
ગામડે વસતી એકલવાયી માતા અને મુંબઈમાં મોજે રહેતા દીકરા-વહુની વાત છે દિગ્દર્શક હાર્દિક ગજ્જરની ફિલ્મ અચારી બા. હાર્દિક આ પહેલાં ટીવી સિરિયલ્સ અને ગુજરાતી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. જિયો સિનેમા માટે એમણે અમર પ્રેમ કી પ્રેમ કહાની નામે ફિલ્મ પણ ગયા વરસે કરી હતી.
અચારી બાનું સૌથી મોટું આકર્ષણ નીના ગુપ્તાનું ટાઇટલ રોલમાં હોવું છે. કારકિર્દીમાં એક અફલાતૂન દોરમાં નીના પસાર થઈ રહ્યાં છે. એમનો દર્શકવર્ગ પણ વિસ્તર્યો છે. ગુજરાતીઓ માટે બીજું આકર્ષણ એ હોઈ શકે કે ફિલ્મમાં કથા ગુજરાતી માજીની છે જેઓ રાપરમાં એકલપંડે રહેતા નાનો પણ મજાનો અથાણાંનો વેપાર ચલાવે છે. તો, કથાની વાત કરીએ.
જૈષ્ણવી ઉર્ફે મનોજ (નીના) એમની સખીઓ શારદા (વંદના પાઠક) અને રૂપા (જાગૃતિ ઠાકોર) સાથે ગુજરાતના રાપરમાં અથાણાંનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. 65 વરસની જૈષ્ણવીનો દીકરો કેતન (વત્સલ શેઠ) એની પત્ની મનોરમા (માનસી રાચ્છ) અને દીકરા કૌશલ (અપૂર્વ શર્મા) સાથે મુંબઈમાં રહે છે. એને માની પડી નથી. વરસોથી મા સાથે ફોન પર વાત સુધ્ધાં કરી નથી. એમાં એકાએક એ માને ફોન કરીને મુંબઈ બોલાવે છે અને જૈષ્ણવી રાજીની રેડ થઈ જાય છે. પણ મુંબઈ આવીને એને જાણ થાય છે કે દીકરો-વહુ અને પૌત્ર ફરવા દાર્જીલિંગ જઈ રહ્યાં છે. એમણે તો માજીનએ એટલે બોલાવી કે એ મુંબઈ ઘેર રહીને એમના પાળેલા શ્વાન જેની (બડી)ની કાળજી રાખે.
શ્વાનના નામમાત્રથી ભયભીત થઈ જતી જૈષ્ણવી માટે એમ દ્વિધા સર્જાય છે. એક તો એ લાગણીની તણાઈ, દીકરા અને ખાસ તો પૌત્ર માટે મુંબઈ આવી અને બીજું, એણે એક શ્વાન સાથે પનારો પાડવાનો છે. એ સાથે શરૂ થાય છે ઉતારચઢાવનો દોર. મુંબઈમાં રહેતાં એ શું કરે છે, અથાણાં બનાવવાના એનૈ કોશલ્યની મદદથી એ કેવી રીતે દીકરાની સોસાયટીના સભ્યો સહિત અન્યોનાં દિલ જીતે છે, એનો પ્રવાસ.
અચારી બાનો પ્લોટ મજાનો છે પણ પ્લોટ જ. એની પટકથા અને એના સંવાદો (શ્રેયસ અનિલ લોવલેકર) કથાને રસાળ બનાવવામાં ઓછાં પડે છે. જૈષ્ણવીના મુંબઈ આગમન પછી કથામાં સોસાયટીના સેક્રેટરી બ્રિજેશ (કબીર બેદી), પાડોશણ ધનશ્રી (અપૂર્વ અરોરા) જેવાં પાત્રો ઉમેરાય છે. ફિલ્મની એક નબળાઈ એનાં નબળાં પાત્રો છે. કેતનની સોસાયટી સુપર પૉશ છે પણ પાત્રો, પ્રવાહ અને વાતાવરણ એવું સર્જાયું છે જે મધ્યમવર્ગીય મુંબઈગરાઓની (લાઇક તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં) તાસીરનું છે. કેતને એની માતાને એમના માટે પ્રેમ હોવાથી નહીં પણ શ્વાન સચવાય એ માટે જ બોલાવ્યાં છે એની જાણ આખી સોસાયટીને છે. આ જરા વધુ પડતું લાગે છે. કેતન પોતાની સાથે શ્વાન કેમ લઈ નથી જતો? ભવ્ય ઘરમાં રહેવા છતાં, પૈસાની કોઈ કમી નથી છતાં, એને શ્વાન કશેક સચવાઈ જાય એવું હંગામી ઘર (શેલ્ટર) નથી મળતું એ પણ વિચિત્ર લાગે છે. સિરિયલને છાજે એવી ટ્રીટમેન્ટ અને ઇમોશન્સનો અભાવ આચારી બાને સરેરાશ ફિલ્મ બનાવે છે. ગીતોની પણ ભરમાર છે અને મોટાભાગનાં ગીતો બિનજરૂરી છે.
ટેક્નિકલી ફિલ્મ સાફસુથરી છે પણ ભવ્યતા, ડિઝાઇનર વસ્ત્રો વગેરે કથાને અનુરૂપ ઓછાં અને કૃત્રિમ બનાવનારાં વધારે છે. સારી વાતોમાં સામેલ છે નીની ગુપ્તાની હાજરી અને પોતાના પાત્રને જીવી જવાનો એમનો સંનિષ્ઠ પ્રયત્ન. કદાચ એટલે જ ફિલ્મ છેલ્લે સુધી જોવાનું થઈ શકે છે, ખાસ તો એમના ચાહકો માટે. વત્સલ શેઠ, માનસી રાચ્છનાં પાત્ર અર્ધ પકવેલાં છે. કબીર બેદીના ભાગે પણ ઠીકઠીક પાત્ર આવ્યું છે. અન્ય કલાકારોમાં ધ્યાન ખેંચે છે કનુભાઈના પાત્રમાં મૌલિક કોટક. વંદના પાઠક પૂરક છે.
2023માં તામિલમાં એક ફિલ્મ નામે અપ્પાતા આવી હતી. એના દિગ્દર્શક પ્રિયદર્શન હતા. એની કથામાં પણ મુખ્ય વાત એક વૃદ્ધા અને એક શ્વાન વચ્ચે પરિસ્થિતિવશ સર્જાતા બોન્ડિંગની હતી. આચારી બા એની રિમેક નથી પણ બેઉની કથાનો એક મુખ્ય મુદ્દો સમાન છે.
ટૂંકમાં, અચારી બા સ્વાદિષ્ટ મનોરંજન બની શકી હોત જો એમાં સબળ પટકથાથી વાર્તાને લાગણી અને સંબંધોનો સરખો વઘાર કરવામાં આવ્યો હતો. છતાં, નીના ગુપ્તાના ચાહકો એને જોઈ શકે છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
Leave a Comment