- દર્શક જેટલી ઝડપથી સબસ્ક્રાઇબ કરે છે એટલી ઝડપથી ઓટીટીને ટા-ટા બાય-બાય પણ કરે છે. ગયા વરસે દેશમાં આશરે ૪૧% દર્શકોએ એક અથવા બીજા ઓટીટી પ્લેટફોર્મને આવજો કર્યું હતું.
- એક પછી એક નવાં ઓટીટી પ્લેટફોર્મ્સ આવે છે. જૂનાં પ્લેટફોર્મ્સ વચ્ચે એકમેકને વટાવી જવાની સ્પર્ધા છે. કોઈક આગળ વધી રહ્યાં છે અને કોઈક વેચાઈ રહ્યાં છે. લવાજમ પણ બદલાઈ રહ્યાં છે.
એમએક્સ પ્લેયર આપણે ત્યાંનું એક જૂનું અને સફળ ઓટીટી પ્લેટફોર્મ છે. એને મફતમાં માણી શકાય છે. સ્ટ્રીમિંગ વચ્ચે જાહેરાતોનાં વિઘ્ન ટાળવાં હોય તો પેઇડ સબસ્ક્રિપ્શન પણ છે. ઓછા લોકોને ખબર હશે કે આ પ્લેટફોર્મ મૂળ કોરિયન વિડિયો પ્લેયર પ્લેટફોર્મ હતું. છેક ૨૦૧૧માં એ ત્યાં લૉન્ચ થયું હતું. ૨૦૧૮-૧૯માં ટાઇમ્સ ઇન્ટરનેટે એને હસ્તગત કર્યું હતું. કિંમત ચૂકવી આશરે રૂ. ૧,૦૦૦ કરોડ. પછી ઓરિજિનલ કોન્ટેન્ટ શરૂ થયું. ફ્રી હોવાથી એની લોકપ્રિયતા ઝડપભેર વધી. ત્યારે ઓટીટીના આવા મજાના દિવસો કે આ ક્ષેત્રમાં કટ્ટર સ્પર્ધા નહોતી. નવાઈ એ હતી કે ટાઇમ્સે એમએક્સ ખરીદ્યા પહેલાં બોક્સટીવી નામે ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરીને ૨૦૧૬માં સંકેલી લીધું હતું. ઘણાને હતું એમએક્સનું કાંઈ નહીં આવે.
વાત જુદી બની. એમએક્સે મક્કમ ગતિએ પ્રગતિ કરી. કોવિડ પહેલાં પણ એ જાણીતું હતું. કોવિડ પછી એમએક્સ સહિત ઘણાં પ્લેટફોર્મ્સની નીકળી પડી. ભારતમાં સૌથી વધારે ડાઉનલોડ થનારાં પ્લેટફોર્મ્સમાં એમએક્સ નિયમિત ઝળકતું રહ્યું. ૨૦૨૨માં તો વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારાં ઓટીટી પ્લેટફોર્મ્સની યાદીમાં વટભેર ત્રીજા સ્થાને રહ્યું. એે હવે એમેઝોને હસ્તગત કર્યું છે. આશરે રૂ. ૩૫૦-૪૦૦ કરોડની કિંમતે, જે ટાઇમ્સે ચૂકવેલી કિંમત કરતાં ક્યાંય ઓછી છે. એમએક્સ હાથમાં આવવાથી એમેઝોનને બખ્ખાં થવાની ધારણા છે. ભારતમાં પ્રાઇમ વિડિયોના ત્રણ કરોડથી ઓછા યુઝર્સ છે. એમએક્સના આઠ કરોડથી ઓછા. બેઉ હવે એક હોવાથી એમેઝોનના યુઝર્સની સંખ્યા ધડ દઈને ૧૦ કરોડથી વધશે.
ઓટીટી ક્ષેત્રમાં આવી ઉથલપાથલો નિયમિત થઈ રહી છે. હજી હમણાં ડિઝની હોટસ્ટારે એની એચબીઓ સાથેની ભાગીદારી તોડી હતી. એટલે હાલમાં એચબીઓનું કોન્ટેન્ટ જોવું શક્ય નથી. જૂની ભાગીદારી તૂટવાના સમાચાર ભુલાય એ પહેલાં હવે સમાચાર એ છે કે એચબીઓએ ભારતમાં પુન:પ્રવેશ માટે જિયો સિનેમા સાથે હાથ મિલાવ્યા છે. રિલાયન્સની વાયાકોમ૧૮ અને વાર્નર બ્રધર્સ વચ્ચે આ માટે સોદો થયો છે. એના લીધે જિયો સિનેમા વૈશ્વિક કોન્ટેન્ટ, ખાસ તો હોલિવુડનાં શ્રે નિર્માણ પીરસીને, પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ સાથે સ્પર્ધા કરશે. જિયો પર એચબીઓ, મેક્સ એરિજિનલ અને વાર્નર બ્રધર્સ ત્રણેયનો ખજાનો ઉમેરાશે. નવી સિરીઝનાં ભારતમાં અમેરિકા સાથે જ પ્રીમિયર થશે. સોદા મુજબ હવે વાર્નર એનું નવું કોન્ટેન્ટ પ્રાઇમ, નેટફ્લિક્સ કે ડિઝનીપ્લસ હોટસ્ટારને આપી શકશે નહીં. મતલબ ‘હેરી પોટર’, ‘સક્સેશન’, ‘ગેમ ઓફ થ્રોન્સ’ સહિતના ગાજેલા શોઝ વગેરે જોવા આ એક જ પ્લેટફોર્મ છે.
હજી એક હસ્તાંતરણની વાતો ઘણા વખતથી ચાલી રહી છે. જાણકારોના મતે હવે પતવાને છે. એ છે ઝી અને સોનીનું એકીકરણ. ઝી નાણાકીય પડકારો ઝીલી રહ્યું છે. એ અને સોની એક થશે એ સાથે એમની ટીવી ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ એક થશે. સોદો પાર પડ્યે દર્શકોની સંખ્યા અને પહોંચના મામલે એ ટોચ પર આવી જશે. બેઉ મળીને આશરે ૭૦ ટીવી ચેનલ્સ સાથે ઝીફાઇવ અને સોની લિવ જેવાં ઓટીટી પ્લેટફોર્મ્સ ધરાવશે. બે સ્ટુડિયોઝ છોગામાં.
એકીકરણના દોર સાથે ઓટીટીના સબસ્ક્રિપ્શનના દરોમાં ફેરફાર થઈ રહ્યા છે. એ દિશામાં ભાવવધારો કરીને પ્રાઇમ વિડિયોએ મોટું કદમ ઉઠાવ્યું છે. ૨૦૨૧માં એણે વાષક પ્લાનનો દર રૂ. ૯૯૯થી રૂ. ૧,૪૯૯ કર્યો હતો. આ વખતે ભાવવધારો થયો છે માસિક અને ત્રૈમાસિક પ્લાન્સમાં. હમણાં સુધી માસિક પ્લાન રૂ. ૧૭૯માં મળતો, હવે મળશે રૂ. ૨૯૯માં. ત્રૈમાસિક પ્લાન રૂ. ૪૫૯થી વધીને રૂ. ૫૯૯નો થયો છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી જૂના ગ્રાહકોને માસિક અને ત્રૈમાસિક પ્લાન્સ જૂના દરે રિન્યુ કરવાની સગવડ છે. શરત એટલી કે એ ઓટો રિન્યુલ પ્રોસેસમાં પાસ થાય. પેમેન્ટ ફેઇલ તો નવો દર લાગુ થઈ જશે. જેમને ઓછા ખર્ચે પ્રાઇમ જોઈએ એમના માટે વાર્ષિક રૂ. ૯૯૯નો લાઇટ પ્લાન છે.
પ્રાઇમથી ઊંધી દિશામાં નેટફ્લિક્સ છે. એણે ૨૦૨૧માં ભારતમાં સસ્તા દરે પ્લાન્સ શરૂ કર્યા હતા. એમાં સફળતા મળી એટલે કંપનીને અન્ય દેશોમાં પ્લાનના દર ઓછા કરવાનું સૂઝ્યું છે. એણે આ પગલું ૧૧૬ દેશોમાં ઉઠાવ્યું છે. દેશમાં નેટફ્લિક્સનો માસિક મોબાઇલ પ્લાન પહેલાં રૂ. ૧૯૯માં મળતો. હવે રૂ. ૧૪૯માં મળે છે. માસિક બેસિક સબસ્ક્રિપ્શન રૂ. ૪૯૯થી ઘટી રૂ. ૧૯૯નો થયો છે. એ માત્ર એક ડિવાઇસ માટે છે. ઓછી કિંમતના પ્લાનથી આપણે ત્યાં નેટફ્લિક્સે ૨૦૨૨માં ૩૦% વૃદ્ધિ નોંધાવી હતી. એટલે એને સૂઝ્યું કે આ અખતરાને અન્ય દેશોમાં અજમાવી જોવો જોઈએ.
એકીકરણ, ભાગીદારી, ભાવવધારો અને ભાવઘટાડો એ ઓટીટી માટે સંક્રાંતિકાળમાંથી પસાર થવા જેવું છે. દેશમાં પૈસા ચૂકવીને ઓટીટી જોનારાની સંખ્યા પાંચ કરોડથી ઓછી છે. મફત પણ ગણીએ તો ઓટીટી જોનારા એના કરતાં આઠ-દસગણા છે. પ્રાદેશિક, હિન્દી અને વિદેશી કોન્ટેન્ટ પીરસતાં અનેક ઓટીટી વચ્ચે દર્શકો મૂંઝવણમાં છે કે આમાં સબસ્ક્રિપ્શન કોનું લેવું, કેટલાનું લેવું. એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે દર્શક ઓટીટી શરૂ કરે પછી ઓછામાં ઓછી દસ મિનિટ વિચારમાં ખર્ચે છે કે જોવું તો શું જોવું. એમાં વળી દર્શક જેટલી ઝડપથી સબસ્ક્રાઇબ કરે છે એટલી ઝડપથી ઓટીટીને ટા-ટા બાય-બાય પણ કરે છે. ગયા વરસે દેશમાં આશરે ૪૧% દર્શકોએ એક અથવા બીજા ઓટીટી પ્લેટફોર્મને આવજો કર્યું હતું. એવામાં દર્શકને જકડી રાખવો આસાન નથી એ સ્પષ્ટ છે.
નવાં ઓટીટીનું આગમન, ભાવમાં ફેરફાર, ભાગીદારી થવી અને તૂટવી… ક્રમ હજી લાંબો ચાલશે. ઓટીટીનું પ્રાદેશિક કોન્ટેન્ટથી દેશીકરણ અને વિદેશી કાર્યક્રમોથી વિદેશીકરણ પણ થશે. અનેક દેશો કરતાં ભારતની ઓટીટી માર્કેટ જુદી છે. આપણા જેટલું ભાષાવૈવિધ્ય ઓછા દેશોમાં છે. એટલે જ, આપણી ઓટીટી માર્કેટ રસાકસીભરી અને સતત પ્રયોગાત્મક પગલાં ભરાવનારી રહેવાની છે.
પહેલીવાર ઓટીટી સબસ્ક્રાઇબ કરો છો? તો આ ટિપ્સ યાદ રાખો
– સૌપ્રથમ એ ઠરાવો કે કેવા કાર્યક્રમો માટે, કઈ ભાષા માટે ઓટીટી સબસ્ક્રાઇબ કરવું છે.
– ઓટીટી પર અઢળક વસ્તુઓ મફતમાં માણી શકાય છે. નિયમિત કશુંક માણવાના ના હો તો પહેલાં એ બધાની જ્યાફત માણો. ઓટીટી વિશે પૂરતું જ્ઞાન લાધ્યા પછી ખર્ચનો વિચાર કરો.
– ઓટીટી ચેપી છે. એનો છંદ લાગ્યા પછી નિરાંતનો સમય સારા સહિત ભંકસ કાર્યક્રમો પાછળ પણ ખર્ચાશે. આ યાદ રાખીને સબસ્ક્રિપ્શન વિશે વિચારો.
– બની શકે તમારા મોબાઇલ કનેક્શન કે પછી ઘરના ઇન્ટરનેટ કનેક્શન સાથે અમુક ઓટીટી પ્લેટફોર્મ્સ મફતમાં મળ્યાં હોય. એના વિશે ખબર ના હો તો જાણકારી મેળવો. બની શકે પૈસા ભરીને જે જોવા થનગનતા હોવ એ પ્લેટફોર્મ મફતમાં અવેલેબલ હોય.
– પહેલીવાર ઓટીટી પ્લેટફોર્મના પેઇડ કસ્ટમર બનનાર માટે આદર્શ રસ્તો છે કોઈ એક ઓટીટી લેવું. વાપરવાની ફાવટ આવે પછી બીજાનો વિચાર કરવો.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 05 મે, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment