વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટની ફિલ્મ ‘વિજય 69’ નેટફ્લિક્સ પર આવી છે. એનાં એનિમેશનવાળાં પોસ્ટર્સ બધે લાગ્યાં છે. લીડ રોલમાં અનુપમ ખેર છે. તેઓ ભજવે છે વિજય મેથ્યુનું પાત્ર.
વિજય ભૂતપૂર્વ સ્વિમિંગ ચેમ્પિયન છે. આજે 69 વર્ષની ઉંમરે સમાજ એને એક બુઢ્ઢા તરીકે જુએ છે. વિજય કશુંક કરી બતાવીને પોતાનું નામ ઇતિહાસમાં અંકિત કરવા ચાહે છે. ફિલ્મની શરૂઆત એક હળવા દ્રશ્ય સાથે થાય છે. એમાં પરિવારજનો અને ફલી (ચંકી પાંડે) સહિત મિત્રોએ વિજયને મૃત જાણી એની અંતિમક્રિયાની તૈયારી કરી દીધી છે. વિજય છેલ્લે દરિયાકિનારે, એની પાળ પરથી પાણીમાં ઝંપલાવતો દેખાયો હતો.
હશે. વિજય હેમખેમ આવે છે. ત્યાં ટ્રાઇથલોન સ્પર્ધાની જાણ થાય છે. એમાં સ્પર્ધકે દોઢ કિલોમીટર તરણ, 40 કિલોમીટર સાઇકલિંગ અને છેલ્લે 10 કિલોમીટર દોડવાનું હોય છે. વિજયને એમાં હિસ્સો લેવો છે. સપ્રધાની આયોજક સંસ્થાને વિજય યેનકેન એ માટે મનાવવામાં સફળ થાય છે. એની કોલોનીમાં આદિત્ય (મિહિર આહુજા) નામનો 18 વરસનો યુવાન રહે છે. એ પણ સ્પર્ધામાં છે. બેમાંથી કોઈ પણ સ્પર્ધા પૂરી કરે તો કાં તો સૌથી નાના ઉંમરના કાં સૌથી મોટી ઉંમરના સ્પર્ધક તરીકે રેકોર્ડ બનવાનો છે. શરૂઆતમાં એકમેકના હરીફ તરીકે બેઉ બાથ ભીડે છે. પછી થાય છે દોસ્તી અને બેઉ બને છે એકમેકના પૂરક, માર્ગદર્શક. ટૂંકમાં, સ્પર્ધાની રસાકસી, પરિવારજનો તથા મિત્રો અને છેલ્લે, વિજય સ્પર્ધામાં ખરેખર ભાગ લઈ શકે છે કે નહીં, અને લઈ શકે છે કે તો શું થાય છે, એ છે વાર્તાનો સાર.
‘વિજય 69’ ફોર્મ્યુલા ફિલ્મ છે. નાવીન્ય એટલું કે વાત એક વૃદ્ધની છે. અનુપમ ખેરને કારણે વિજયનું પાત્ર જીવંત બન્યું છે. છતાં, દિગ્દર્શક અક્ષય રોય, જેઓ ફિલ્મના લેખક પણ છે, પટકથામાં એ જાદુ પર્યાપ્ત નથી લાવી શક્યા જે ફિલ્મને જકડી રાખનારી બનાવી શકે. ફિલ્મનાં અમુક દ્રશ્યો મજેદાર ખરાં પણ સમગ્રતયા ફિલ્મ સાધારણ રહે છે. આ પ્રકારની અનેક ફિલ્મો આવી ગઈ હોવાથી પણ સ્પર્ધકની પૂર્વતૈયારી, કોચ (વ્રજેશ હીરજી છે ખેરનો કોચ) સાથેનાં દ્રશ્યો વગેરે બધું નવું લાગતું નથી. ફિલ્મને હળવીફુલ અથવા રમૂજસભર રાખવા માટે થતો પ્રયાસ પણ એવરેજ છે.
આ પ્રકારની ફિલ્મમાં દર્શકને જકડી રાખવા જેની સૌથી વધુ જરૂર હોય એ સ્પર્ધા સાથે સંકળાયેલી દરેક વાતની રસાકસી છે. એટલું જ અગત્યનું છે, ખેલાડીના જે અન્ય સંબંધો દર્શાવાય એના સાથેનાં એનાં સમીકરણની રોચક રજૂઆત. ફિલ્મમાં એ ફોર્મ્યુલા જીવી જવાનો પ્રયાસ સતત થયો છે. વિજય અને ફલીનાં દ્રશ્યો, વિજય અને એની દીકરી (સુલગ્ન પાણિગ્રહી) અને અન્ય સાથેનાં દ્રશ્યો, વિજય અને મિહિર તથા એના પિતા (ધર્મેન્દ્ર ગોહિલ) વચ્ચેનાં દ્રશ્યો, બધું આમ તો અપેક્ષા મુજબનું છે પણ હૃદય સોંસરવું ઊતરી જતું એમાં કશું નથી.
ફિલ્મ, જો આખી જોઈ શકાય છે, તો એનું કારણ અનુપમ ખેરનો સંનિષ્ઠ અભિનય. છે. અન્યથા, ‘વિજય 69’ સ્કિપ કરી શકાય એવી ફિલ્મ જ રહે છે.
બીજી તરફ પ્રાઇમ વિડિયો પર ‘સિટાડેલ હની બની’ સિરીઝ આવી છે. રાજ અને ડીકે એના સર્જક હોવાથી એના પર ધ્યાન ખેંચાય એ સહજ છે. અમેરિકન સિરીઝ ‘સિટાડેલ’થી પ્રેરિત આ સિરીઝમાં સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવન પ્રમુખ પાત્રોમાં છે. મૂળ સિરીઝની નાદિયા (મૂળ સિરીઝમાં પ્રિયંકા ચોપરા અને અહીં કાશ્વી મઝુમદાર નામની મીઠડી છોકરી)નાં માબાપ હની (સામંથા) અને પિતા બની (વરુણ ધવન)ની કથા અહીં આકાર લે છે. વાર્તા વિવિધ શહેરોમાં આકાર લે છે. મુંબઈ, નૈનિતાલ, બેલગ્રેડ, દક્ષિણ ભારત, બુકારેસ્ટ એમાં સામેલ છે. ઘડીકમાં વાર્તા વર્તમાનમાં અને ઘડીકમાં ફ્લેશબેકમાં વહે છે. 1992થી 2000 વચ્ચેનાં વરસોની ઘટનાઓ એમાં છે. વાર્તાની રજૂઆત ખાસ્સી અટપટી છે. એને સમજવા માટે ભારે ફોકસ સાથે સિરીઝ જોવી પડે. એ પછી પણ બધેબધું સમજાશે એ નક્કી નહીં.
વાર્તા શી છે? બની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોડી ડબલ એટલે મુખ્ય કલાકારોના ડુપ્લિકેટનું કામ કરતો સ્ટંટમેન છે. હની સ્ટ્રગલિંગ એક્ટ્રેસ છે. બની એ ઉર્ફ બાબા (કે. કે. મેનન) માટે ખાનગીમાં જાસૂસ તરીકે પણ કામ કરે છે. હની પણ એની સાથે સિક્રેટ મિશનમાં જોડાય છે. હવે એમણે સહિયારા એક એવા મિશનમાં કામ કામ કરવાનું છે જેના થકી બાબા ટેક્નોલોજીના આર્માડા નામના એક સૌથી અગત્યના આવિષ્કારને વૈજ્ઞાનિકો પાસેથી પડાવવા માગે છે. બાબાની બીજી તરફ અન્ય એક ટીમ પણ છે જેનું કામ આ ટેક્નોલોજી બાબાના હાથમાં જતી રોકવાનું છે. એ લોકો સિટાડેલના એજન્ટ્સ શાન અને (સિકંદર ખેર) અને ઝૂની (સિમરન) છે. બેઉ પક્ષે થતી ખેંચતાણ અને ટેક્નોલોજી કોના હાથમાં જાય છે એ છે મુખ્ય વાત.
આખી સિરીઝ વિચિત્ર રીતે રજૂ થાય છે. હા, નાનકડી નાદિયા તરીકે કાશ્વી અને એની સાથે સામંથા, બેઉ મળીને આ અધરવાઇઝ એવરેજ સિરીઝમાં સતત પ્રાણ પૂરે છે. થ્રિલર હોવા છતાં સિરીઝ થ્રિલ સર્જવામાં મોટાભાગે નબળી પડે છે. વરુણ ધવન પૂરક પાત્ર બની રહે છે કારણ જે કાંઈ કરવાનું આવ્યું છે, એ સામંથાને ફાળે છે. અન્ય પાત્રોમાં કે. કે. મેનન, સિકંદર ખેર, સિમરન, કે.ડી તરીકે સાકિબ સલીમ, ચાકો તરીકે શિવાંકિત સિંઘ વગેરે પણ ખાસ પ્રભાવ સર્જી શકતાં નથી.
‘હની બની’ બોલિવુડ અને હોલિવુડનાં લગ્ન કરાવવાનો એક ખર્ચાળ અને મોળો પ્રયાસ છે. અમેરિકાની જાસૂસી વાર્તાઓને આપણે ત્યાં લોકભોગ્ય કરાવવાના આશયથી એ બની હશે પણ એવું કંઈ થવાનું નથી. કારણ નબળું લખાણ છે, અટપટી રજૂઆત છે, એવી બાબતો છે, જેમાં ભારતીયપણાનો અભાવ છે. જાસૂસી કથામાં શું થઈ રહ્યું છે અને કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, એ બેઉ સંતુલિત અને સ્માર્ટ રીતે દેખાડવામાં આવે તો વાત બને. અહીં એવું કશું નથી થતું. જ્યારે, જે રીતે વાર્તાને મરોડવી હોય, એમ વગર ખાસ યુક્તિ રજૂ કરી દેવાયું છે. અંડરકવર એજન્ટ્સ હોવા છતાં બેમાંથી કોઈ પક્ષના જાસૂસ જેવા લાગતા નથી.
રાજ અને ડીકેને આપણે ‘ધ ફેમિલી મેન’ સહિતની સુંદર સિરીઝ માટે ચાહતા થયા છીએ. એમની ‘ફર્ઝી’ અને પછી ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ બેઉ મનોજ બાજપાયીની સિરીઝ કરતાં ઊતરતાં કક્ષાની હતી. ‘હની બની’ એનાથી પણ ઊતરતી કક્ષાની છે. બેશક, સામંથાના ચાહકો એને આટલા મહત્વના પાત્રમાં જાનદાર અભિનય કરતી જોઈને રાજીના રેડ થશે. અન્યથા, સિરીઝ જોવાનું રહેવા દેશો તો કશું ગુમાવવાનું નથી.
નવું શું છે?
- આઝાદીના સંઘર્ષને દર્શાવતી ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ સિરીઝ આજે સોની લિવ પર આવી છે. એમાં ચિરાગ વોરા, આરિફ ઝકરિયા, લ્યુક મેકગિબની, રાજેન્દ્ર ચાવલા, ઇરા દુબે અને સિદ્ધાંત ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.
- ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન’ 12 નવેમ્બરથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. એમાં રાયન રેનોલ્ડ્સ, લેસ્લી ઉગ્ગમ્સ, હ્યુ જેકમેન, એમ્મા કોરીન, ડેફને કીન અને ચેનિંગ ટાટમ છે.
- સિરીઝ ‘પૈઠણી’ની વાર્તા એક કારીગર આસપાસ ફરે છે. એની બનાવેલી પૈઠણી સાડીઓ માટે એ પ્રખ્યાત છે. સિરીઝમાં મૃણાલ કુલકર્ણી, ઈશા સિંહ અને શિવમ ભાર્ગવ છે. આજથી એ ઝીફાઇવ પર આવી છે.
- એચબીઓનો ઓરિજિનલ શો ‘ડ્યુન: પ્રોફેસી’ 18 નવેમ્બરથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. શો અંગ્રેજી ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને મરાઠીમાં જોઈ શકાશે.
- સાઉથ ઇન્ડિયન એકટ્રેસ નયનતારાના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટરી ‘નયનતારા બિયોન્ડ ધ ફેરીટેલ’ નેટફિલ્કસ પર 18 તારીખે આવશે. એમાં નયનતારા એના પતિ વિઘ્નેશ સાથે અભિનય કરતી જોવા મળશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment