ઓફિશિયલ કોઈ અનાઉન્સમેન્ટ ના થઈ હોય પણ આપણું ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહો ગુજરાતી 2023માં જ લગભગ બંધ થઈ ગયું હતું.
ભારતમાં સફળતાના ઝંડા લહેરાવનારા વિદેશી શોઝની વાત કરીએ તો ‘સ્ક્વિડ ગેમ ટુ’ એમાં સૌથી આગળ નીકળી ગઈ. સિરીઝને ભલે લોકોએ ખાસ માણી નહીં, પહેલી સીઝન સામે પાની કમ જાણી, એનાથી ફરક નથી પડ્યો. પહેલી સીઝનમાં સર્જાયેલી જબરદસ્ત બ્રાન્ડ વેલ્યુ એનું કારણ, બીજું શું? વિદેશમાં જોકે પહેલા નંબરે ‘મની હાઇસ્ટ’ની પાંચમી સીઝન રહી અને બીજા સ્થાને આ કોરિયન સિરીઝ.
આપણે આ આંકડા અને જાણકારી તપાસીએ છીએ એ ઓર્મેક્સ નામની કંપનીઓ બહાર પાડેલા એક અહેવાલ પ્રમાણેના છે. બદનસીબે, એમાં હિન્દી, અંગ્રેજી ઉપરાંત તામિલ અને તેલુગુ ભાષાઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. એટલે શેમારૂ મી સહિતના પ્લેટફોર્મ્સ પર ગુજરાતી ફિલ્મો કે શોઝનું પ્રદર્શન કેવુંક રહ્યું એ છાતી ટોકીને કહેવું જરા અઘરું છે.
હિન્દીમાં સૌથી વધુ જોવાયેલી અન્ય ફિલ્મોમાં ‘સિકંદર કા મુકદ્દર’, ‘ફિર આયી હસીન દિલરુબા’, ‘અમર સિંઘ ચમકીલા’, ‘ભક્ષક’, ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’, ‘સીટીઆરએલ’, ‘વિજય 69’, ‘એય વતન મેરે વતન’, ‘અગ્નિ’, ‘બ્લડી ઇશ્ક’, ‘પટના શુક્લા’ આવી જાય છે. એ અલગ વાત કે અપવાદો બાદ કરતાં આમાંની મોટાભાગની ફિલ્મો જોવાનો અર્થ સમયનો બગાડ થતો હતો.
સૌથી વધુ જોવાયેલી અન્ય સિરીઝમાં ‘હીરામંડી’, ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’, ‘ઠુકરા કે મેરા પ્યાર’, ‘સિટાડેલઃ હનીબની’, ‘કોટા ફેક્ટરી’, ‘તાઝા ખબર’, ‘ધ લિજન્ડ ઓફ હનુમાન’ની પાંચમી સીઝન, ‘મિસમેચ્ડ’ની સીઝન ત્રણ, ‘આઈસી 814: ધ કંધહાર હાઇજેક’, ‘કૉલ મી બે’, ‘શો ટાઇમ’, ‘ગુલ્લક’, ‘યે કાલી કાલી આંખે’ સામેલ છે.
આ બધામાં જિયો સિનેમા ક્યાં એવો પ્રશ્ન થતો હોય તો કહેવું પડશેકે બિગ બોસની રજૂઆતે એના અમુક અંશે તારી લીધું. એને જાનારા દર્શકો આશરે પોણાબે કરોડ રહ્યા હતા. તો પણ વીતેલું વરસ દેશનું પહલે ક્રમ અને દરજ્જાનું પ્લેટફોર્મ થવા આતુર જિયો માટે સાધારણ જ હોં.
અન્ય રિયાલિટી શોઝ જેને લોકોએ મોટી સંખ્યામાં માણ્યા એમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’, ‘રામ જન્મૂભૂમિઃ રિટર્ન ઓફ એ સ્પેલન્ડિડ સન’, ‘ગેમિંગ ઇન્સાન’, ‘પ્લેગ્રાઉન્ડ ફોર’, ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’, ‘ધ ટ્રાઇબ’, ‘એન્ગ્રી યંગ મેનઃ ધ સલીમ-જાવેદ સ્ટોરી’, અને ‘ફોલો કર લો યાર’ હતા.
સફળ રહેલા અન્ય વિદેશી મનોરંજનોમાં ‘ધ બોય્ઝ’ની સીઝન ચાર, ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સઃ ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન ટુ, ‘ઇમિલી ઇન પેરિસ’ સીઝન ચાર, ‘હાઉસ ઓફ ધ ડ્રેગન’ સીઝન ટુ અને ‘બ્રિજસ્ટોન’ સીઝન ત્રણ આવે છે. નવાઈની વાત એ પણ ખરી કે આખા વરસમાં કમાલની વ્યુઅરશિપ નોંધવાવાળી વિદેશી ફિલ્મોમાં એકમાત્ર ‘રોડ હાઉસ’ એવી રહી જેને જોનારા દર્શકો પચાસ લાખથી વધ્યા. અન્ય કોઈ ફિલ્મ ત્યાં સુધી પણ પહોંચી શકી નહીં. એનો એવો પણ અર્થ કરી શકાય કે દેશી એ દેશી, બાકી બધું હશે.
નવું શું છે
- છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા છુપાયેલા ખજાના પર આધારિત ઐતિહાસિક નાટક ‘ધ સિક્રેટ ઓફ ધ શિલેદાર’ આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવ્યું છે. આ નાટકમાં સાઈ તામહણકર, રાજીવ ખંડેલવાલ અને આશિષ વિદ્યાર્થી જોવા મળશે.
- નોહ સેન્ટીનિયો, લૌરા હેડોક અને કોલ્ટન ડન અભિનીત ‘ધ રિક્રુટ’ ની બીજી સીઝન ગઇકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. જેમાં છ એપિસોડ હશે.
- મેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ’ ગઈકાલથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી છે. આ ફિલ્મમાં વિલ ફેરેલ, રીસ વિથરસ્પૂન, ગેરાલ્ડિન વિશ્વનાથન અને મેરેડિથ હેગનર મુખ્ય ભૂમિકામાં છે.
- ડિરેકટર આરતી કદવની ફિલ્મ ‘મિસિસ’ ઝી ફાઇવ પર સાત ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં દંગલ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
- બોમન ઇરાની દિગ્દર્શિત ‘ધ મહેતા બોય્સ’ સાત ફેબ્રુઆરીએ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.આ ફિલ્મમાં બોમન ઇરાની સાથે અવિનાશ તિવારી અભિનય કરતા દેખાશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment