ગામડે વસતી એકલવાયી માતા અને મુંબઈમાં મોજે રહેતા દીકરા-વહુની વાત છે દિગ્દર્શક હાર્દિક ગજ્જરની ફિલ્મ અચારી બા. હાર્દિક આ પહેલાં ટીવી સિરિયલ્સ અને ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. જિયો સિનેમા માટે એમણે અમર પ્રેમ કી પ્રેમ કહાની નામે ફિલ્મ પણ ગયા વરસે કરી હતી.
અચારી બાનું સૌથી મોટું આકર્ષણ નીના ગુપ્તાનું ટાઇટલ રોલમાં હોવું છે. કારકિર્દીમાં એક અફલાતૂન દોરમાં નીના પસાર થઈ રહ્યાં છે. એમનો દર્શકવર્ગ પણ વિસ્તર્યો છે. ગુજરાતીઓ માટે બીજું આકર્ષણ એ હોઈ શકે કે ફિલ્મમાં કથા ગુજરાતી માજીની છે જેઓ રાપરમાં એકલપંડે રહેતા નાનો પણ મજાનો અથાણાંનો વેપાર ચલાવે છે. તો, કથાની વાત કરીએ.
જૈષ્ણવી ઉર્ફે મનોજ (નીના) એમની સખીઓ શારદા (વંદના પાઠક) અને રૂપા (જાગૃતિ ઠાકોર) સાથે ગુજરાતના રાપરમાં અથાણાંનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. 65 વરસની જૈષ્ણવીનો દીકરો કેતન (વત્સલ શેઠ) એની પત્ની મનોરમા (માનસી રાચ્છ) અને દીકરા કૌશલ (અપૂર્વ શર્મા) સાથે મુંબઈમાં રહે છે. એને માની પડી નથી. વરસોથી મા સાથે ફોન પર વાત સુધ્ધાં કરી નથી. એમાં એકાએક એ માને ફોન કરીને મુંબઈ બોલાવે છે અને જૈષ્ણવી રાજીની રેડ થઈ જાય છે. પણ મુંબઈ આવીને એને જાણ થાય છે કે દીકરો-વહુ અને પૌત્ર ફરવા દાર્જીલિંગ જઈ રહ્યાં છે. એમણે તો માજીનએ એટલે બોલાવી કે એ મુંબઈ ઘેર રહીને એમના પાળેલા શ્વાન જેની (બડી)ની કાળજી રાખે.