દરેક સર્જક વીતેલા સમયની વાર્તા સચોટ રજૂ કરી શકતા નથી. રાજ અને ડી.કે.ની આ સિરીઝમાં એમનો ટચ વર્તાતો નથી. માત્ર તેઓ નહીં, બીજા કેટલાક સર્જકો પણ પિરિયડ ડ્રામા ખેડીને ઊણા સાબિત થયા છે
રાજ અને ડી.કે.એ ઓટીટી પર સતત સફળતા નિહાળી છે. સૌથી મોટી ‘ફેમિલી મેન’માં. એ સિવાય ‘ફર્ઝી’ સિરીઝ અને તેલુગુ ફિલ્મ ‘સિમેના બાંદી’ એમનાં નોંધપાત્ર સર્જન છે. એમની સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ ઉત્સાહિત થઈને જોવા બેસવું સ્વાભાવિક છે. રાજકુમાર રાવ, દુલકર સલમાન, ગુલશન દેવૈયા, શ્રેયા ધનવંતરાય જેવાં કલાકારો હોય ત્યારે ઉત્સાહ બમણો થઈ જાય. તો, સાત એપિસોડની સીઝન વનમાં શું છે?
વાર્તા છે ઉત્તર ભારતના ગુલાબગંજ નગરની. અફીણની ખેતી માટે એ કુખ્યાત છે. ગુલાબગંજમાં સરકારી અફીણ ઉગાડતા મુઠ્ઠીભર ખેડૂતો વચ્ચે ગેરકાનૂની ખેતી કરનારા પણ છે. ગેરકાનૂની અફીણ ખરીદે છે ગુંડો ઘાંચી (સતીશ કૌશિક). એના હાથ નીચે, દીકરાની જેમ ઉછરેલો નાબીદ (નીલેશ દીવેકર) હવે એનો હરીફ છે. એ છે પાસેના શેરપુરમાં. ઘાંચીના બે નંબરી ધંધાની સરકારી ઢાલ છે પોલીસ અધિકારી મિશ્રા (જોગી મલંગ). ઘાંચીના ઓરતા છે દીકરો છોટુ (આદર્શ ગૌરવ) વારસ બને. મહેન્દ્ર (વિપિન શર્મા) સૌથી વિશ્વાસુ માણસ છે.
ગુલાબગંજમાં ટિપુ (રાજકુમાર રાવ) ગેરેજમાં કામ કરે છે. એના પિતા ઘાંચીના વિશ્વાસુ હતા. સિરીઝની શરૂઆત ટિપુના પિતાની શત્રુના હાથે થયેલા મોતથી થાય છે. ટિપુ શિક્ષિકા ચંદ્રલેખા (ટી.જે. ભાનુ પાર્વતીમૂત)ના પ્રેમમાં છે, જેના મોહમાં વિદ્યાર્થી ગંગારામ (તાનિશ્ક ચૌધરી) પણ છે. ટિપુને બાપના પગલે ચાલવામાં નહીં, પોતાનું ગેરેજ ઊભું કરવાનાં શમણાં છે. સંજોગો એને કેવી રીતે ઘાંચીનો વિશ્વાસુ બનવા તરફ વાળે છે એની વાત છે સિરીઝમાં.
પહેલા એપિસોડથી ખોરવાઈ જતી સિરીઝ સાત એપિસોડ સુધી થાળે પડતી નથી. હ્યુમર-થ્રિલરનો મેળ પાડવામાં લોચા ઊભા થતા રહે છે. ટ્વિસ્ટ અને ટર્ન્સના નામે આત્મારામ ઉર્ફે ચાર કટ (દેવૈયા) અને યામિની (શ્રેયા), નવનિયુક્ત પોલીસ અધિકારી અર્જુન વર્મા (સલમાન દુલકર) અને કલકત્તાનો અફીણનો મોટો દાણચોર સુકાંતો (રાજજતવ દત્તા) જેવાં પાત્રો ઉમેરાતાં રહે છે. બેશક, સિરીઝમાં દર્શકોને જકડી રાખતી પળો છે પણ નામની જ. સુકાંતોનો ટ્રેક, ટિપુ-લેખાનો ટ્રેક, ઘાંચીનું આઈસીયુમાં પહોંચી જવું, ઢાબાનાં અને ચાર કટનાં દ્રશ્યો… બધું પ્લાસ્ટિક છે. સૌથી અગત્યનું એટલે ટિપુ કે અર્જુન જેવાં બે મુખ્ય પાત્રો ટલ્લે ચઢેલાં છે.
‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ રાજ-ડી. કેનું હાલનું સૌથી નબળું સર્જન છે. નથી એ ટેકનિકલી દમદાર કે નથી કથા રંગદાર. પર્ફોર્મન્સમાં પણ નબળાઈ છે. પાત્રોને ઊંડાં, અર્થપૂર્ણ, યાદગાર બનાવવા જરૂરી પરિમાણો અહીં નથી. સિદ્ધાંત અને ફરજનાં બમણાં ફૂંકતો અર્જુન બેઇમાની કરવા તૈયાર થાય કે ટિપુ ઘાંચીનો માણસ થઈ જાય ત્યારે રોમાંચ નથી થતો. એમ લાગે જાણે લેખક અને સર્જકે લાચારીથી ઠરાવી લીધું કે ચાલો, યેનકેન વાર્તા આગળ વધારો.
મુદ્દે, ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ સમયનું વળતર આપવામાં નથી બંદૂક જેવી ધમાકેદાર કે નથી ગુલાબ જેવી સુગંધી. નહીં જુઓ તો ફાયદામાં રહેશો. અવેલેબલ છે નેટફ્લિક્સ પર.
મુદ્દો પિરિયડ ડ્રામાનો લઈએ. ફિલ્મો, વેબ સરીઝમાં સર્જક માટે આવા વિષયને ન્યાય આપવો આસાન નથી. કોઈક સમયકાળમાં ડૂબકી લગાવવી એટલે મોટો નિર્માણખર્ચ, પડકારજનક મેકિંગ અને ઊંધા માથે પછડાઈ જવાની સતત ઝળુંબતી ચિંતા. છતાં સર્જકો આવા વિષય પાછળ દોડે છે. એમને કાયમ એવા વિષય સહેલાઈથી મળતા નથી જે સમકાલીન અને રસાળ હોય. પિરિયડ ડ્રામા બહુધા પુસ્તકો પર કે મિડીયામાં ખાસ્સી ચર્ચાયેલી ઘટના આધારિત હોય છે. એમાં સંશોધન, પાત્રાલેખન, કથાનો વિકાસ વગેરેની ઝંઝટ ઓછી હોય છે. એમાં કલ્પનાશીલતા ઉમેરાતા અને સિનેમેટિકલી સેન્સિબલ કામ થતાં પિરિયડ ડ્રામા સારો આકાર લે. સર્જકને પિરિયડ ડ્રામાના પડકારો ઝીલવામાં મજા આવે છે. એટલે તેઓ ખેડે છે આવા વિષય.
ઓટીટી પર પિરિયડ ડ્રામાની ભરમાર છે. અમુક નવા છે. ‘ધ ડર્ટી પિક્ચર’ અને ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ’ના સર્જક મિલન લુથરિયાએ સુપર્ણ વર્મા સાથે ‘સુલતાન ઓફ દિલ્હી’ બનાવી છે. અર્નબ રોય લિખિત આ નામના પુસ્તક પર એ આધારિત છે. ૧૯૬૦ના દાયકાના દિલ્હીનું ગુંડારાજ કેન્દ્રમાં છે. મેકિંગથી ગીતો સુધી લુથરિયાની સફળ ફિલ્મોની છાંટ છે. સિરીઝ જોકે સાધારણ છે. એ સમયગાળાના મુંબઈના ગુંડારાજ પર આધારિત ‘બમ્બઈ મેરી જાન’ પણ છે. પત્રકાર-ટર્ન્ડ-લેખક, મેકર હુસેન ઝૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ મુંબઈ’ પર એ આધારિત છે. રેન્સિલ ડિસિલ્વા અને સુજાત સૌદાગર સર્જક છે. દર્શકો મુંબઈ અંડરવર્લ્ડના અસંખ્ય એન્ગલ જોઈ ચૂક્યા છે. સિરીઝ ભાગ્યે જ નવું, રોમાંચક પીરસે છે.
‘રાકેટ બોય્ઝ’ પણ પિરિયડ ડ્રામા હતો. પહેલી સીઝન દમદાર તો બીજી સાધારણ હતી. ક્રાઇમ સિરીઝના ધોધ વચ્ચે એ અલગ અનુભવ હતો. વિક્રમાદિત્ય મોટવાનીએ ‘જ્યુબિલી’ સિરીઝ સૌમિક સેન સાથે બનાવી હતી. બોલિવુડના પ્રારંભિક સમયની ઘટનાઓ આસપાસ વણાયેલી ‘જ્યુબલી’ની કથા નવું પીરસી શકી હતી. એના સર્જક નિખિલ અડવાણી હવે ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ પિરિયડ ડ્રામા પર કામ કરી રહ્યા છે. એનું કારણ ‘રાકેટ બોય્ઝ’ની સફળતા છે. સોળમી સદીનો સમય અને તાજ મહેલની વાત લાવેલી ‘તાજ: ડિવાઇડેડ બાય બ્લડ’ના સર્જક અભિમન્યુ સિંઘ હતા. નસીરુદ્દીન શાહ, ધર્મેન્દ્ર, અદિતી રાવ હૈદરી, રાહુલ બોઝ, ઝરીના વહાબ જેવાં કલાકારોની હાજરી અને શાહી પરિવારની વાતથી પણ સિરીઝને માણવાલાયક બની નહી.
સંજય લીલા ભણસાલી આ કામમાં સિક્કો ધરાવે છે. એમની વેબ સિરીઝ ‘હીરામંડી’ આવું-આવુંલ કરતી આવી નથી. લાહોરની બદનામ હીરામંડી એટલે ત્યાંના રેડ લાઇટ એરિયાના વાર્તાવાળી સિરીઝમાં મનીષા કોઇરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી, સંજીદા શેખ છે. વિવિધ ડિરેક્ટર્સ સંકળોલા છે. પરફેક્શનના આગ્રહી ભણસાલીએ શૂટ થયેલા ફૂટેજના અમુક ભાગનું ફરી શૂટિંગ કરવા જણાવ્યું પછી રિલીઝ પાછી ઠેલાઈ છે. જ્યારે આવશે ત્યારે ‘હીરામંડી’ તરંગો સર્જશે એ નક્કી છે.
ઇન શોર્ટ, પિરિયડ ડ્રામા વ્યવસ્થિત બને તો દર્શકોને મોહિત કરી દે છે. જો એ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ જેટલો નબળો ના હોય તો
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.3 નવેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/03-11-2023/6
Leave a Comment