‘ગાંધી’ ફિલ્મ બનતાં 18 વરસ લાગ્યાં હતાં. આ મલયાલમ ફિલ્મ બનતાં 16 વરસ લાગ્યાં. એના જોવા ત્રણ કલાક આપ્યે થાય કે ડિરેક્ટરે પોતાનું વિઝન જીવવા જે કાંઈ જીદ ધરી હશે, ભોગ આપ્યા હશે એ જરાય વ્યર્થ નથી ગયા

ઓલમોસ્ટ ત્રણ કલાકની આ મલયાલમ ફિલ્મમાં ડાયલોગ માત્ર 20%માં છે. એમાંના ઘણા અરેબિકમાં છે અને પડદે ધરાર સબટાઇટલ્સ વિના આવે છે. આ ફિલ્મ બનાવતા દિગ્દર્શક બ્લેસીને 16 વરસ લાગ્યાં. એ પણ એટલા રૂપિયામાં, જેટલા મલયાલમ ફિલ્મ બનાવવા ખર્ચવા એ તો દુઃસાહસ કહેવાય. છતાં, બ્લેસીએ ફિલ્મ બનાવીને ઝળહળતી સફળતા અંકે કરી છે. તેઓ પોતાની ફિલ્મને, ‘લાઇફ ઓફ પાઈ’ ટાઇપની, એક ઇવેન્ટ ફિલ્મ ગણાવે છે. ફિલ્મ માર્ચમાં મોટા પડદે આવી હતી. હવે તો એ મલયાલમની ઓલ ટાઇમ સૌથી ધીકતી કમાણી કરનારી ફિલ્મોમાં બીજા સ્થાને પહોંચી ચૂકી છે. ઉપરાંત દર્શકો અને વિવેચકોની અઢળક સરાહના પામી છે. એ ફિલ્મ છે ‘આદુજીવિતમ’ ઉર્ફે ‘ધ ગૉટ લાઇફ.’

2008માં આવેલી, બેન્યામિન નામના લેખકની, મલયાલમ નવલકથા પરથી ‘આદુજીવિતમ’ બની છે. કથા સત્ય ઘટના આધારિત છે. એ નજીબની અને કંઈક અંશે હાકીમની છે. કેરળથી બેઉ નોકરી માટે સાઉદી અરેબિયા જાય છે. ત્યાં નોકરી કરીને સુખી થવાને બદલે બેઉ આરબોની ગુલામીનો ભોગ બને છે. અલગ અલગ આરબ માલિકો એમને રણપ્રદેશમાં, વસાહતથી સેંકડો કિલોમીટર દૂર પશુપાલનમાં ગોંધી દે છે. એમને નથી છત, નથી આવક, નથી મળતાં પૂરતાં ખોરાક-પાણી. બેઉ વરસો અમાનુષી હાલતમાં સબડે છે. છેવટે, એકવાર નાસી જવાની તક મળતાં બેઉ ઇબ્રાહિમ નામના ભોમિચાના ભરોસે નાસે છે. હાઇવે પહોંચતા પહેલાં હાકીમ-ઇબ્રાહિમ મોતને ભેટે છે. અધમૂઓ નજીબ હાઇવે તો પહોંચે છે પણ ત્યાંથી સ્વદેશની બદલે પહોંચે છે જેલ…

સાઉદીમાં આરબોની ગુલામીનો ભોગ અનેક ભારતીયો બન્યા છે. નજીબની એવી જ કરુણકથા ધરાવતી નવલકથા ‘આદુજીવિતમ’થી બ્લેસી સુપર ઇમ્પ્રેસ્ડ હતા. બીજા એક ડિરેક્ટર, લાલ જોસ પણ એના પરથી ફિલ્મ બનાવવા ચાહતા હતા. ખેર, છેવટે સબજેક્ટ બ્લેસીને ફાળે ગયો. બ્લેસી સુપર સ્પષ્ટ હતા કે ફિલ્મ નવલકથાના વાચકની કલ્પનાઓને આંટી જાય એવી ભવ્ય હોય. એના માટે જંગી બજેટ જોઈએ જે મલયાલમ ફિલ્મ માટે મળવું અશક્ય હતું. બ્લેસીએ બજેટની ખેંચતાણ વચ્ચે 2010 આસપાસ ફિલ્મના અમુક પોર્શન કેરળ-દુબઈમાં શૂટ કર્યા. પછી, સંતોષ નહીં વળતાં બધું નાખી દીધું કચરામાં. ઇન બિટવિન, ફિલ્મમાં કામ કરવા તામિલ સુપરસ્ટાર સુરિયા તૈયાર થયા હતા. જોકે બ્લેસીની ડિમાન્ડ હતી કે હીરોએ ફિલ્મ માટે ઓછામાં ઓછું દોઢ વરસ આપવું પડશે. સુરિયા માટે એ શક્ય નહોતું. એમણે ફિલ્મ છોડી. છેક 2015માં એન્ટ્રી થઈ તામિલ સ્ટાર પૃથ્વીરાજની.

બ્લેસીને સ્ક્રિપ્ટના વિઝનને સાકાર તગડાં નાણાં જોઈતાં હતાં. એમણે ચોતરફ નજર દોડાવી. છેક પાંચેક વરસે મેળ એમ પડ્યો કે મૂળ હૈતીના અને અમેરિકામાં વસતા અભિનેતા-નિર્માતા જિમી જિન લુઈસ (જે ફિલ્મમાં ઇબ્રાહિમ બન્યા છે) સહનિર્માતા બન્યા. ફાઇનલી, ‘આદુજીવિતમ’ બનવાના સંજોગો ઉજળા થયા અને 2018માં શૂટિંગ શરૂ થયું.

શૂટિંગ આસાન નહોતું. 2018થી 2022 વચ્ચે છ શિડ્યુલ થયાં. સાઉદીની કથા છતાં ફિલ્મને સાઉદીમાં શૂટ કરવાની પરમિશન મળી નહીં. એ શૂટ થઈ કેરળ ઉપરાંત જોર્ડનના વાડી રમ અને અલ્જેરિયાના સહારા રણપ્રદેશમાં. કોવિડમાં ફિલ્મનું યુનિટ 70 દિવસ જોર્ડનમાં ફસાઈ ગયું હતું.

કથાનુસાર વાત કરીએ. સાઉદીમાં નજીબ ગુલામ છે. માલિક આરબ છે. બેઉ એકમેકની ભાષા નથી જાણતા. નવલકથામાં વાચક બેઉને સમજી શકતો કારણ બધું લખાણ મલયાલમમાં હતું. ફિલ્મમાં નજીબ મલયાલમ તો માલિક અરેબિક બોલે છે. બ્લેસી કહે છે, “મારે દર્શકને નજીબની એ પીડાનો અનુભવ કરાવવો હતો જે ભાષાની મર્યાદાને લીધે એણે સહન કર્યો હતો.” દર્શક એ પીડા અક્ષરશઃ અનુભવે છે. નવલકથામાં નજીબની મનઃસ્થિતિ વર્ણવતી અનેક એકોક્તિઓ છે. ફિલ્મમાં નજીબ સ્વગત બબડે એ બ્લેસીને મંજૂર નહોતું. એમણે આ કામ સિદ્ધ કર્યું નજીબને મૂક રાખીને, પશુઓ અને અમુક ભાગમાં અન્ય એક હિન્દીભાષી પાત્ર (જે પૂર્વાર્ધમાં જ મૃત્યુ પામે છે) સાથે તૂટીફૂટી વાતો કરતો બતાવીને.

નજીબનું પાત્ર પશુઓથી ઘેરાયેલું છે. માણસ રાત-દિવસ પશુઓથી ઘેરાયેલો હોય તો એ કેવું વર્તે? પૃથ્વીરાજે એ સમજવા ત્રણ વરસ માણસો સાથેનો વહેવાર ઓછો કરીને પશુઓ સાથે ખાસ્સો સમય વિતાવ્યો હતો. ફિલ્મની વાર્તામાં લાંબો સમયગાળો છે. પૂર્વાર્ધમાં નજીબ યૌવન છલકતો છે. ઉત્તરાર્ધમાં એ કુપોષણથી પીડાય છે. પૃથ્વીરાજે બેઉ નજીબને સાકાર કરવા પ્રોસ્થેટિક્સ કે કેમેરા ટ્રીકનો સહારો નથી લીધો. એણે એ માટે વજન વધારીને 98 અને ઘટાડીને 67 કિલો કર્યું હતું. સાથે પોતાના શરીરનો પણ ખો વાળી નાખ્યો હતો. એમાં એમના સ્વાસ્થ્યનો ખો નીકળ્યો હતો. તેથી, શૂટિંગ વખતે એમની આંખ સામે અંધારાં છવાયાના કિસ્સા થયા હતા. ઉત્તરાર્ધના શૂટિંગમાં તેથી જ સેટ પર સતત ડોક્ટર રહેતો હતો. ક્લાઇમેક્સનાં જેલનાં દ્રશ્યો બાદ કરતાં રિયલ લોકેશન્સ પર શૂટ થયેલી આ ફિલ્મના મેકિંગના આવા ઘણા કિસ્સા છે.

કાસ્ટિંગ પણ ખાસ છે. પૃથ્વીરાજ પછી ફિલ્મમાં અમલા છેક 2018માં, શૂટિંગ શરૂ થયાના જસ્ટ પહેલાં સૈનુ તરીકે ફાઇનલ થઈ. જિમી પછી ફિલ્મમાં ઓમાની અભિનેતા તાલિબ અલ બલુશી નજીબના અરબી માલિક તરીકે ઉમેરાયો. સુદાનીઝ અભિનેતા રિક એબી જેસરના પાત્રમાં ઉમેરાયો. ઓરિજનલી 150 દિવસમાં જેનું શૂટિંગ પતાવવાની બ્લેસીની ઇચ્છા હતી એવી આ ફિલ્મ શૂટિંગમાંથી પરવારી ત્યારે ચારેક વરસ અને રૂ. 82 કરોડ ખર્ચીને.

આ વરસે 28 માર્ચે ‘આદુજીવિતમ’ રિલીઝ થઈ. એણે બોક્સ ઓફિસ પર રૂ. 160 કરોડનો જબરદસ્ત વેપાર કર્યો. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એ અસાધારણ બાબત છે. ફિલ્મ રીતસર જકડી રાખે છે. નજીબના કેરળના જીવનવાળો ભાગ કદાચ થોડો એવરેજ પણ વાર્તા માટે અનિવાર્ય છે. આખી ફિલ્મ, નજીબના સાઉદીના એરપોર્ટ પહોંચવાથી લઈને અંત સુધી, વગર ઝાઝા સંવાદ, બિનજરૂરી ડ્રામા, નજીબના દર્દ-સંઘર્ષને ઝીલતી અને ઝીલાવતી અસ્ખલિતપણે વહે છે. પ્રારંભિક સંઘર્ષમાં નજીબ પાણી-ભોજનને તલસે છે. હિન્દીભાષી સાથીના અવસાન પછી એ પશુઓ સાથે તાદાત્મ્ય સાધવા અને લાચારી સ્વીકારવા મથે છે. પછી પલાયન થવાનો માર્ગ-વિકલ્પ શોધવા તરફડિયાં મારે છે. નાસવાની તક મળ્યે એ, હાકીમ અને ઇબ્રાહિમ અફાટ રણપ્રદેશમાં દિશાવિહીન રઝળપાટનો ભોગ બને છે. છેવટે એકલો નજીબ હાઇવે પહોંચીને પણ ભોગ બની જાય છે સાઉદીની જેલનો.

ફિલ્મ અભિનય અને ટેક્નિકલ મોરચે પણ સુપિરિયર છે. પૃથ્વીરાજનો અભિનય એવોર્ડ લાયક છે. અન્ય પાત્રો ભલે બહુ અગત્યનાં નથી પણ સૌનું કામ દમદાર છે. સુનીલ કે. એસ.ની સિનેમેટોગ્રાફી, શ્રીકર પ્રસાદનું એડિટિંગ, એ. આર. રહેમાનનું સંગીત પણ ફિલ્મને નિખારે છે. આ લખનારે નેટફ્લિક્સ પર ‘આદુજીવિતમ’ જોઈ ત્યારે હિન્દીમાં નહોતી આવી. તમે આ વાંચતા હશો ત્યારે કદાચ આવી ગઈ હોય. જે હોય તે, મલયાલમ વિથ સબટાઇટલ્સ કે હિન્દી ડબ્ડ વર્ઝન, ‘આદુજીવિતમ’ તો જોવી જ પડે, બૉસ.

નવું શું છે?

  • 24 મેના થિયેટરમાં રિલીઝ થયેલી મનોજ બાજપેયીની ‘ભૈયાજી’ ઓટીટી પર આવી રહી છે. ફિલ્મ સાવ નિષ્ફળ હતી. 26 જુલાઈ એટલે કે આજથી ઝીફાઇવ પર એે જોઈ શકાય છે. એના ચાહકો નોંધ લઈ શકે છે.
  • ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગૌર અને વર્ધન પુરીને ચમકાવતી ‘બ્લડી ઇશ્ક’ આજથી ડિઝની+હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે વિક્મ ભટ્ટ.
  • કમલ હાસનની 1996ની ‘ઇન્ડિયન’ની સિક્વલ ‘ઇન્ડિયન 2’ બારમી જુલાઈએ આવી હતી. તામિલ છોડીને અન્ય ભાષામાં એ પાણીમાં બેસી ગઈ. જોવી હોય તો ઓટીટી પર બીજી ઓગસ્ટથી જોઈ શકશો. પ્લેટફોર્મ છે નેટફ્લિક્સ.
  • ‘એલિટ’ પરથી આપણે ત્યાં બનેલી સિરીઝ ‘ક્લાસ’ સાધારણ હતી. મૂળ સ્પેનિશ ભાષાની સિરીઝ જોકે સુપર છે. એની આઠમી સિરીઝ નેટફ્લિક્સ પર આજથી આવી છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 26 જુલાઈ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Share: