ધારો કે તમારી કંપનીની અસ્ક્યામત રૂ. 22,000 કરોડ હોય, તમારી બ્રાન્ડ સો દેશમાં વેચાતી હોય, વિશ્વભરની મહિલાઓને તેમનાં ઉત્પાદનો પોતાના મનના માણિગર જેવાં સખત પ્રિય હોય, દુનિયાભરમાં તમારાં ઉત્પાદનો વેચતા 32 લાખ સેલ્સપર્સન હોય, દર દોઢ-બે સેકન્ડે દુનિયામાં ક્યાંક તમારી બ્રાન્ડના વેચાણ માટે (એક્ઝિબિશન માટે નહીં) મોજદાર પાર્ટી થતી હોય, એમાં ધડાધડ માલ ખપતો રહેતો હોય… તમારા વેપારી સામ્રાજ્યને 78 વરસ થઈ ગયાં હોય… અને છતાં, તમારે નાદારી નોંધાવવી પડે, તમારી હાલત લાખના બાર હજાર નહીં, બે-પાંચસો જેવી થઈ જાય તો કેવું લાગે?

આવું જેની સાથે થયું છે એ કંપની એટલે ટપરવેર. 

એક સમયે જેમ સાબુ એટલે લાઇફબોય, ટૂથપેસ્ટ એટલે કોલગેટ, ફોટોકોપી એટલે ઝેરોક્સ… એવું જ ટપરવેરનું હતું. ટપરવેર એટલે રંગબેરંગી, દેખાવડાં અને ટકાઉ પ્લાસ્ટિક કન્ટેનર્સની દુનિયા. 1946માં અર્લ ટપર નામના અમેરિકન શખસે એના શ્રીગણેશ કર્યા હતા. 

પછી ગુણવત્તાના, નાવીન્યના, વેચાણની ફ્રેશ સ્ટ્રેટેજીના જોરે, કંપનીએ હરણફાળો ભરી. 1970-90 વચ્ચે ટપરવેર પ્રોડક્ટ્સ સો દેશમાં વેચાતી. 2008માં એ ‘મોસ્ટ ફેવર્ડ બ્રાન્ડ બાય વિમેન’ – સ્ત્રીઓની સૌથી માનીતી બ્રાન્ડ હતી. 2010માં હોમ ઇક્વિપમેન્ટ અને ફર્નિશિંગની શ્રેણીમાં કંપની,  ફોર્ચ્યુનની યાદીમાં બીજા સ્થાને હતી.

Tupperware

વિચારો, દુનિયામાં સૌથી વધુ ‘કર્મચારીઓ’ કંપની પાસે હતા. એ પણ પગાર પર નહીં, માત્ર વેચાણ કરીને મળતાં કમિશન પર. કેટલા હતા એના સેલ્સપર્સન્સ? આશરે 32 લાખ. દુનિયામાં સૌથી વધુ કર્મચારીઓ આપણા સંરક્ષણ મંત્રાલયમાં છે. સંખ્યા છે ત્રણ લાખથી ઓછી. ખાનગી કંપનીઓમાં વોલમાર્ટ નંબર વન પર છે. એના કર્મચારીઓની સંખ્યા છે 2.30 લાખ. આ તમામને કંપની પગાર આપે છે. એની સામે ટપરવેરનું અબજોનું સામ્રાજ્ય ચલાવતા પગારદાર માત્ર સાડાપાંચ હજાર હતા. 

ટપરવેર માટે બધું સોનેરી હતું. ખાટલે મોટી ખોડ પણ હતી. એને કંપનીએ પિછાણી મોડી. એટલી મોડી કે પ્રતિસ્પર્ધીઓએ ફેંકેલા પડકાર અને પછી કોવિડે કરેલા કારમા ઘામાં ટપરવેરનો કચ્ચરઘાણ એવો નીકળી ગયો કે બધું વેરણછેરણ થઈ ગયું. ખતમ થઈ ગયું. કઈ હતી એ ખોડ?

એક દાયકો, અગણિત આફતોઃ 2013માં ટપરવેરની વેલ્યુએશન ઓલમોસ્ટ છ અબજ અમેરિકન ડોલર હતી. એટલે રૂ. 5,04,48,87,00,000. એટલે રૂ. 50,000 કરોડ પ્લસ. અને 2024માં, હાલમાં જ, આખેઆખી કંપનીની કિંમત થઈ 7,23,10,28,848. એટલે 723 કરોડ માત્ર. એમાંથી પણ ખરેખર તો માત્ર રૂ. 198 કરોડ રોકડા આવ્યા. બાકીના રૂપિયા તો દેવું ઉતારવાના રૂપમાં મળ્યા અને ગયા. 

બિઝનેસમાં એક શબ્દપ્રયોગ છે ફર્સ્ટ મુવર એડવાન્ટેજ. કોઈએ જોઈ, જાણી, વિચારી ના હોય એવી કોઈક પ્રોડક્ટ કે સર્વિસ લાવીને જેને અમાપ સફળતા મળે એમને ફર્સ્ટ મુવર એડવાન્ટેજ મળ્યો કહેવાય. ટપરવેરને પર એની દાયકાઓ સુધી કૃપા રહી. પછી આવ્યા પ્રતિસ્પર્ધીઓ. ટપરવેર જેવાં જ ઉત્પાદનો બનાવતી કંપનીઓ એની સામે ડોળા કચકચાવતી પડકાર ફેંકવા માંડી. એ સમયે ટપરવેરે સાવચેત થવાનું હતું પણ ના થઈ. એણે ડિરેક્ટ સેલ્સ અને મલ્ટીલેવલ માર્કેટિંગથી આગળ વેચાણના પરંપરાગત માર્ગ અપનાવવાની જરૂર હતી. એ પણ ના અપનાવ્યા. 

એમાં ને એમાં, ટપરવેર સામે કલ કે છોકરે જેવી કંપનીઓ રેસમાં આગળ નીકળી જવા માંડી. એકાદે વળી પ્લાસ્ટિક કન્ટેનર્સની ટપરવેર ક્રાંતિને કાચના કન્ટેનર્સમાં પણ કરી બતાવી. ટપરવેરની અમુક અગ્રણી સ્પર્ધક કંપનીઓ, રબરમેઇડ, પાયરેક્સ, ઓક્સો અને લૉક એન્ડ લૉક, આજે હરણફાળ ભરી રહી છે પણ એમની પ્રેરણામૂર્તિ કંપની પતી ગઈ છે.

ટપરવેરની મુશ્કેલીઓ રાતોરાત નહોતી આવી. નહીંનહીં તોય એકાદ દાયકાથી વેપાર વિશ્વનાં ખાં આવનારી આફત જોઈ રહ્યા હતા. એ આફતો બસ ટપરવેરને નહીં દેખાઈ. બાકી હતું એમ કોવિડે દુનિયા એવી ઉપરતળે કરી કે ના પૂછો વાત. કોવિડ પછી દુનિયા ધીમેધીમે પૂર્વવત્ થઈ શકી પણ લોકોની બદલાયેલી માનસિકતા, લાઇફસ્ટાઇલમાં આવેલા ચેન્જીસ અને સામે આવીને તગતગતા નવા પડકારોને ટપરવેર સમજે એ પહેલાં તો… પૂરું.  

આમાંથી શીખવાનું એટલું કે દુનિયામાં પરિવર્તન જ શાશ્વત છે. જિંદગી કાંઈ રામાયણ, મહાભારત કે ગીતા નથી જે અફર અને શાશ્વત હોય. જિંદગી સાથે સફળ અને સંતોષભર્યો પનારો પાડવા માટે સો વાતની એક વાત જેવી વાત આ છેઃ સમય સાથે બદલાવ બાકી સમય તમને ઉઠાવીને ફેંકી દેશે, હાંસિયામાં ધકેલી દેશે. 

એ જરૂરી નથી કે તમારી શરૂઆત કેવી હતી. એ પણ જરૂરી નથી કે તમે વ્યાવસાયિક સફરમાં ક્યારે અને ક્યાં, કેટલાં અને કેવાંક સીમાચિહ્નો સ્થાપ્યાં. જ થઈ ગયું એ થઈ ગયું. એ તો અસ્ત થયેલો સૂર્ય. એનાથી દિવસ ના નભે. દિવસ નભાવવા તો નવાં સીમાચિહ્નો કમાવા પડે. નવો સંઘર્ષ કરવો પડે. ગઈકાલની સિદ્ધિના તોર પર આજે ચાલી જશે એવો ભ્રમ જતો કરવો પડે. તમે ગ્રેટ હતા એ તમે સિદ્ધ કર્યું અને લોકોએ સરાહના પણ કરી. ત્યાં વાત પૂરી થઈ એમ ગણીને નવા સૂર્યોદયે, નવા જોશ, વિઝન સાથે જો જીવન નહીં જીવો તો કર્યું કારવ્યું ધૂળમાં છે, બોસ. 

ભગવાન કોઈનું ટપરવેર ના કરે… 

Share: