માત્ર ઓટીટી પર સ્ટ્રીમ થવાને બનતી ફિલ્મોની ગુણવત્તા કેમ દિન-પ્રતિદિન નબળી થઈ રહી છે? એક નહીં, બે એવી ફિલ્મોની આજે વાત કરીએ જેમાં મોટાં નામ સંકળાયેલાં હોવા છતાં પરિણામ નિરાશાજનક છે
સારી અને ખરાબ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ વચ્ચે ફરક શો? સારી ફિલ્મમાં મનમાં ઉત્કાંઠા રહે કે મર્ડર કોણે કર્યું હશે? ખરાબ ફિલ્મ જોતાં સતત થાય કે અલા યાર, મર્ડરની વાત જવા દો, પહેલાં એ કહો કે આ ફિલ્મ બનાવી શું કામ?
હોમી અડાજણિયાની મર્ડર મિસ્ટ્રી ‘મર્ડર મુબારક’ બીજા ટાઇપની છે. મનોરંજનના મામલે નેટેનેટ નબળી આ ફિલ્મ નેટફ્લિક્સ પર છે. છે. શું છે એમાં?
પાટનગરમાં પોશ એવી, દિલ્હી રોયલ ક્લબ છે. આઝાદ દેશમાં પણ એ અંગ્રેજિયતના બોજતળે દબાયેલી છે. એમાં થાય છે ક્લબના કર્મચારી લિયો (આશીમ ગુલાટી)નું ખૂન. તપાસ કરવા આવે છે એસીપી ભવાની સિંઘ (પંકજ ત્રિપાઠી). સામે છે શકમંદોઃ બામ્બી (સારા અલી ખાન), આકાશ ઉર્ફે કાશી (વિજય વર્મા), એક્ટ્રેસ શેહનાઝ (કરિશ્મા કપૂર), કોકટેલ પી પી કરતી કોકી (ડિમ્પલ કાપડિયા), સોશિયલાઇટ રોશની (ટિસ્કા ચોપરા), એનો દીકરો યશ (સુશીલ નૈયર), રાજા રણવિજય (સંજય કપૂર), ક્લબનો કર્મચારી ગપ્પી રામ (બ્રિજેન્દ્ર કાલા), ક્લબનો ચેરમેન ભટ્ટી (દેવેન ભોજાણી) વગેરે.
‘મમુ’નાં પાત્રો ચિત્રવિચિત્ર છે. મોટા ભાગનાં અળવીતરી આદત કે બેકગ્રાઉન્ડ ધરાવે છે. રણવિજય વેઇટર્સને ટિપમાં વીસ રૂપરડીની નોટ પકડાવીને, “બચ્ચોં કી મીઠાઈ કે લિયે…” એવું ગાતો રહે છે. કોકી વિચિત્ર કોકટેલ પીધે રાખે છે. લગભગ બધાં પાત્રો આવાં જ છે. ફિલ્મને મજેદાર બનાવવા પાત્રોને ચોક્કસ આદત, સ્ટાઇલ, વસ્ત્રો, તકિયાકલામ આપવાં નવી વાત નથી. એમાંથી કંઈક નક્કર નીપજે તો સરસ. ‘મમુ’માં એવું થતું નથી. થાય છે તો એટલું કે પાત્રો કાર્ટૂનિશ બને છે. બીજો પ્રોબ્લેમ એ કે શકમંદો ઊભા કરવા અહીં જરૂર કરતાં વધારે પાત્રો છે. એનાથી વાત બનવાને બદલે વણસી છે. આટઆટલાં પાત્રોને જસ્ટિફાઈ કરવામાં દમ તો નીકળે જ. ઓછામાં પૂરું, કથાનો બેકડ્રોપ પાટનગરની સૌથી પોશ ક્લબનો! આવી ક્લબમાં કોઈ કરતાં કોઈ સેન્સિબલ માણસ ના હોય એ કેવું?
સૌથી બિલિવેબલ અને ફિલ્મને કંઈક અંશે જોવા જેવી રાખતું પાત્ર પંકજ ત્રિપાઠીનું છે. એસીપી સિંઘ તરીકે એ સહ્ય છે. સહ્ય એટલે કે ફિલ્મમાં પંકજ જે કરે છે એમાં હવે કશું નવું નથી. આવો અભિનય, આ તૌર-તરીકાઓનો એ વારંવાર ઉપયોગ કરી ચૂક્યો છે. હજી સુધી આ અભિનયશૈલી એની વિરુદ્ધ ગઈ નથી પણ ‘કડક સિંઘ’, ‘મમુ’ જેવી ફિલ્મોમાં એનું પુનરાવર્તન થતું રહેશે તો, અને ફિલ્મો છેક નબળી હશે તો, દર્શકો બહુ જલદી એની આ શૈલીથી બોર થઈ જવાના.
સૅટાયર કે વક્રોક્તિ ટાઇપની ફિલ્મ બનાવવી આસાન નથી. દિગ્દર્શક હોમીએ એની અઢાર વરસની કારકિર્દીમાં વારંવાર એના પર હાથ અજમાવ્યો છે અને મોટા ભાગે એવરેજ રિઝલ્ટ આવ્યું છે. આ ફિલ્મની નિષ્ફળતા એની વાર્તાને, પાત્રો-પ્રસંગો, ગૂંચવણોની ભેખડે ભરાવતી પટકથાને આભારી છે. એ લખી છે અડાજણિયા સાથે ગઝલ ધાલીવાલ અને સુપ્રતિમ સેનગુપ્તાએ. સારા અલી, વિજય વર્મા, ટિસ્કા ચોપરાનો અભિનય સરેરાશ છે. આયુષ્યના વનપ્રવેશે ફરી અગત્યના પાત્ર સાથે પડદે આવીને કરિશ્માને પણ જાદુ પાથરવાની તક ફિલ્મે આપી નથી. સચીન-જિગરનું સંગીત ફિલમનું એક નબળું પાસું છે. ખરેખર તો ફિલ્મ ગીતવિહોણી હોત તો ચાલી જાત. ટૂંકમાં, અનુજા ચૌહાણની નવલકથા પર આધારિત ફિલ્મ ‘મમુ’ માટે કહી શકાય કે જોનારને એમના સમયનું મર્ડર મુબારક.
હવે વાત કરીએ બીજી એક ઓટીટી ઓન્લી ફિલ્મની. એ છે ‘અય વતન મેરે વતન’. કથા 1940ના મુંબઈની છે. હરિપ્રસાદ મહેતા (સચીન ખેડેકર) અંગ્રેજી ન્યાયાધીશ છે. અંગ્રેજો દેશનું સરસ સંચાલન કરે છે, આઝાદી મળશે તો દાટ વળી જશે એવો એનો મત છે. એની દસેક વરસની દીકરી ઉષા (સારા અલી ખાન) ગાંધીજીના રંગે રંગાયેલી છે. એ નાનકી આઝાદી મેળવવા આતુર છે. પિતાથી છુપાઈને એ રીતે, આઝાદીની ચળવળમાં યોગદાન આપી રહી છે. કંઈક કરી બતાવવાની ઝંખના વચ્ચે એને અને મિત્રો કૌશિક (અભય વર્મા) તથા ફહાદ (સ્પર્શ શ્રીવાસ્તવ)ને ખ્યાલ આવે છે કે રેડિયો સ્ટેશન શરૂ કરીને આપણે નક્કર યોગદાન આપી શકીશું. પણ કેવી રીતે કરવું?
તેઓની વહારે આવે છે એન્જિનિયર ફિરદોસ (આનંદ તિવારી)નું વિકસાવેલું રેડિયો સ્ટેશન. ચાર હજાર રૂપિયા (આજના લાખો રૂપિયા)માં ઉષા એન્ડ ફ્રેન્ડ્સ 1942માં એ સ્ટેશન ખરીદીને શરૂ કરે છે કોંગ્રેસ રેડિયો. તેના પર પ્રસારિત થવા માંડે છે ગાંધીજી, રામ મનોહર લોહિયા (ઇમરાન હાશ્મી) સહિતના આઝાદીના લડવૈયાઓનાં રેકોર્ડેડ ભાષણો. અંગ્રેજોની આંખમાં ધૂળ નાખવા સ્ટેશનનું લોકેશન સતત બદલવામાં આવે છે. જોકે ત્રણેક મહિનામાં અંગ્રેજો સ્ટેશનની ભાળ મેળવીને ઉષાને જેલભેગી કરી દે છે. એ ત્રણ મહિનામાં રેડિયોની કામગીરીથી દેશભરમાં આઝાદીની લડાઈની અગ્નિ મોટી જ્વાળા બનીને દેશભરમાં ફરી વળે છે અને…
ગાંધીવાદી ઉષા મહેતાએ 1942માં રેડિયો સ્ટેશન ચલાવ્યું એ ઘટના વાર્તાનો મુખ્ય મુદ્દો છે. ફિલ્મને વાજબી લંબાઈ મળે એ માટે ઉષાબહેનના બાળપણની ઘટનાઓનો સહારો લેવાયો છે. મનોરંજકતા માટે ઘટનાઓને મસાલેદાર પણ બનાવાઈ છે. દાખલા તરીકે, પિતા-પુત્રીના સંબંધનું નિરુપણ થોડું ખારાશભર્યું દર્શાવાયું છે. વાસ્તવિકતા કદાચ એ હતી કે ઉષાબહેનના પિતા તો 1930માં જ ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થઈ ગયા હતા. રેડિયો સ્ટેશન 1942માં કાર્યરત થયું હતું. મુદ્દે, ફિલ્મમાં પિતા-પુત્રીના તણાવભર્યા સંબંધોમાં મોસ્ટલી કાલ્પનિકતાનો ઢોળ હશે. એવો જ ઢોળ ઉષા અને લોહિયાનાં દ્રશ્યોમાં અને ઉષાના કૌશિક સાથેના સંબંધોનાં દ્રશ્યોની બાબતમાં પણ હશે.
એમ કરવાથી ફિલ્મ મનોરંજક બને તો આવી છૂટછાટ માફ છે. આખરે તો આ ફિલ્મ આત્મકથાનક રજૂઆત ના હોઈને ચોક્કસ પાત્ર અને ઘટનાથી પ્રેરિત છે. ખેદની વાત એ કે છૂટછાટ પછી પણ ફિલ્મનો સંઘ કાશીએ પહોંચતો નથી. કારણ અનેક ખામીઓ… સૌપ્રથમ તો લખાણ સાધારણ છે. એમાં વિશ્વાસપાત્રતાનો ખાસ્સો અભાવ છે. વાત ઉષાના બાળપણનાં દ્રશ્યોની હોય, રેડિયો સ્ટેશનના ઓપરેશનની હોય કે પાત્ર-પાત્ર વચ્ચેના સંબંધોની, બધે ગરબડ છે. 1940ના કાળના મુંબઈ કે દેશના લોકો કેવુંક બોલતા હશે, કયા શબ્દો બોલચાલમાં પ્રયોજતા હશે, એની પરવા કર્યા વિના પટકથા-સંવાદો લખાયા છે. પરિણામે, પિરિયડ ફિલ્મ જોવાનો ઉત્સાહ-રોમાંચ અનુભવાતો નથી. એટલું જ લોલેલોલ ખાતું આર્ટ ડિરેક્શન, કોસ્ચ્યુમ્સનું છે. ઝીણી આંખે દ્રશ્યોની બારીકી જોવા ટેવાયેલા દર્શકોને ખટકે એવું સેટ્સ (કરેન ડિકોસ્ટા અને અપૂર્વ શર્મા) અને વસ્ત્રો (રત્ના ઢાંડા)માં ઘણું છે. સંગીતનું કામ પણ ઢીલું છે. ઇન ફેક્ટ, ફિરદોસ અને એની પત્ની જુલી (ક્રિસ્નન પરેરા) સાથે ઉષા-કૌશિકને આવરી લેતું ગીત જુલિયા (ગીતકાર દારાબ ફારુકી અને સંગીતકાર આકાશદીપ સેનગુપ્તા) પડદે આવે ત્યારે નવાઈ લાગે છે કે આવું ગીત એ જમાનાના માહોલમાં?
આ તમામ મુદ્દાને કદાચ પહોંચી વળાત, જો ફિલ્મ બે મોરચે જીતી જાત. અભિનય અને દિગ્દર્શનમાં. એ બેઉમાં પણ ફિલ્મ ઊંધા માથે પછડાય છે. સારા અલી ખાન ફિલ્મની સૌથી નબળી કડી છે. ઉષાબહેનના પાત્રને ઉભારવામાં એ ઊણી પડે છે. બેનિફિટ ઓફ ડાઉટ તરીકે કહી શકાય કે લેખક-દિગ્દર્શક ક્યાંય એની વહારે આવતા નથી પણ, દ્રશ્યોને જીવી જવાનું કામ કલાકારનું જ હોય. નબળા લખાણ-દિગ્દર્શનવાળી અનેક ફિલ્મોમાં અનેક કલાકારોએ એવું કરી બતાવ્યું છે. સારાની છ વરસથી અટ્ટેસટ્ટે આગળ સરી રહેલી કારકિર્દીને એકાદ રિયલી સુપર્બ પરફોર્મન્સ વિના કોણ તારશે એ મોટો પ્રશ્ન છે. માત્ર સારા શું કામ, ફિલ્મમાં ભાગ્યે જ કોઈ કલાકાર પાત્રને દર્શકના હૈયા સુધી પહોંચાડી શક્યો છે. અપવાદ ઇમરાન હાશ્મી ખરો, પણ એ વિશેષ ભૂમકામાં છે. લોહિયાનું પાત્ર ફિલ્મમાં પૂરક છે.
લેખક તરીકે દોરાબ ફારુકી અને કન્નન ઐયર, તો દિગ્દર્શક તરીકે ઐયરની ‘અય વતન મેરે વતન’ એક ઢીલી ફિલ્મ છે. આઝાદીના એક રોચક પ્રકરણ પર આધારિત હોવા છતાં એ નથી દેશભક્તિની લાગણી ઝંકૃત કરતી કે નથી મનોરંજનનો હેતુ સર કરાવતી. એ નહીં જુઓ તો કશું ગુમાવવાનું નથી. છતાં જીવનમાં વધારાનો સમય હોય તો પહોંચો પ્રાઇમ વિડિયો પર.
છેલ્લે એક ટિપઃ આઝાદી વિશેની ફિલ્મ જોવી હોય, સમયનો સદુપયોગ કરવો હોય તો પ્રાઇમ વિડિયો પર જ, આય વતન…નું ટાઇટલ જે ફિલ્મના ગીતની દેન છે એ ફિલ્મ નામે રાઝી અવેલેબલ છે. એકદમ પાવરફુલ અને બધી રીતે માણવાલાયક છે એ. કરો મોજ.
નવું શું છે?
- ગઈકાલથી નેટફ્લિક્સ પર રજનીકાંતને મહેમાન ભૂમિકામાં ચમકાવતી ‘લાલ સલામ’ ફિલ્મ આવી છે. ડિરેક્ટર એની દીકરી ઐશ્વર્યા છે. મુખ્ય કલાકારો વિષ્ણુ વિશાલ, વિક્રાંત છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે નિરાશા સર્જી હતી.
- રવિના ટંડનને લીડમાં ચમકાવતી ફિલ્મ ‘પટના શુક્લા’ આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. રવિના એમાં વકીલના પાત્રમાં છે. વિષય છે શિક્ષણક્ષેત્રે પ્રવર્તતા ભ્રષ્ટાચારનો. ફિલ્મમાં સતીશ કૌશિક, અનુષ્કા કૌશિક પણ છે. ડિરેક્ટર વિવેક બેદાકોટી અને રાજેન્દ્ર તિવારી છે.
- મલયાલમ ફિલ્મ ‘પ્રેમાલુ’એ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવ્યો. પ્રેમકથા એના મૂળમાં છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફિલ્મ આજથી આવી છે. હિન્દીમાં ના હોય તો પણ એને સબટાઇટલ સાથે જોઈ શકાય.
- ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નો એક એપિસોડ આવતીકાલથી દર અઠવાડિયે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.29 માર્ચ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/29-03-2024/6
Leave a Comment