બુદ્ધિ બહેર મારી જાય એ હદે ડિજિટલ દુનિયામાં સેક્સનું આક્રમણ જામ્યું છે. સપરિવાર શિષ્ટ, સામાજિક જોવા બેસો ત્યારે પણ અચાનક કંઈક અભદ્ર માથે ઝીંકાઈ જઈ શકે છે. તમે જોતા હોવ એ શો સાફશુથરો હોય પણ બ્રેકમાં એડ કે કોઈક ટ્રેલરમાં સેક્સનો ઓવરડોઝ હોય એવું બની શકે છે. આ સિચ્યુએશનમાં સૌએ પોતપોતાની રીતે પોતાના સંસ્કારનું રક્ષણ કરવું એ એકમાત્ર ઉપાય છે.
વરસો પહેલાં, મીન્સ 2010માં એક ફિલ્મ આવી હતી, ‘લવ સેક્સ ઔર ધોખા.’ નિર્માણ કર્યું હતું એકતા કપૂર આણિ મંડળીએ. એકતાની કંપની ઑલ્ટ એન્ટરટેઇનમેન્ટ અને બાલાજી મોશન પિક્ચર્સની એ ફિલ્મમાં ત્યારનાં નવોદિત અને આજનાં સ્ટાર્સ રાજકુમાર રાવ અને નુસરત ભરુચા સહિતનાં કલાકારો હતાં. આશરે બે કરોડની એ ફિલ્મે બોક્સ ઓફિસ પર એના કરતાં પાંચગણો વેપાર કર્યો હતો. એનાથી અગત્યની બાબત એ હતી કે આ સેક્સપ્રચુર, નવી પેઢી જે સમજે એ તૌર-તરીકાથી છલોછલ ફિલ્મોની આખી એક દુનિયા સર્જવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
2023માં આવો. ઓટીટી અત્રતત્રસર્વત્ર છે. અનેક એપ્સ છે. જોઈ જોઈને થાકી જવાય એટલી ફિલ્મો, વેબ સિરીઝ વત્તા ડોક્યુમેન્ટરીઝ, શોર્ટ ફિલ્મ્સ, ટૂંકા ને ટચ વિડિયો છે. સેક્સ એમાં એટલી પ્રબળતાથી પીરસવામાં આવી રહ્યું છે કે ના પુછો વાત. થોડા દિવસ પહેલાંની વાત. ઉલ્લુ નામની એપ પર એકએકથી ચડિયાતા, કહો કે સભ્ય દર્શકનું માથું શરમથી ઝુકાવી દે એવા, શોઝ વગેરેની ભરમાર છે. ડિજિટલ પબ્લિશર કોન્ટેન્ટ ગ્રિવન્સીસ કાઉન્સિલ નામની ઓટીટીની એક સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થા છે. એના પ્રમુખ તરીકે સર્વોચ્ચ ન્યાયાલયના એક જસ્ટિસ છે. એમણે ઉલ્લુને આદેશ આપ્યો કે એ તમામ શોઝ ઉતારો જેમાં સેક્સની માત્રા અનહદ છે. કોઈક ઓટીટી પ્લેટફોર્મને આ પ્રકારનો આદેશ અપાયાનો આ દેશનો પ્રથમ કિસ્સો છે.
એકતા કપૂરની પણ આ બદી ફેલાવવામાં તગડી ભૂમિકા છે. 2010માં લવ સેક્સ… બનાવ્યા પછી એમણે 2011માં દર્શકોને રાગિણી એમએમએસ ફિલ્મથી ગલગલિયાં કરાવ્યાં. સાચું કહો તો એકતા એવી દીર્ઘદર્ષ્ટાં છે જેમણે ઓટીટીના ઉજળા ભવિષ્યને ઇન્ડસ્ટ્રીના અન્ય માંધાતાઓ કરતાં ક્યાંય પહેલાં જાણી લીધું હતું. એમની કંપની ઑલ્ટ બાલાજી એ સમયે અસ્તિત્વમાં આવી ચૂકી હતી જ્યારે આજના ઓટીટીમય યુગની કોઈએ કલ્પના સુધ્ધાં કરી નહોતી. ટેલિવિઝન પર સાસ-બહુ કલ્ચરને સોળે કળાએ ખીલવનારાં આ નિર્માત્રીએ ડિજિટલ દુનિયામાં પારિવારિક પાવરને એક કોરાણે મૂકીને યુવાલક્ષી અને સેક્સ છલોછલ સર્જનો કરવામાં ઘણાંને પાછળ મૂકી દીધા એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ઓટીટી જો સસ્તા આનંદનો સશક્ત વિકલ્પ છે તો સાથે એ સસ્તાં સર્જનોની ખાણ પણ છે. શું ઑલ્ટ બાલાજી કે શું ઉલ્લુ. વળી આ બેને જ બદનામ કરવાં એ પણ અયોગ્ય લેખાશે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો સહિત લગભગ તમામ અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સ પર સેક્સ ઓરિયેન્ટેડ શોઝ છે. ડિસ્કવરી પ્લસ જેવા પ્લેટફોર્મ પર જો સીધેસીધા આવા શોઝ ના હોય તો એમાં એવા રિયાલિટી શોઝ છે જેના વિષયના કેન્દ્રસ્થાને ગ્લેમર, નગ્નતા વગેરે હોય. કોઈ જાતની સેન્સરશિપ ઓટીટી પર નહીં હોવાથી મુશ્કેલી એ થઈ છે કે સર્જનાત્મક સ્વાતંત્ર્યના નામે ઉઘાડી અશિષ્ટતાએ માઝા મૂકી છે. કોણ કહેવાવાળું છે, બોસ?
દર્શકો સાથે એટલે જ એવું ઘણીવાર થઈ શકે છે કે સપરિવાર ઓટીટી ઓન થાય અને એવું કંઈક પડદે ચીતરાવા માંડે જે આભા કરી નાખે. જોનારામાં બાળકો અને બુઢ્ઢાઓ પણ હોય અને પછી એવી સ્તબ્ધતા ફેલાય કે શું કહેવું?
આ સમસ્યાનો કાયદાકીય ઇલાજ મળવો હવે ઇમ્પોસિબલ છે. કાયદો પસ્તાળ પાડે તો કોના પર પાડે? કેટકેટલી વખત પાડે? સર્જકો ઘણીવાર એવી બકવાસ કરતાં સંભળાય છે કે અમારા કામને અમારી અંગત સમજણ અને આચારસંહિતા મુજબ ખીલવા દો, અમારામાં પણ અક્કલ છે કે અમારે શું પીરસવું અને શું નહીં. મૂરખ બનાવે છે સર્જકો. એમને લજ્જા નથી. એમને છે તો માત્ર સ્વાર્થમાં રાચવાની તમા. સમાજનું જે થવું હોય એ થાય, આપણા બાપનું શું જાય? આ છે સર્જકોનો સામાન્યપણે પ્રવર્તમાન અભિગમ.
ઓટીટીના મેકર્સની એક દલીલ એવી પણ હોય છે કે હવે ઇન્ટરનેટને કારણે પોર્નોગ્રાફી પણ એટલી સહેલાઈથી અવેલેબલ છે કે અમારા પર લગામ તાણીને શું મળવાનું? વાત એમ છે કે જે સીધી ને સટ પોર્નોગ્રાફી છે એ સપિરવાર જોવાની જુર્રત કોઈ કરે નહીં. એવું કાંઈ જોવાનું આવે તો એ એકદમ ખાનગી, કોઈને કાનોકાન ખબર ના પડે એ પ્રકારનો મામલો છે. પોર્નોગ્રાફી હાર્ડકોર અને ભદ્દી હોય છે. એ નિમ્ન માનસિકતા કે ક્ષણિક આવેશની ચીજ છે. ઓટીટી ઘેરઘેર અઠ્ઠેકાશી કરી બેસેલી ફેમિલી ઓરિયેન્ટેડ ચીજ છે. બેઉની તુલના કોઈ કાળે સાંખી લઈ શકાય નહીં.
પોર્નોગ્રાફીની વાત કરીએ છીએ તો હાલમાં એક ચતુર ઉદ્યોગપતિએ કરેલી ટિપ્પણી પણ જાણી લો. એમનું નામ છે સોલોમન ફ્રીડમેન. પોર્નોગ્રાફીની દુનિયામાં મોટો બિઝનેસ ધરાવતી એક કંપનીના માલિકને નાતે એમણે એવી શેખી ચલાવી છે કે સરકારે તો પોર્નોગ્રાફીને એવી મોકળાશ આપવી જોઈએ કે એ સાવ નોર્મલ વાત થઈ જાય, એટલી નોર્મલ કે જોઈજોઈને લોકોને ધરવ થઈ જાય, લોકો એનાથી કંટાળી જાય, બિલકુલ એમ જેમ કેનેડામાં ગાંજાને કાયદેસર માન્યતા આપવાથી ગાંજાનું થયું છે એમ. લો બોલો, હવે આટલું બાકી રહ્યું છે?
જોકે ઓટીટી પર પીરસાતું સેક્સ પોર્નોગ્રાફી કરતાં ડેન્જરસ છે. કારણ નગ્નતા કરતાં વધુ ઇફેક્ટિવ અર્ધનગ્નતા, કામુકતા, ગ્લેમરસ નિરુપણ છે. ઉપરાંત, ઓટીટીનું સેક્સ સામાજિક ચિત્રણ થકી, પાત્રો થકી એવી ઇમ્પ્રેશન સર્જે છે કે આ બધું તો સોશિયલી ઓકે છે યાર, આનાથી છોછ શાનો? એની સૌથી વરવી માનસિક અસર બાળકો અને યુવાનો પર થઈ રહી છે. અત્યાર સુધી ફિલ્મોએ ફેશનના નામે વસ્ત્રો પહેરવાની શિષ્ટતાનાં એક પછી એક પડ ઉઘાડ્યાં અને સેક્સના ઝીણાઝીણા પર સાતત્યભર્યા ડોઝ આપીને લોકોનાં મનમાં તરંગો સર્જ્યા. એ ગતિ સહ્ય હતી એવું હવે લાગે છે કારણ ઓટીટીની સેક્સ પીરસવાની ગાડીમાં ઓન્લી એક્સિલેટર છે અને બ્રેક તો છે જ નહીં.
હમણાં એક ફિલ્મમાં એક નાની એની પૌત્રીના લગ્નના માગાની મીટિંગમાં છડેચોક કહે છે, “નવી કાર ખરીદતા પહેલાં આપણે ટેસ્ટ ડ્રાઇવ કરીએ છીએ કે નહીં? તો લગ્ન પહેલાં છોકરા-છોકરીએ ‘ટેસ્ટ ડ્રાઇવ’ કરવું જ જોઈએ જેથી એમની સેક્સ સંબંધિત પરસ્પર અનુકૂળતાની ખબર પડે.” પછી ફિલ્મમાં આના કરતાં ઘણું વધારે થાય છે. કોઈ એન્ગલ કે કોઈ સમજણથી એ ફિલ્મ આપણી સામાજિકતા અને માનસિકતા માટે યોગ્ય નથી એવું વિચારનારા બહુમતીમાં હશે તો પણ અત્યારે જોર તો લઘુમતીઓનું છે. એમના મતે આ છે અભિવ્યક્તિ કે સર્જનાત્મક સ્વાતંત્ર્ય.
આવી હાલતમાં સેફ ઓટીટી વૉચ આસાન નથી. ઓટીટી વિના ચલાવી લેવાય એ પણ હવે લગભગ અશક્ય થયું છે. એટલે કરી શકાય તો એક જ પ્રાર્થના કે ભગવાન તમને એવા શોઝથી બચાવે જે તમારા સંસ્કાર, સમજણ અને તમારી પસંદગી બહારના છે.
નવું શું છે?
- મોટ્ટા સ્ટાર્સ માત્ર ફિલ્મોમાં તગડું કમાય છે એવું નથી. અજય દેવગણે ઓટીટી માટે ‘રુદ્ર’માં કામ કરીને રૂ. 100 કરોડથી વધુ ઘરભેગા કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો શોના પ્રત્યે એપિસોડ માટે એમને મળ્યા રૂ. 18 કરોડ. એવી જ તગડી કમાણી મનોજ બાજપાયીએ કરી ‘ફેમિલી મેન’ની સીઝન ટુ માટે. એ માટે એમને મળ્યા રૂ. 10 કરોડ.
- ડિઝની પ્લસ હોટસ્ટાર પર વિમ્બલ્ડન ટુર્નામેન્ટ જોઈ શકાય છે. એના લીધે આ ઓટીટી પ્લેટફોર્મ કાંઈ નહીં તો ટેનિસના રસિયાઓનું ધ્યાન આકર્ષી શકશે. બાકી ક્રિકેટનો સવાલ છે ત્યાં સુધી હમણાં એના થકી મેક્ઝિમમ ફાયદો જિયો સિનેમાને થયો છે.
- બાંગલાદેશી ફિલ્મ ‘હવા’ને દેશ વતી ઓસ્કારમાં નેમિનેટ કરવામાં આવી હતી. મુજબર રહમાન સુમોન દિગ્દર્શિત ફિલ્મ ગોલ્ડન ગ્લોમમાં પણ શોર્ટલિસ્ટ થઈ હતી. અભિનય, સિનેમેટોગ્રાફી અને સંગીત માટે વખણાયેલી આ ફિલ્મ હવે ભારતમાં ઓટીટી પર આવશે. ચંચલ ચૌધરી, નફીસા તુશી, સરીફુલ રાઝ વગેરે કલાકારોની આ ફિલ્મ સોની લિવ પર જોવા સજ્જ રહેજો.
- મણિરત્નમની ફિલ્મ ‘પોનિયિન સેલ્વન’ ટુ પ્રાઇમ વિડિયો પર હિન્દીમાં આવી છે. ભાગ પહેલા કરતાં ફિલ્મોનો બીજો ભાગ ઓછો વખણાયો હતો. વિક્રમ, જયમ રવિ, ઐશ્વર્યા રાય, પ્રકાશ રાજ વગેરે એમાં છે.
- ઝીફાઇવ પર દર અઠવાડિયે એક કોરિયન ડ્રામા સ્ટ્રીમ થવાનું શરૂ કરશે. એક, બે નહીં, લગભગ વીસેક શો પ્લેટફોર્મ પર પધરામણી કરશે. અમુકનાં ટાઇટલ આ પ્રમાણે છેઃ ‘ધ સિક્રેટ બોય’, ‘સસ્પિશિયસ પાર્ટનર’, ‘ધ એર્સ’ (એટલે વારસદારો), ‘ચિયર અપ’, ‘ડોક્ટર સ્ટ્રેન્જર’, ‘અનક્ન્ટ્રોલેબલી ફોન્ડ’, ‘મ્યાઉં’ અને ‘એક્સ્ટ્રાઓર્ડિનરી યુ’.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.07 જુલાઈ, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/07-07-2023/6
Leave a Comment