સૂરજ બડજાત્યા અને રાજશ્રી પ્રોડક્શન્સનું નામ જે સર્જન સાથે સંકળાય (‘મૈં પ્રેમ કી દીવાની હૂં’નો અપવાદ બાદ રાખતાં) એમાં ભારોભાર પારિવારિક પરિબળ અને દેશીપણું હોય એ અપેક્ષિત જ હોય. ઓટીટીનો સૂર્ય મધ્યાહને તપી રહ્યો છે ત્યારે બડજાત્યા માટે એમાં પોતાના સર્જનની રોશની ફેલાવ્યે આમ પણ છૂટકો નહોતો. તેઓ ફાઇનલી ઓટીટી પર આવ્યા છે. પોતાની સાથે ‘બડા નામ કરેંગે’ નામની સિરીઝ લઈને. સોની લિવ પર આવેલી આ સિરીઝમાં નવ એપિસોડ્સ છે. જોવાનું શું છે?
દેશનાં બે મધ્યમ કદનાં શહેર, રતલામ અને ઉજ્જૈનની પશ્ચાદભૂ પર સિરીઝની વાર્તા આકાર લે છે. એમાં મુંબઈ પણ એક કેન્દ્રવર્તી શહેર ખરું. ઉજ્જૈનની કન્યા સુરભિ (આયેશા કડુસ્કર) અને રતલામી યુવાન રિષભ (રિતિક ઘનશાની) બેઉ મુંબઈમાં ભણે છે. કન્યા ગર્લ્સ હોસ્ટેલમાં તો યુવાન પૉશ ફ્લેટના પોતાના બેચલર્સ હાઉસમાં રહે છે. વાર્તા એમના વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓને એકમેકમાં સાંકળતી રહે છે. વાત એમ છે કે બેઉના પરિવારજનોએ એમના અરેન્જ્ડ મેરેજનો વિચાર કર્યો છે. એટલે આબાલવૃદ્ધની હાજરીમાં પહેલી મીટિંગ ગોઠવાઈ છે. એમાંથી ખુલે છે વીતેલી ઘટનાઓની પાંખડીઓ. દર્શકને જાણ થાય છે કે ભલે પરિવારજનો માટે આ લગ્નોત્સુકો પહેલીવાર મળી રહ્યાં હશે પણ હકીકત જરા જુદી છે. થયું એમ છે કે મુંબઈમાં બેઉની મુલાકાત તો થઈ છે જ, પણ બેઉને લૉકડાઉનમાં સાવ અનાયાસે રિષભના ઘરમાં સાથે રહેવાની ફરજ પણ પડી હતી. એમાં મુશ્કેલી એ સર્જાય છે કે જેમના પરિવાર સત્ય જ સર્વસ્વ છે, પરિવારજના સામે ક્યારેય ખોટું ના બોલવું એવી રટણમાં રાચતા હોય, ત્યાં આ કન્યા-યુવાન એ કહી શકતાં નથી કે લે, અમે તો એકમેકને પહેલેથી ઓળખીએ છીએ. બસ, આવડીક આ વાત પર નવેનવ એપિસોડમાં કંઈક ને કંઈક થયે રાખે છે, થયે રાખે છે…