છેલ્લા થોડા મહિનાઓમાં સીધી ઓટીટી પર આવેલી સિરીઝ અને ફિલ્મોમાંથી કેટલી જોઈ તમે? જોઈ એમાંથી કેટલી ગમી? કેટલીએ માથાનો દુખાવો કરાવ્યો? ઓટીટી રસિયાઓ જાણતા હશે કે ભલે એમાં ભરીભરીને ફિલ્મો અને સિરીઝ આવે, ભલે ડોક્યુમેન્ટરીઝ અને બીજું ઘણું બધું આવે પણ, જ્યારે મસ્ત મૂડ બને અને જોવા બેસીએ ત્યારે, ઘણીવાર એવું થાય કે રિમોટ ફેરવી ફેરવીને ઢળી પડીએ તો પણ જોવા જેવું કશું મળે નહીં. શું કામ એવું થાય છે?
અંદરખાનાની વાત કરીએ. કોઈ પણ સિરીઝ કે ફિલ્મ બને એ પહેલાં એ એક પ્રસ્તાવ મીન્સ પ્રપોઝલ હોય છે. નિર્માતા કે દિગ્દર્શક કે પછી ઓટીટી પ્લેટફોર્મ પાસે એ પ્રસ્તાવ હોય છે. પછી બેઉ પક્ષો એક થાય, ચર્ચા થાય અને પછી બને જે તે પ્રોજેક્ટનું સિરીઝ કે ફિલ્મમાં સર્જન. એવું થતી વખતે વિષય ઉપરાંત અગત્યની બાબત હોય છે પૈસા. ફલાણી ફિલ્મ કે ઢીકણી સિરીઝ બનાવવા કેટલા રૂપિયા લાગશે? ઓટીટી અને સર્જક વચ્ચે એના પર સંમતિ થાય ત્યારે શરૂ થાય છે ખરી સમસ્યા.
વરસોથી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતું આવ્યું છે એ ઓટીટીમાં પણ થાય છે. પહેલાં નાના પાયે થતું હતું અને હવે મોટા પાયે થાય છે. એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. દસ કરોડમાં એક ફિલ્મ બનાવવા માટે એક ઓટીટી બજેટ ધરાવે છે. એની પાસે પોતાના ક્રિએટિવ લોકોના વિષય છે. એની પાસે અન્ય ક્રિએટિવ લોકોએ મોકલેલા વિષયો પણ છે. એમાંથી કયા વિષય પર કળશ ઢોળાશે? એનો મોટો આધાર વિષયની તાકાત, પસંદના સર્જક પર નથી હોતો. એનો મોટો આધાર, દુર્ભાગ્યે, હોય છે એમાં સંકળાયેલા અમુક લોકોને કેટલો ફાયદો થશે. ઓફિશિયલી અને અનઓફિશિયલી. અંડર ટેબલ એટલે કડદો કરીને થતી કમાણી આપણે ત્યાં ગઈ નથી અને જવાની નથી. તો, દસ કરોડના બજેટવાળા પ્રોજેક્ટમાં પડદા પર થતા નક્કર કામમાં ખરેખર સાત-આઠ કરોડ ખર્ચાય અને બાકીના વચ્ચે જ ચાઉં થઈ જાય.