આખી દુનિયામાં રિલીઝ થતી ફિલ્મો, વેબ સિરીઝ, ટીવી શોઝમાંથી જોવા જેવું શું અને અવગણવા જેવું શું? એ જાણવા માટે કરોડો લોકો આધાર રાખે છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ રેટિંગ સિસ્ટમ પર. એમાં શિરમોર બની ગયું છે આઈએમડીબી એટલે ઇન્ટરનેટ ડેટાબેઝનું રેટિંગ. આમ તો એ ખાનગી કંપની અને માલિકી છે એમેઝોનની. એમાં અપાતું રેટિંગ લોકો થકી બને છે. જાણીએ એ રેટિંગ વિશે થોડું વિગતવાર.

આઇડીબી રેટિંગ સિસ્ટમને લગભગ બધે માન્યતા પ્રાપ્ત છે. એમાં ઓડિયો વિઝ્યુઅલ ફોરમેટમાં રિલીઝ થતા મનોરંજક કાર્યક્રમોને રેટિંગ અપાય છેે. સાથે જોઈ શકાય છે મેકર્સની તમામ વિગતો, જાણી-અજાણી વાતો, નિહાળી શકાય છે તસવીરો, ટ્રેલર્સ વગેરે પણ. સાથે, કલાકાર-કસબીઓની લાઇફમાં રસ પડે તો એમની પ્રોફાઇલ, એમણે કારકિર્દીમાં શું કર્યું એની વિગતો પણ આઈએમડીબી ધરાવે છે.

આ વેબસાઇટ પર ઉપલબ્ધ રેટિંગ સિસ્ટમમાં દરેક શો-ફિલ્મને એકથી દસનું રેટિંગ મળે છે. આ રેટિંગ જેમ જેમ લોકો મત આપતા જાય એમ એમ રેટિંગમાં ફેરફાર પણ થતો જાય. ક્યારેક રેટિંગ ઉપર તો ક્યારેક નીચે જાય. અઢળક દર્શકો આ રેટિંગના આધારે શું જોવું એ ઠરાવે છે. શું ના જોવું એ પણ.

કારણ કે એમાં દર્શકો અને વ્યાવસાયિકોનાં મંતવ્યો બેઉનું કોમ્બિનેશન છે, એટલે આ રેટિંગ ઘણુંખરું વિશ્વસનીય ગણાય છે.

આ ડેટાબેઝનો ઇતિહાસ પણ ખાસ્સો જૂનો છે. આપણે ત્યાં હજી તો સેટેલાઇટ ટીવીનું પણ સરખું પગરણ થયું નહોતું ત્યારે એની શરૂઆત થઈ હતી ઓક્ટોબર 1990માં. અમેરિકાના બ્રિસ્ટોલના એક સોફ્ટવેર એન્જિનિયરે એના દોસ્ત કર્નલ નીધમ સાથે મળીને એક સોફ્ટવેર બનાવ્યું હતું. એ સોફ્ટવેર આગળ જતા બન્યું આઈએમડીબી. શરૂઆતમાં એ એક બુલેટિન બોર્ડ જેવું કામ કરતું હતું. ધીમેધીમે થયો વિકાસ. એમાં લોકો માહિતી મૂકતા જાય અને એમ કામ વધ્યું આગળ. કહો કે જે રીતે વિકિપીડિયા લોકો થકી માહિતીનો અકલ્પનીય મહાસાગર બન્યો છે એમ, એક સમયે લોકોએ આઈએમડીબીના વિકાસમાં ફાળો આપ્યો. આજે પણ સામાન્ય માણસ આ રેટિંગની વેબસાઇટ પર ફાળો આપી શકે છે. 1998માં એમેઝોને એને ખરીદીને એનું વ્યવસાયિકરણ કર્યું. આજે તો એવું છે કે આ કંપની મનોરંજન જગતની એ ટુ ઝેડ માહિતી માટેનો એક સૌથી વિશ્વસનીય સ્ત્રોત ગણાય છે. આ વિશ્વસનિયતા એને મળી કારણ એમાં દર્શકોનો મત સર્વોપરી ગણાય છે.

આ સિવાય અન્ય કંપનીઓ પણ છે જે મનોરંજક શોઝને આ પ્રમાણે જ રેટિંગ આપે છે. એમાંથી જે જાણીતી છે એ કંપનીઓમાં રોટન ટોમેટોઝ, મેટાક્રિટિક અને લેટરબોક્સડી વગેરેનાં નામ લઈ શકાય. આ કંપનીઓ પોતપોતાની આગવી રીત ધરાવે છે. રોટેન ટોમેટોઝ ફિલ્મ વિવેચકોની સમીક્ષાઓનું સંકલન કરે છે. એના આધારે એ કોઈક શો કે ફિલ્મને તાજી કે વાસી એમ કરાર આપે છે. મેટાક્રિટિક 100માંથી સ્કોર આપીને મૂલ્યાંકન કરે છે. લેટરબોક્સડી, ફિલ્મના ચાહકો અને બ્લોગર્સને વધુ સામાજિક પ્રતિક્રિયા કરવાની તક પૂરી પાડે છે.

રેટિંગ સિસ્ટમના ઘણા લાભ થયા છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવા પૈસા અને સમય ખર્ચીએ કે નહીં, ઘેરબેઠા પણ, ઓટીટી પર રિલીઝ થયેલો કોઈક શો જોવામાં પડવું કે નહીં એ અસંખ્ય લોકો આ બધાં રેટિંગ્સને આધારે નક્કી કરે છે. જે રીતે, મોટા પડદે આવતી ફિલ્મને વિવેચકો રેટિંગ આપે, ફિલ્મને મળેલા સ્ટાર્સના આધારે દર્શકો ફિલ્મ જોવા લલચાય, એવો જ આ કંઈક મામલો છે. જોકે હવે વિવેચકો પર દર્શકો ઝાઝો ભરોસો નથી કરતા. એક સમયે આવતા નિષ્પક્ષ અને સાચા રિવ્યુઝ આજે દોહ્યલા થઈ ગયા છે. દર્શક કોઈક વેબસાઇટ કે પ્રકાશનના રિવ્યુને આધારે ફિલ્મ જોવા પહોંચી ગયા પછી ઘણીવાર છેતરાઈ ગયાની લાગણી અનુભવે છે કારણ હવે બહુ ઓછા વિવેચકો ઇમાનદાર રહ્યા છે. ખેર.

આપણે ત્યાં ઓટીટી પ્લેટફોર્મ્સનો ધડાધડ વિકાસ થયા પછી ઇન્ટરનેટના રેટિંગ્સ પણ લોકપ્રિય થયા છે. આપણી ફિલ્મો-સિરીઝ વગેરેમાંથી પણ શું જોવું એ ઠરાવવા ઓનલાઇન રેટિંગ સિસ્ટમ્સ પ્રમાણમાં ભરોસેમંદ સોર્સ છે. વળી, દરેક ભાષામાં બનતી ફિલ્મો, સિરીઝ, ટીવી સિરિયલ્સ, લગભગ બધાંનું રેટિંગ ઓનલાઇન મળી રહે છે. આપણી અમુક દેશી કંપનીઓ પણ શોઝ-ફિલ્મોને પોતાની રીતે રેટિંગ આપે છે. જેમ કે જસ્ટવોચ. એના પરથી એ પણ જાણી શકાય છે કે કયો શો કે કઈ ફિલ્મ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. આ કંપની યુઝર્સનાં મંતવ્યોને આધારે રેટિંગ્સ અને ભલામણો આપે છે. એ સિવાય બુકમાયશો જેવી કંપનીઓ પરથી ખાસ કરીને ફિલ્મોનું રેટિંગ જાણી શકાય છે.

સારું કે નરસું મનોરંજન કયું એ જાણવા ઘણા જણ ટ્વિટર ઉર્ફે એક્સ, યુટ્યુબ સહિત સોશિયલ મીડિયા પરથી પણ લોકોનો પ્રતિસાદ જાણતા હોય છે. જોકે એમાં વ્યક્તિગત અભિપ્રાય વધુ મળે છે, સામુહિક નહીં.

આ છે અમુક ફાંકડાં રેટિંગ્સવાળા મનોરંજન

 

બ્રેકિંગ બૅડઃ છેક 2008થી ચાલી આવતી આ અમેરિકન સિરીઝ આખી દુનિયામાં ગાજી છે. દરેક વયજૂથના લોકોને એ ગમી છે. પાંચ સીઝન સાથે એના 62 એપિસોડ્સ થઈ ગયા છે. આઈએમડીબી પર એનું રેટિંગ સાડાનવ જેવું ઇમ્પ્રેસિવ છે.

ચેર્નોબિલઃ 2019ની આ નાનકડી સિરીઝ 1986ની, ચેર્નોબિલની માનવસર્જિત દુર્ઘટના પર આધારિત છે.  એમાં પાંચ એપિસોડ્સ છે. દરેક એપિસોડ આશરે 70-70 મિનિટનો છે. એનું રેટિંગ છે નવ પોઇન્ટ ત્રણ.

ગેમ ઓફ થ્રોન્સઃ એની શરૂઆત થઈ 2011માં અને છેલ્લી સીઝન આવી 2019માં. ચેર્નોબિલ કરતાં પોઇન્ટ વન ઓછું રેટિંગ ધરાવતી આ સિરીઝની આઠ સીઝનમાં 73 એપિસોડ્સ છે. એની પ્રિક્વલ સિરીઝ હાઉસ ઓફ ધ ડ્રેગન’ 2022માં આવી. પ્રિક્વલની સળંગતામાં આવતા વરસે ‘અ નાઇટ ઓફ ધ સેવન કિંગડમ’ પણ આવશે.

ફાર્ગોઃ આઠ પોઇન્ટ નવનું રેટિંગ ધરાવતી બ્લેક કોમેડી ડ્રામા છે. 1996માં આવેલી આ નામની જ એક ફિલ્મ પરથી એનું સર્જન થયું છે. 2014માં પહેલી સીઝનથી આજ સુધીમાં શોની પાંચ સીઝન થઈ છે. કુલ એપિસોડ્સ છે 51.

સક્સેશનઃ આઈએમડીબી પર આઠ પોઇન્ટ આઠ અને રોટન ટોમેટોઝ પર 95% ધરાવતી આ સિરીઝ પણ બ્લેક કોમેડી છે. એની ચાર સીઝન અને એમાં 39 એપિસોડ્સ છે. છેલ્લી સીઝન 2023માં આવી હતી.

નવું શું છે?

  • ‘બેટમેન’ની પરંપરા આગળ ધપાવતી સિરીઝ ધ પેંગ્વિન 2022માં એચબીઓએ બનાવી હતી. આઠ એપિસોડવાળી આ સિરીઝ આજથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થવા માંડી છે.
  • ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની પહેલી સીઝન આ વરસે માર્ચમાં આવી હતી. એમાં હતા 13 એપિસોડ્સ. નવી સીઝન આવી રહી છે આવતીકાલથી, નેટફ્લિક્સ પર.
  • ડિરેકટર પાર્ક જિન પ્યોની સાઉથ કોરિયન ટેલિવિઝન સિરીઝ ‘ધ જજ ફ્રોમ હેલ’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રવિવારે રિલીઝ થશે. દર શુક્રવારે અને શનિવારે એના નવા એપિસોડ રિલીઝ થશે. પહેલી સીઝનમાં 14 એપિસોડ હશે.
  • ‘વ્હોટ ઇઝ ધ નેકસ્ટ? ધ ફ્યુચર વિથ બિલ ગેટ્સ’ નામની અંગ્રેજી ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર આવી છે. પાંચ એપિસોડવાળી સિરીઝમાં બિલ ગેટ્સ ભવિષ્ય આગળ કેવું હશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શો ફેર પડશે, સહિતના રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 20 સપ્ટેમ્બર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/20-09-2024/6

 

Share: