એકએકથી ચડિયાતી વેબ સિરીઝ અને ફિલ્મો પણ ઓટીટી પર આવવાને થનગની રહી છે. 2023નું વરસ એ બધાંથી વધુ મનોરંજક થવાનું છે. સાથે, મફતમાં ઓટીટી માણવાની શક્યતાઓ પણ ધીમેધીમે ઘટતી જવાની છે

નવું વરસ પોતાની સાથે ઓટીટી પર ઘણું બધું લઈને આવી ગયું છે. આ અઠવાડિયાથી જ ઓટીટી પર આવનારા મોટા ગજાના શોઝ અને સાથે ફિલ્મોએ સારી હવા બનાવી છે. દર્શકોને એન્ટરટેઇન કરવાને આપસમાં કટ્ટર સ્પર્ધા કરી રહેલાં પ્લેટફોર્મ્સ આવતા એક વરસમાં શું શું લાવી રહ્યાં છે એની વાત કરીએ. સાથે વાત કરીએ સંભવિત ટ્રેન્ડ્સની જે આપણી ઓટીટી જોવાની પદ્ધતિ પર પ્રભાવ પાડી શકે છે.

લાઇવ સ્ટ્રીમિગઃ લાઇવ સ્ટ્રીમિગ હાલમાં વિશેષરૂપે સોશિયલ મીડિયાની બાબત છે. 2023માં ઓટીટી પર લાઇવ સ્ટ્રીમિંગ રૂટિન બની શકે છે. ઉદાહરણ સાથે સમજીએ. નવરાત્રિમાં નોરતાના પટાંગણો ટેલિવિઝન પર લાઇવ જોવા મળે છે. ધારો કે એક સેલિબ્રિટીનાં લગ્ન ઓટીટી પર લાઇવ જોવા મળે તો? અથવા એવી ઘટના જે ટીવી કે અન્ય માધ્યમ પર લાઇવ નથી દર્શાવાતી, ઓટીટી પર લાઇવ આવે તો? આવું બિલકુલ થઈ શકે છે. ઓટીટી આપણને એક નવોનક્કોર વિકલ્પ આપી શકે છે મનોરંજનનો.

ફિલ્મો અને શોથી વિશેષઃ આ વરસે ઓટીટી પર ગેમિંગ અને શિક્ષણલક્ષી વિકલ્પો ઝડપભેર વિકસવાની આશા છે. ફિલ્મના મોટા પડદા સિવાયનાં માધ્યમોમાં શિક્ષણ અને ગેમિંગ માટેના ગજદ્વાર ધીમેધીમે ખુલ્યાં અને આજે ઓનલાઇન એજ્યુકેશન અને ગેમિંગ મોટી બાબત છે. ઓટીટી પણ આ દિશામાં હરણફાળ ભરી શકે છે.

પ્રાદેશિક ઝિંદાબાદઃ હિન્દી અને ઇંગ્લિશ કે વિદેશી ભાષાઓ સામે બથ ભરવા માત્ર દક્ષિણની નહીં, દેશની અન્ય ભાષાઓ પણ સુસજ્જ છે. ગુજરાતી પણ ગણી લેજો. કહે છે કે ઓટીટી પર ગુજરાતી ભાષાનો પાછલા થોડા સમયમાં પાંચગણો વિકાસ થયો છે. હા, આપણી ભાષામાં ઓટીટી પ્લેટફોર્મ્સ કેટલાં સિરિયસ, ઝનૂની થાય છે એ જોવું રહ્યું. વાત માત્ર ભાષાની નથી, પ્રાદેશિક વાર્તાઓ, સાહિત્ય અને ખૂબીઓ પણ ઓટીટી પર વધુ જોવા મળશે.

મફતની મોજ ઓછી થશેઃ ઓટીટી પ્લેટફોર્મ્સે ખાસ્સાં રોકાણ કર્યાં છે. દર્શકોને ઓટીટીની આદત પાડવા તગડાં નુકસાન કર્યાં છે. મફતમાં આનંદ પીરસવાની એમની મર્યાદા આવવાની હવે કદાચ શરૂ થશે. મનગમતા કાર્યક્રમ માટે નાણાં ચૂકવવાના અને લવાજમ ભરવાનું એ હવે વધુ એગ્રેસિવ રીતે અમલમાં મુકાશે. સાથે, એ પણ પાકું કે જે નવાં પ્લેટફોર્મ્સ આવશે એમણે પોતાનું સ્થાન જમાવવા મફતમાં માલ પીરસવાની સ્ટ્રેટેજી અપનાવવી પડશે.

વાત કરીએ આશાસ્પદ શોઝની. 2023માં લાઇન અપ થયેલા ઘણા શોઝ છે. અમુકમાં તો ઊંચા માયલા સિતારા પણ છે. અમુક વળી ઓલરેડી આવી ચૂકેલા શોઝની નવી સીઝન છે. ચાલો, ચેક કરીએ.

કાજોલ, વન્સ અગેઇનઃ નેટફ્લિક્સ માટે ‘ત્રિભંગા’ નામની ફિલ્મ કરી ચૂકેલી કાજોલ હવે વેબ સિરીઝમાં દેખાશે. નામ છે ‘પ્યાર, કાનૂન, ધોખા.’ એ આવશે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. મૂળે એ એક અમેરિકન શોની ઇન્ડિયન વર્ઝન છે. ‘ફેમિલી મેન ટુ’ ડિરેક્ટ કરનારા સુપર્ણ વર્મા એના ડિરેક્ટર છે.

ફરી ડો. ભાભા અને ડો. સારાભાઈઃ ‘રોકેટ બોય્ઝ’ જેવી વેબ સિરીઝ બને અને વખણાય એ તાજી હવાની લહેરખી નહીં એનો જબરદસ્ત પવન કહેવાય. બીબાઢાળ ક્રાઇમ થ્રિલર અને સેક્સ પ્રચુર શોઝ વચ્ચે આવા શોઝ ઇન્ટરેસ્ટિંગ અને નોખા છે. ઇતિહાસ અને વિજ્ઞાન જેવી બાબતોના સંશોધન સાથે બનેલો આ શો નવી સીઝન લાવી રહ્યો છે. શક્યતા એ પણ કે એમાં એપીજે અબ્દુલ કલામને પણ સવિસ્તર આવરી લેવામાં આવે. જે હોય તે, આ શો માણવાની ઉત્સુકતા બિલકુલ યથાસ્થાને છે. શો છે સોની લિવ પર.

ફર્ઝીઃ પ્રાઇમ વિડિયો પર આવનારી સિરીઝથી શાહિદ કપૂર ઓટીટીના આંગણે અભિનયના ઉજાસ પાથરશે. એમની ફિલ્મો સીધી ઓટીટી પર આવી એ જૂની વાત. ઓટીટી પર મોટી સફળતા મેળવનારા રાજ અને ડીકેની જોડી સિરીઝના સર્જક છે. શાહિદ સાથે સાઉથ સેન્સેશન વિજય સેતુપતિ અને કે. કે મેનન અને અમોલ પાલેકર છે.

મેડ ઇન હેવન ટુઃ ઝોયા અખતર અને રીમા કાગતીના શોની પહેલી સીઝન ઠીકઠીક વખણાઈ હતી. નવી દિલ્હીના બેકડ્રોપવાળી સિરીઝમાં હ્યુમર સાથે મધ્યમ વર્ગની જીવનશૈલી અને લગ્નનું નિરુપણ હતું. જોઈએ, બીજી સીઝનમાં એ કેવીક રંગ રાખે છે. એ છે પ્રાઇમ વિડિયો પર.

ગન્સ એન્ડ ગુલાબ્સઃ રાજકુમાર રાવ, દુલકર સલમાન અને ગુલશન દેવૈયા જેવા સ્ટાર્સ સાથેનો આ શો પણ રાજ અને ડીકેનો છે. ક્રાઇમ, લવ અને ગરબડ એના વિષયના મૂળમાં છે. એની ખાસિયત 1990ના દાયકાનો બેકડ્રોપ છે. આ કોમેડી સિરીઝ છે નેટફ્લિક્સ પર.

ધ નાઇટ મેનેજરઃ સફળ બ્રિટિશ શોની આ ભારતીય કોપીથી આદિત્ય રોય કપૂર ઓટીટી પર પદાર્પણ કરશે. સાથે અનિલ કપૂર અને સોભિતા ધુલિપાલા છે.

આ શો વિશે પહેલાં વાત કરી ચૂક્યા છીએ. એ છે ડિઝની પ્લસ હોટસ્ટાર પર.

સ્કેમ 2003 – ધ તેલગી સ્ટોરીઃ પ્રતીક ગાંધીની કાબેલિયતથી હિન્દી દર્શકોને સુપેરે વાકેફ કરનાર ‘સ્કેમ’ પછી હવે એ શ્રેણીમાં આ નવી સિરીઝ આવી રહી છે. એમાં વાત છે સ્ટેમ્પ પેપરના કથિત કૌભાંડથી કુખ્યાત થનારા અબ્દુલ તેલગીની. સોની લિવના આ શોમાં તેલગીના પાત્રમાં ગગન દેવ રિઆર છે. સાથે અનિરુદ્ધ રોય અને સત્યમ શ્રીવાસ્તવ છે.

સૂપઃ નેટફ્લિક્સના આ શોમાં મનોજ બાજપાયી સાથે કોંકણાસેન શર્મા છે. એ એક ડાર્ક કોમેડી અને સાચી ઘટનાથી પ્રેરિત છે. ‘ઇશ્કિયાં’, ‘ઊડતા પંજાબ’ ફિલ્મોના દિગ્દર્શક અભિષેક ચૌબેનું આ સર્જન એમની ટ્રેડમાર્ક ક્રિએટિવિટી ધરાવતું હશે.

મિશન મંજુઃ ફિલ્મના દિગ્દર્શક શાંતનુ બાગચી છે. સફળ ગુજરાતી નિર્માતા અને સર્જક અમર બુટાલા સાથે એનું નિર્માણ રોની સ્ક્રુવાલા અને ગરિમા મહેતાએ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મમાં છે. બીજુ આકર્ષણ એની હિરોઇન રશ્મિકા મંધાના છે. ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધના એક અજ્ઞાત મિશન આસપાસ વાર્તા ફરે છે. 20 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર માણવા તૈયાર રહેજો.

તાઝા ખબરઃ ભુવન બામ, શ્રિયા પિળગાંવકર અને શિલ્પા શુક્લાને ચમકાવતી સિરીઝ નવા વરસના પહેલા અઠવાડિયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. એક સફાઈ કર્મચારીને એકાએક મળતી અનોખી શક્તિઓ એની કથાનો હાર્દ છે. એ શક્તિ એટલે થનારી ઘટનાનો હીરોને થતો આગોતરો અંદેશો. સિરીઝમાં દેવેન ભોજાણી, જે. ડી. ચક્રવર્તી, પ્રથમેશ પરબ પણ છે.

યે કાલી કાલી આંખેઃ નેટફ્લિક્સની આ સિરીઝની પહેલી સીઝન 2022ની શરૂઆતમાં આવી હતી. તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી, આંચલ સિંઘ જેવાં કલાકારોવાળી આ સિરીઝની નવી સીઝન આ મહિને આવશે.

ઇન્ડિયન પોલીસ ફોર્સઃ સર્કસ ભલે ડૂબી પણ રોહિત શેટ્ટી આ સિરીઝથી નવી લાઇફલાઇન મેળવી શકે છે. પ્રાઇમ વિડિયો પર આવનારી સિરીઝમાં શેટ્ટીની ઓળખ બનેલી પોલીસની વાતો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય જેવાં સ્ટાર્સ સાથેની સિરીઝ 2023નું એક સૌથી આશાસ્પદ સર્જન છે.

હીરામંડીઃ નામ સંજય લીલા ભણસાલી અને ઓટીટી પર ડેબ્યુ તો એનાથી મોટી રોમાંચક વાત કઈ હોઈ શકે? ભાગલા પહેલાંના કુખ્યાત રેડલાઇટ એરિયા હીરામંડીનું નામ ધરાવતી આ વેબ સિરીઝ જો 2023માં આવે તો એ આ વરસની સૌથી મોટી સિરીઝ હશે. હીરામંડી હવે લાહોરમાં છે. સિરીઝમાં એકએકથી ચડિયાતા સ્ટાર્સ છે. માધુરી દીક્ષિત હુમા કુરેશી, સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, મુમતાઝ, જેકી શ્રોફ, ફરિદા જલાલ… ભણસાલીની આલાગ્રાન્ડ સ્ટાઇલ અને કળાત્મકતા સાથેની સિરીઝ આવશે નેટફ્લિક્સ પર.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 06 જાન્યુઆરી 2023 એ પ્રસિદ્ધ થયેલો લેખ)

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/06-01-2023/6

Share: