આ ફિલ્મો ક્યારે આવી અને ગઈ એનો પત્તો પણ ઘણીવાર નથી હોતો. એમાં વળી એ ફિલ્મ પરભાષાની હોય ત્યારે એવું બિલકુલ થઈ શકે છે. છતાં, ઓટીટીના જમાનામાં આવું થવું જરા નવાઈભર્યું ગણાય. એવી એક ફિલ્મની વાત કરીએ. એ છે તેલુગુ મૂવી, નામ છે ‘મ્યુઝિક શોપ મૂર્તિ’. કોઈને થશે, “આ વળી કેવું નામ? ક્યારે આવી હતી આ ફિલ્મ? કોણ છે એમાં?” આ રહ્યા જવાબ.
ડિરેક્ટર સિવા પલાગુડુની આ ફિલ્મ ગયા જૂનમાં મોટા પડદે આવી હતી. એમાં અજય ઘોષ અવે ચાંદની ચૌધરી નામનાં અભિનેતાઓ પ્રમુખ ભૂમિકામાં છે. આપણે, એમ કહી શકાય કે, આ ડિરેક્ટર કે એમનાં કલાકારોથી બહુ પરિચિત નથી. વાંધો નહીં, પણ આ ફિલ્મનો પરિચય મેળવવા જેવો છે.
વિનુકોંડા નામના આંધ્ર પ્રદેશના ગામની એમાં વાત છે. વનપ્રવેશ કરી ચૂકેલો, મૂર્તિ (અજય) નામનો માણસ છે. એની મ્યુઝિક શોપ છે. એટલે, આજના જમાનામાં પણ ઓડિયો કેસેટ્સ વેચતી, બાવા આદમના જમાનાની, મ્યુઝિક શોપ છે. જમાનો બદલાયો પણ આપણા મૂર્તિભાઈ ઠેરના ઠેર છે. એમને નથી સમય સાથે તાલ મિલાવતા આવડ્યો કે નથી વેપાર બદલવો ફાવ્યો. એમાં તો એની પત્ની જયા (અમાની) ગિન્નાયેલી છે અને ભાયડા પર સતત પસ્તાળ પાડતી રહે છે, “તમારામાં તો… ”
બીજી તરફ એક શહેરી કન્યા, ડીજે અંજના (ચાંદની) ગામ આવી છે. દીકરીને ઊંચો અભ્યાસ કરાવનાર એના પિતા રામકૃષ્ણ (ભાનુ ચંદર)ને દીકરીની ડીજેગીરી બહુ કઠે છે, “આ બધું કરવા તને ભણાવીગણાવી?” એકવાર પપ્પા એવા ભડકે છે કે અંજનાનું ડીજે કોન્સોલને તોડી નાખે છે. લેતી જા. અંજના પણ જીદ્દી છે. એ નીકળી પડે છે એવા મેકેનિકની તલાશમાં જે કોન્સોલ રિપેર કરી આપે. પણ નાનકડા આ ગામમાં એનું રિપેરિંગ કરનાર તો ઠીક, એનું નામ કે કામ જાણનારાનો પણ ક્યાં મળવાનો?
ત્યાં એકવાર અંજના પહોંચે છે મૂર્તિની દુકાન સુધી. મૂર્તિ ભલે ડીજે કોન્સોલ વિશે જાણતો નથી પણ, અંજના પાસેથી ડીજે કેમ બનાય એનું જ્ઞાન મેળવવા માટે ચેલેન્જ લે છે, “હું રિપેર કરી આપીશ.” અઠ્ઠેકઠ્ઠે મૂર્તિ રિપેરિંગ શરૂ કરે છે. એ પ્રોસેસમાં એની અને અંજના વચ્ચે આત્મીયતા થાય છે. મૂર્તિને ડીજે બનવાની ઘેલછા થઈ છે એ એનું કારણ છે, “એકવાર ડીજે થાઉં તો ઘેર મ્હેણાં નહીં સાંભળવાં પડે અને પૈસાની કટકટ પણ કાયમ માટે જશે. ડીજે બની શક્યો તો મોટા શહેર જઈને એવું કામ કરીશ કે…”
મ્યુઝિક શોપ મૂર્તિ ફિલ્મનો આ થયો એક ભાગ. બીજામાં આપણા જૈફ નાયક પહોંચે છે હૈદરાબાદ. જે ઉંમરે ગામડિયાને શહેરની રેસ્ટોરાં કે પબ-ડિસ્કોમાં વેઇટર જેવાં કામ માંડ મળે એ ઉંમરે ડીજે બનવાના અભરખાથી છલોછલ મૂર્તિ સાથે શું થાય છે? પેલી પણે ગામડામાં, પરિવારમાં પણ, અંજના અને મૂર્તિના સંબંધો સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાવા માંડ્યું છે. ત્રીજી તરફ અંજના પપ્પાથી કંટાળીને ઘર છોડીને અદ્રશ્ય થઈ ગઈ છે. ચોથી તરફ યુવા અને બેહદ લોકપ્રિય પણ ઘમંડી ડીજે ડેવિલ (અમિત શર્મા), શહેરમાં મૂર્તિના સાથી બનતા મિત્રો, એને વેઇટરનું કામ આપતો પબનો માલિક વગેરે પણ છે. આ બધાં વચ્ચે મૂર્તિકાકાનું, એમના ડીજે બનવાના સપનાનું, અંજનાનું શું થાય છે, એવા પ્રશ્નો છે.
ફિલ્મ એકદમ સુંદર રીતે માણી શકાય એવી છે. વત્તા, એ પારિવારિક મનોરંજન છે. આઉટડેટેડ થઈ રહેલા વેપાર, ગામડાની સહજ જીવનશૈલી, બે ભિન્ન પ્રકૃતિનાં પાત્રો વચ્ચે થતો નાતો, શહેરમાં મૂર્તિનો સંઘર્ષ જેવી બાબતો એને રસાળ બનાવે છે. એમાં ઉમેરો કલાકારોનો અભિનય. મૂર્તિ અને અંજના તરીકે બેઉ મુખ્ય કલાકારો પાત્રોચિત તો છે જ, સાથે એવા જામે છે કે થોડી મિનિટોમાં આપણે એમની સાથે તાદાત્મ્ય અનુભવી શકીએ છીએ. માણસ ધારે તો કોઈપણ ઉંમરે મહત્વાકાંક્ષા રાખી શકે છે, એને સાકાર કરવા મથી શકે છે, એ ફિલ્મનો મેસેજ છે. માનવીય અને મજાની રીતે એને જીવવામાં આવ્યો છે.
ગીત-સંગીતના મામલે ફિલ્મ ઠીકઠીક છે. ક્યાંક લાઉડ પણ છે. અમુક દ્રશ્યો હેતુ સર કરે છે પણ બન્યાં છે એનાથી વધુ નાટ્યાત્મક કે કલ્પનાશીલ રીતે સર્જી શકાયાં હોત એવું પણ લાગે છે. એ બધી વાત પછી પણ એટલું નક્કી છે કે અન્ય ઘણી ફિલ્મો કરતાં આ ફિલ્મ ખરેખર એકવાર જોવા જેવી છે. ખાસ કરીને જેઓને સિમ્પલ, સાદી છતાં મજાની ફિલ્મ જોવામાં રસ હોય એમણે.
હજી એક વાત કરવી છે. આ ફિલ્મને વિવેચકોએ સારી એવી વખાણી હતી. ઓનલાઇન પણ એને ચાહનારા ઝાઝા છે. આઈએમડીબી પર એનું રેટિંગ 8.1 જેટલું તગડું છે.
ફિલ્મના દિગ્દર્શક સિવા પાલાગુડુની વાત કરીએ. એમની આ પહેલી ફિલ્મ છે. એમાં એમણે જે સર્જનક્ષમતા દર્શાવી છે એ એટલું ધારી લેવા પૂરતી છે કે ભવિષ્યમાં એમની પાસેથી સરસ ફિલ્મો મળવાની છે. એમની ક્રિએટિવિટીમાં માસેસ એટલે જનતા જનાર્દનને શું ગમશે એ સમજવાની પકડ છે. ક્લાસેસના બ્રેકેટમાં તેઓ કદાચ તેઓ નહીં હોય પણ કાલ કોણે દીઠી છે?
અને આ અજય ઘોષ એટલે પુષ્પાનો કોન્ડા રેડ્ડી. એમને લીડ રોલ ભજવતા જોઈને એમના પ્રેમમાં વધુ પડી જવાશે. મૂળે અજય કોમેડી પાત્રો માટે તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા છે. રંગભૂમિથી ફિલ્મો સુધીનો પ્રવાસ એમણે ખેડ્યો છે. રહી વાત અભિનેત્રી ચાંદની ચૌધરીની, તો એ પ્રમાણમાં નવી છે. એના ખાતામાં થોડીક ફિલ્મો છે. એના અભિનયમાં પણ નૈસર્ગિકતા છે.
પ્રાઇમ વિડિયો પર અવેલેબલ મ્યુઝિક શોપ મૂર્તિ માટે સમય કાઢો. હિન્દી વર્ઝન પણ અવેલેબલ છે. નિરાશ નહીં થાવ.
નવું શું છે
- અમેરિકન સુપરહીરો ફેન્ટેસી એક્શન હોરર થ્રિલર ડ્રામા ફિલ્મ ‘હેલ બોય ધ ક્રુક્ડ મેન’ લાયન્સગેટ પ્લે પર આજથી હિન્દી, તમિલ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થઈ છે.
- ‘પાવર ઓફ પાંચ’ ટીવી સિરીઝ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. આ સિરીઝમાં રીવા અરોરા, આદિત્ય રાજ, બરખા બિષ્ટ અભિનય કરતા દેખાશે.
- ડિરેકટર સુજિત સરકારની ‘આઈ વોન્ટ ટુ ટોક’ આજથી પ્રાઇમ વિડિયો પર જોઈ શકાશે.આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અહિલ્યા બમરુ અને જોની લિવર જોવા મળશે.
- હિના ખાન સ્ટારર ‘ગૃહ લક્ષ્મી’ સિરીઝ ગઈકાલથી એપિક ઓન પર આવી છે. આ સિરીઝમાં ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment