દુનિયામાં બિઝનેસનો દાદો જેફ બેઝોસ છે. એનું એક હુલામણું નામ છે ઓલિગ્રાચ. ઓલિગ્રાચી એટલે અલ્પજનાધિપત્ય. અર્થાત્ એવા મુઠ્ઠીભર વગદાર માણસો જેઓની આર્થિક તાકાત, મીડિયા, ઉદ્યોગ અને સરકારી નીતિઓ પરની અમર્યાદ તાકાતને પડકારવી લગભગ અશક્ય થઈ જાય. 1994માં એમેઝોન શરૂ કરીને બેઝોસે ખરેખર અકલ્પનીય આધિપત્ય ઊભું કર્યું છે. બેઝોસ (અને માઇક્રોસોફ્ટ અને ગૂગલના સ્થાપકો) વિશે કહેવાય છે કે એમની હથેળીમાં દુનિયા બંધ છે. બેઝોસના મામલામાં મૂળે એ શક્ય થયું ઓનલાઇન બિઝનેસથી. એ અલગ વાત કે ઓનલાઇન બિઝનેસે દુનિયાની પથારી ફેરવી નાખવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એનો વ્યવસ્થિત અંદાજ મેળવવા જોઈ લેવી ડોક્યુમેન્ટરી, ‘બાય નાઉઃ ધ શોપિંગ કોન્સ્પિરસી.’
બ્રિટિશ ફિલ્મમેકર નિક સ્ટેસીએ આ પહેલાં પણ એકએકથી ચડિયાતી વિચારોત્તેજક ડોક્યુમેન્ટરીઝ બનાવી છે. એની થોડી વાતો આ સાથે અલગથી છે. વાત કરીએ ‘બાય નાઉ’ની. લોકોને ઘેરબેઠા ખરીદી કરીને પોતાની કમાણીની, પર્યાવરણની ઘોર ખોદતા કરવાનું અક્ષમ્ય પાપ ઓનલાઇન શોપિંગ કરી રહ્યું છે. ઓનલાઇન શોપિંગને રાક્ષસી કદનું બનાવવા, લોકોને જાતજાતનાં પ્રલોભનોથી ખરીદી કરવા ઉત્તેજિત કરવા કંપનીઓ અનેક પ્રકારના તિકડમ ચલાવે છે. ડોક્યુમેન્ટરીમાં એ તિકડમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પહેલાંની દુનિયા જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવામાં માનતી હતી. એ દુનિયાનું કાસળ ઓનલાઇન શોપિંગે કાઢી નાખ્યું છે. એણે હવે કંપનીઓની નફાકારકતા વધારવા માટે શોપિંગ કરતા લોકોની દુનિયા ઊભી કરી નાખી છે. એ કેવી રીતે શક્ય થાય, એવું વિચારવાનું રહેવા દો. ડોક્યુમેન્ટરી જોશો તો કપાળ કૂટતાં કબૂલ કરવું પડશે કે હા, હું પણ આ ષડયંત્રનો ભોગ છું.
ડોક્યુમેન્ટરી જોઈને એવું શાને લાગશે?
એક વાત જણીએ. ઘાના દેશની વસ્તી ત્રણ કરોડ છે. ત્યાં દર અઠવાડિયે દોઢ કરોડ વસ્ત્રો કચરા તરીકે ઠલવાય છે. રખે માનતા કે આ કપડાં વપરાયેલાં હોય છે. ઘણાં સાવ નવાંનક્કોર, પેટી પૅક હોય છે. એ ઘાનામાં એટલે ઠલવાય છે કે કંપનીઓ એ વસ્ત્રો સસ્તામાં વેચવા કે મફતમાં ગરીબોને આપવામાં માનતી નથી. અન્ય ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં પણ કંપનીઓ આમ અનેક ઉત્પાદનો ઠાલવી નાખે છે. એમના માટે આ દેશો ‘કચરાપેટી’નું કામ કરે છે. આ કચરાપેટીઓમાં કપડાં, જૂનાં ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, પ્લાસ્ટિક કચરો… કોણ જાણે શું ને શું પધરાવવામાં આવ્યાં કરે છે. આ કચરાનો નિકાલ કરવામાં એ દેશોના નાગરિકોના સ્વાસ્થ્યનો કે ત્યાંના હવા-પાણીનો કચ્ચરઘાણ નીકળે એની કોઈ કરતાં કોઈ કંપનીને પડી નથી.
એ પછીયે અધધધ માત્રામાં ઉત્પાદનો ઓનલાઇન કંપનીઓમાં વણવેચાયેલાં રહે છે. ઘણાંની એક્સપાયરી ડેટ આવી જાય, ઘણાં ફેશનમાંથી ફેંકાઈ જાય… કરવાનું શું? સિમ્પલ છે. એમને બાળી નાખવાનાં, કાતરી નાખીને, ઢોળીને, એવું કશું પણ કરીને પછી કચરાભેગાં કરવાનાં જેથી કોઈ ગરીબ એનો ઉપયોગ ના કરી શકે.
વધુ વેચો, વધુ કચરો ઊભો કરો, વધુ ખોટું બોલો… એવા નિયમો ઓનલાઇન શોપિંગને વધારવા કંપનીઓ અનુસરે છે. વધુ વેચો એટલે શું? લોકોને જરૂર હોય કે ના હોય એમને વધુ શોપિંગ કરવા પાનો ચડાવવાનો. સેલ, ઓફર, ડિસ્કાઉન્ટ… કોઈ પણ રસ્તો અખત્યાર કરીને પણ લોકોને વારંવાર શોપિંગ કરવા પોરસ ચડાવવાનું. વધુ કચરો ઊભો કરો એટલે? ગ્રાહકે ખરીદેલી વસ્તુ જરીક જૂની થઈ કે એને એ નકામી લાગે એવી લાગણી જગાડવાની. અથવા એનું ઉત્પાદન એવી સિફતથી કરવાનું કે વસ્તુ બગડ્યે એને ફેંકીને નવી ખરીદવા સિવાય ગ્રાહક પાસે વિકલ્પ ના રહે. દુનિયામાં, દાખલા તરીકે, દરરોજ 1.30 કરોડ મોબાઇલ કચરાભેગા થાય છે. મતલબ? વરસે 4.75 કરોડ મોબાઇલ. મતલબ? પૃથ્વી પરના દર બીજા માણસે એક મોબાઇલ.
એક મુદ્દો ડોક્યુમેન્ટરીમાં ઉજાગર થાય છે પ્લાસ્ટિકના કચરાનો. પ્લાસ્ટિકનાં ઉત્પાદનો અથવા પ્રોડક્ટના પ્લાસ્ટિક પેકેજિંગ પર કંપનીઓ જાતજાતનાં નિશાન ઠપકારીને એવી છાપ ઊભી કરે છે કે એમાં વપરાયેલું પ્લાસ્ટિક રિસાયકલ થવાનું છે. એક નિશાન, દાખલા તરીકે, પીએસ-6 હોય છે. એની આસપાસ ત્રિકોણાકારમાં ગોઠવાયેલાં ત્રણ ઍરો એટલે દિશાનિર્દેશક ચિહ્ન હોય છે. એ જોઈને અબૂધ જણને થાય, “હાશ… આ વસ્તુ વાપરીશ એનાથી પ્લાસ્ટિકનો કચરો નહીં થાય, વર્લ્ડ ઇકો સિસ્ટમને નુકસાન નહીં પહોંચે.” એ અબૂધ-ડોફાને ખબર નથી કે એ નિશાનનો અર્થ છે આ પ્લાસ્ટિકને રિસાયકલ કરવું અશક્ય જેવું કામ છે અને છેલ્લે એનો અંજામ બેમાંથી એક થવાનોઃ કાં તો એને જમીનમાં દાટી દેવાશે કાં બાળી નખાશે. બેઉ છેવટે દાટ વાળશે પર્યાવરણનો. આપણામાંથી કેટલાને એની પણ ખબર છે કે રિસાયકલનાં ગમે તેટલાં બણગાં ફૂંકાય પણ ખરેખર તો જગતનું માંડ 10% પ્લાસ્ટિક રિસાયકલ થાય છે!
કંપનીઓ એમના આવાં પાપ લોકોથી છુપાડવા પર્યાવરણ બચાવવાનો ઢોંગ પણ કરતી રહે છે. એ માટે ચલાવાય છે ફેન્સી કેમ્પેઇન, જાહેરાતો વગેરે. વસ્તુઓના પેકેજિંગમાં ઠાંસીઠાંસીને વપરાય લીલો રંગ, જેથી ગ્રાહકને થાય કે નક્કી આ વસ્તુના ઉત્પાદનમાં અને એના નિકાલમાં પણ, પર્યાવરણને મિનિમમ નુકસાન હશે. એક સમયે લોકો વસ્તુ ખરીદતા, વાપરતા, એ ખટકતી તો સમારકામ કરીને ફરી વાપરતા… હવે કંપનીઓએ એવા દાવ પાડે છે કે વસ્તુનું સમારકામ થઈ જ ન શકે. ખતમ કરો કટકટ. એકવાર વસ્તુ બગડી કે એને કચરામાં પધરાવ્યે છૂટકો. આ મુદ્દે અમેરિકા-યુરોપમાં જાગૃતોએ એવો બવાલ મચાવ્યો છે કે ના પૂછો વાત. છતાં, કંપનીઓ કાયદા અને લોકોની લાગણી બેઉનો તોડ કાઢીને મનમાની કર્યે જાય છે, કર્યે જાય છે…
તમારામાંના ગ્રાહકને ગુનેગાર હોવાની લાગણી કરાવી શકે એવી માહિતી ‘બાય નાઉ’માં ફલિત થાય છે. સાથે ફલિત થાય છે વેપાર માટે, નફા માટે એમેઝોન સહિતની કંપનીઓની અમાનુષી નીતિઓ, વિશ્વસુરક્ષાની ઐસીતૈસી કરતી આદતો. બધાંનાં મૂળમાં ઘણેઅંશે ઓનલાઇન શોપિંગ છે. જ્યાં સુધી દુનિયા આ હદે વસ્તુની ઓશિયાળી નહોતી, જ્યાં સુધી મનગમતી (પણ વણખપતી) ચીજ આટલી આસાનીથી ક્લિક ક્લિક કરીને ખરીદી શકાતી નહોતી, જ્યારે વપરાશમાં મર્યાદાભાન હતું, ત્યારે સ્થિતિ આટલી નાજુક નહોતી.
ડોક્યુમેન્ટરીમાં એમેઝોન સહિત અગ્રણી બ્રાન્ડ્સના કર્મચારીઓની આપવીતી દર્શાવાઈ છે. એમાં એક ભારતીય પણ છે. એમાંના અમુકે માહ્યલો જાગ્યા પછી નોકરી છોડીને પર્યાવરણને, વિશ્વને ઉપયુક્ત નોકરી-વ્યવસાય કરવાનું શરૂ કર્યું છે. કોઈ સરેરાશ ફિલ્મ જોવા કરતાં એકવાર આ ડોક્યુમેન્ટરી જરૂર જોજો. બને તો પરિવાર સાથે જોજો. શક્ય છે જોયા પછી ખરીઘેલો સ્વભાવ થોડો સંયમશીલ બને અને તમારા પોતાની સાથે ધરતીનો પણ કંઈક ફાયદો થાય. ‘બાય નાઉ’ છે નેટફ્લિક્સ પર.
નવું શું છે?
- એક્શન થ્રિલર સિરીઝ ‘તનાવ ટુ’ની બીજી સીઝન સોની લિવ પર આજથી જોવા મળશે. માનવ વિજ, રજત કપૂર, ઝરીના વહાબ, રોકી રૈના, સાહિબા જેવાં કલાકારો એમાં છે.
- ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, તૃપ્તિ ડિમરી, મલ્લિકા શેરાવત, વિજય રાઝ અને અર્ચના પુરણ સિંહ છે.
- ન્યાય અને બદલાની શોધખોળ કરતી ડ્રામા સિરીઝ ‘માએરી’ ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર સચિન દરેકરની સિરીઝમાં સાંઈ દેવધર, તન્વી મુંડલે, સાગર દેશમુખ અને ચિન્મય માંડલેકર છે.
- આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના અભિનિત ‘જિગરા’ આજથી નેટફિલ્કસ પર આવી છે. 11 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
- ડિરેકટર આનંદ તિવારીની સિરીઝ ‘બન્દિશ બેન્ડિટ્સ’ની પણ નવી સીઝન આવી છે. એ જોઈ શકાશે પ્રાઇમ વિડિયો પર, 13 ડિસેમ્બરથી. ઋત્વિક ભૌમિક, શ્રેયા ચૌધરી, નસીરુદ્દીન શાહ, શીબા ચઢ્ઢા અભિનીત નવી સીઝનમાં 11 એપિસોડ્સ હશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment