ડિજિટલ યુગ ઘણીવાર તોબા પોકારાવી દે છે, ખરેખર. જુઓ તો ખરા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો કેવો પ્રભાવ છે. મુશ્કેલી એ છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને સામાજિક જવાબદારી વચ્ચેની પાતળી રેખાને લીધે આ લોકોને ભળતી છૂટ મળી છે. એનું એક તાજું ઉદાહરણ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શોની, રણવીર અલ્લાહબાદિયાની આપત્તિજનક ટિપ્પણીઓ છે. આ શો આમ તો મેમ્બર્સ ઓન્લી (એટલે કે પૈસા ફેંકો તમાશા દેખો) ટાઇપ યુટ્યુબ શો છે. પણ એ મર્યાદાઓને ઓળંગવાના મામલે એને મેમ્બર્સ ઓન્લીનો પ્રોબ્લેમ શાનો નડવાનો? એના પાપે જ એ કુખ્યાત થઈ રહ્યો છે. શોનો સર્જક સમય રૈના છે. એના સહિત શોમાં દેખાતા અપૂર્વા મુખીજા, જસપ્રીત સિંહ, આશિષ ચાંચલાની અને, રણવીરનો બચાવ કરવા માટે આગળ આવનારી ઉર્ફી જાવેદ જેવી ડિજિટલ પર્સનાલિટીઝની હરકતોએ લોકોને હતપ્રભ કરી નાખ્યા છે. શોના નિશ્ચિત કોન્ટેન્ટથી કાનૂની ફરિયાદો સાથે અને જનતામાં વ્યાપક રોષ ફાટી નીકળ્યાં છે. અહીં મહત્ત્વનો પ્રશ્ન છેઃ ઇન્ફ્લુએન્ઝર્સના શબ્દો જનતાની લાગણીઓને ઠેસ પહોંચાડે ત્યારે આપણે બંગડી પહેરીને બેઠા રહેવાનું કે પછી ઘટતું (કે વધુ, તેજાબી પણ) કંઈક કરવાનું?
‘ઇન્ફ્લુએન્ઝર’ ક્રિએટર્સની સમસ્યા
સોશિયલ મીડિયામાં એવા ક્રિએટર્સ બિલાડીના ટોપની જેમ ઊગી નીકળ્યા છે જે સૌને ‘પ્રેરણા અને શિક્ષણ’ આપવાનો દાવો કરે છે. પરંતુ હલકી એમની કોમેન્ટ્સ આ ઓનલાઇન પર્સનાલિટીઝની પોકળતા છતી કરે છે. એમની કથની અને કરણીમાં રહેલો ફરક એ સ્પષ્ટ કરે છે. એમના વ્યક્તિત્વના તીવ્ર વિરોધાભાસ ઉઘાડા પાડે છે. પોતાને લોકપ્રિય ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર ગણાવતા રણવીરે એવી ટિપ્પણીઓ કરી જે શત પ્રતિશત સંવેદનહીન અને અયોગ્ય છે . એ પછી એણે જાહેર માફી માગતો વિડિયો બનાવ્યો પણ એનાથી શું? એના એમ કરવાથી દર્શકોનો રોષ શમ્યો નથી. આ રોષ સોશિયલ કોન્ટેન્ટ ક્રિએટર્સમાં નૈતિકતા હાવી કેટલી અનિવાર્ય છે એ વાત ઉજાગર કરે છે.
માફીથી શું થાય આવા પ્રચંડ નુકસાનમાં?
માફીના વિડિયોથી અલ્લાહબાદિયાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કર્યો છે. પણ એના શબ્દો જ પ્રતિક્રિયાની નિષ્ઠાહીનતા દર્શાવે છે. એણે કબૂલ્યું છે, “કોમેડી મારી પ્રતિભા નથી,” અને અમને ખબર છે કે તારી ટિપ્પણી કોઈ કોમેડી નહોતી, એ ભયંકર આપત્તિજનક હતી. રણવીરે સ્વીકાર્યું છે, “મારી ટિપ્પણી યોગ્ય કે મજાકસભર પણ નહોતી,” અરે, આ તો સસ્તામાં પતાવવાનો પ્રયાસ થયો. એ નિવેદન હાસ્યવિહીન તો હતું જ સાથે પોતાને બુદ્ધિશાળી, ઇન્ફ્લુએન્ઝર્સ ગણાવતા એક જણમાં ઔચિત્ય અને બુદ્ધિનો કેવો ભયંકર અભાવ છે, એનું એ પ્રતિબિંબ હતું.
ડિજિટલ યુગમાં માફી માગી લેવાથી આવા ગેરજવાબદાર વાણીપ્રભાવને રફેદફે કરી શકાય નહીં. નુકસાન તો થઈ જ ચૂક્યું છે. એના માટે રણવીર જેવાને હલકાં નિવેદનો માટે કાંઠલેથી ધરવા જ જોઈએ. એ લોકોને ખબર પડવી જ જોઈએ કે સોશિયલ મીડિયા કાયદાહીન જગ્યા નથી, કે ફોલોઅર્સ ગમે તે લાકડીએ હાંકી શકાય એવાં પશુઓ નથી. સો વાતની એક વાત, આ ક્રિએટર્સ પરિણામો ભોગવ્યા વિના સોશિયલ પ્લેટફોર્મ્સનો દુરુપયોગ કરી શકવા જોઈએ નહીં.
ક્યાં છે, કાયદાનું ત્રીજું નેત્ર?
અહીં જનતાની દુભાયેલી લાગણીઓની મુદ્દો માત્ર નથી. વાત સામાજિક દ્રષ્ટિએ અક્ષ્મ્ય અવળચંડાઈની છે. એટલે જ કાનૂની પગલાં, તપાસ અને ફેંસલો, આવશ્યક છે. અલ્લાહબાદિયા વિરુદ્ધ આસામ અને મહારાષ્ટ્રમાં ફરિયાદો થઈ જ છે. છતાં, એ તો શરૂઆત હોવી જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ્સની વૈશ્વિક પહોંચને ધ્યાનમાં લેતાં આવા લોકો સામેના કાનૂની વ્યાપને વૈશ્વિક કરવાનો સમય પાકી ગયો છે. એમ થયે જ લોકો ગેરજવાબદાર વાણીના કેટલા વીસે સો થાય છે એ સમજશે. એકવાર ખબર તો પડે કે ભલે તમે પ્રભાવશાળી કે વગદાર હોવ, પણ ભૂલનું પરિણામ ભોગવવું જ પડશે.
ઇન્ફ્લુએન્ઝર્સ સામે હવે વૈશ્વિક સ્તરે પગલાં લેવાવાં રહ્યાં. કારણ સોશિયલ મીડિયાને સરહદો નથી. જો ઇન્ફ્લુએન્સર્સ એમની લોકપ્રિયતાનો, સોશિયલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ વિશ્વભરના લોકોને પ્રભાવિત કરવા કરી શકે, તો એમની જવાબદારી અને એમના પર નિયમન પણ, રાષ્ટ્રીય સરહદોથી પર હોવાં જોઈએ. ડિજિટલ ક્રિએટર્સને નિયંત્રિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ચોકઠાની જરૂરિયાત આજે છે એવી કદાચ પહેલાં ક્યારેય નહોતી.
કરેક્ટ, ડિસરપ્ટર ઓફ ધ યર
વિવાદમાં ઉમેરો કરતી અને હવે ખેદજનક લાગતી હકીકત એ કે ભારત સરકારે ગયા વરસે જ અલ્લાહબાદિયાને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સમાં ‘ડિસરપ્ટર ઓફ ધ યર’ના ખિતાબથી નવાજ્યો હતો. આ સન્માન ડિજિટલ કન્ટેન્ટમાં શ્રેષ્ઠતાને માટેના છે. પોતાને મળેલા પ્રતિષ્ઠિત એવોર્ડને રણવીરે એક હલકા નિવેદનથી કલંકિત કરી નાખ્યો છે. જોકે સરકારે એને માથે બેસાડ્યો ત્યારે કોઈને ખબર નહોતી જ કે એક દિવસ એની વાણી કેવો કડદો વહેવાની છે. પણ એના નિવેદને મહત્ત્વપૂર્ણ મુદ્દો જરૂર ઊભો કર્યો છે: રાષ્ટ્રીય ડિજિટલ એવોર્ડ પ્રાપ્ત કરનારા માટે સ્પષ્ટ આચારસંહિતા હોઈ શકે છે. આ સન્માન મેળવનારી વ્યક્તિ, વિભૂષિત થયા પછી પણ, મર્યાદાભાન ખોઈ દે, તો એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવશે એવી એમાં જોગવાઈ થઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બેશક આ એવોર્ડ્સ સારા ઇરાદાથી શરૂ કર્યા છે. પણ આ ઘટનાએ સરકારને એના નિયમો અને સંચાલન પર પુનર્વિચાર કરવા પ્રેરવી જોઈએ. એવોર્ડની વિશ્વસનીયતા જાળવવા માટે અળવીતરા થનારા વિજેતાઓ પાસેથી એવોર્ડ પાછો ખેંચવાનો વિકલ્પ હોવો જ જોઈએ. કડક પગલા વિના તો એવી ગેરસમજણ ઘર કરી જશે કે ઇન્ફ્લુએન્સર્સ તરીકે કોઈ પણ આલિયોમાલિયો બેહુદુ વર્તીને પણ આ સર્વોચ્ચ સન્માનનું રતન આખી જિંદગી ગળામાં લટકાવીને બિનધાસ્ત હરીફરી શકે છે.
મૂક સાથીઓ, મૂક સહભાગીઓ
રણવીરની ખેદજનક ટિપ્પણી જેટલી જ અક્ષમ્ય અને નિંદનીય બાબત એની ટિપ્પણી વખતે શોમાં હાજર અન્ય લોકોની શૂન્ય પ્રતિક્રિયા હતી. અહેવાલો સૂચવે છે કે શોમાં એ સમયે ત્રીસેક જણ હતા. છતાં, એમાંના એકે પણ તત્ક્ષણ વિરોધ નહીં નોંધાવ્યો. ઊલટું, અમુક ખીખીખીખી હસ્યા હતા. આ ખીખીખીખી અને ચૂપકીદી શોમાં એ તમામની મૂક ભાગીદારીનું પ્રતીક નહીં તો બીજું શું?
અને હા, આ ઘટના માત્ર એક વ્યક્તિ વિશેની નથી. ડિજિટલ યુગની મોટી સમસ્યા તરફ પણ એ આંગળી ચીંધે છે. જ્યારે સમાજ હલકી ટિપ્પણીને સહ્ય, માન્ય (કે સેલેબલ) કોન્ટેન્ટ ગણીને નિષ્ક્રિય રહે, “આપણે એનાથી શું?” વિચારીને ચૂપ રહે, ત્યારે તેઓ કોઈનેય મનફાવે એમ મર્યાદા વળોટવાનું લાઇસન્સ આપી બેસે છે. જે લોકો આવી વર્તણૂક અને ટિપ્પણીને મૂક અનુમોદન આપે છે, પરોક્ષ પ્રોત્સાહન આપે છે, એ પણ સમાજવિરોધીઓ છે. પછી એ દર્શકો હોય, સહસર્જક હોય, ઇન્ફ્લુએન્ઝર હોય કે એનીવન એલ્સ.
વાણી સ્વાતંત્ર્ય બોડી બામણીનું ખેતર છે કે?
ભારત સહિષ્ણુતા અને વૈવિધ્યનો દેશ છે. આ ઘટનાએ આપણી વિશિષ્ટતા સામે પણ પ્રશ્ન ઊભો કર્યો છેઃ વાણી સ્વાતંત્ર્યના ઓઠા હેઠળ આપણે વધુ પડતા ઉદાર તો નથી થઈ ગયાને? જો કોઈકે ચીન, સાઉદી અરેબિયા કે અફઘાનિસ્તાન જેવા કોઈક દેશોમાં આવી જુર્રત કરી હોત તો શું થાત? દામિની ફિલ્મમાં પેલો વકીલ ગોવિંદ શ્રીવાસ્તવ કહે છે એમ, તારીખ પે તારીખને બદલે સીધા ફૈસલા, થઈ જાત. બેશક લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યને અનન્ય સ્થાન છે, રહેવું જ જોઈએ પણ એની ક્યારેક તો, ક્યાંક તો, હદ ઠરાવવી જ પડશે. મુક્ત વાણી અને ઉન્મુક્ત વાણીમાં ફરક તો રહેવો જ જોઈએ.
આવી બાબતોમાં સંતુલન આવશ્યક છે. વાત અભિપ્રાયોને પ્રતિબંધિત કરવાની નથી, જવાબદારી તય કરવાની છે. જો પ્રવર્તમાન કાયદાથી ના થઈ શકે તો એ માટે નવો કાયદો બનાવવો જોઈએ. સો વાતની એક વાતઃ ડિજિટલના પાપે વંઠેલી ઉન્મુક્ત વાણીને નિયંત્રિત કરવાનો સમય આવી ગયો છે.
ડિજિટલ મનોરંજનની નૈતિક શૂન્યતા
અલ્લાહબાદિયાનો વિવાદ તો ડિજિટલ મનોરંજનની સમસ્યાનું ઉદાહરણ માત્ર છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ જેવા શોઝ જેવા અન્ય શોઝ પણ હશે જ. આવા શોઝ એમના અયોગ્ય કોન્ટેન્ટ માટે લોકોની ખફગીનો ભોગ પણ બનતા રહ્યા હશે. કારણ દંભી ભોળપણનો ઉપયોગ કરીને, વાણી સ્વાતંત્ર્યના અંચળા હેઠળ, આવા શોઝ લાકોની લાગણીને હડફેટે લીધે રાખે છે. જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની, અપૂર્વા મખીજા (‘કલેશી ઔરત’), દીપક કલાલ, રાખી સાવંત સહિતના અનેક આ રીતે એલફેલ બોલીને, વર્તીને લોકોને દિગ્મૂઢ થવા દઈને પોતાનો રોટલો શેકી લે છે. અને આ નામો તો પાશેરાની પહેલી પૂણી છે.
એક જેના પર તવાઈ મુકાવી જોઈએ એ જણ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’નો સર્જક સમય રૈના છે. શોરનર તરીકે શોના કોન્ટેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે એ જવાબદાર છે. એટલા જ જવાબદાર નિર્માતાઓ તુષાર પૂજારી અને સૌરભ બોથરા છે. એમની વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. એક અહેવાલ મુજબ, નેશનલ કમિશન ફોર વિમેન (એનસીડબલ્યુ)એ શોના વાંધાજનક એપિસોડના તમામ સહભાગીઓની હલકી ટિપ્પણીઓ પર આપત્તિ વ્યક્ત કરતાં ગંભીર નોંધ લીધી છે.
મોટી સમસ્યા કે મનોરંજનના નામે આ લોકોએ સનસનાટીને ક્ષુલ્લક જણસ ગણી છે, બનાવી નાખી છે. સોશિયલ મીડિયાએ ડિજિટલ ક્રિએટર્સને મર્યાદાભાન વિના યેનકેન વર્તવાની છૂટ આપી છે. આવા લોકોને નૈતિક જવાબદારી વિશે સભાન કરવા રહ્યા. એનો ભંગ કરશો તો મળનારા મેથીપાકનો ડર બતાવવો રહ્યો. અન્યથા આ લોકો આવી હીન હરકતો કરવાથી વાજ નથી આવવાના.
લોકશક્તિ જાગો, આ લોકોને કરો અનફૉલો
અળવાતરીઓને સીધા કરવાની અમાપ તાકાત સામાન્ય માણસમાં છે. જનતા આ કોન્ટેન્ટ ક્રિએટર્સને માથે બેસાડે છે. બિલકુલ એ નાતે જનતાએ જ, આડા ફાટનારા ઇન્ફ્લુએન્ઝર્સને એમની જગ્યા બતાવી દેવી જોઈએ. સાબિત કરી દેવું જોઈએ કે અમને જો સારાને માથે બેસાડતા આવડે છે તો નઠારાને પછાડતા પણ આવડે છે. એવું શાને કરવું જોઈએ? કારણ મોટાભાગના ડિજિટલ ક્રિએટર્સ જ્યારે શરૂઆત કરે ત્યારે જનતાનો પ્રેમ પામવા, ફૉલોઅર્સ વધારવા કાળજી રાખે છે. ટીપેટીપે સરોવર ભરાશે એ જાણીને સતર્ક, સચેત, જવાબદાર રહે છે. એકવાર લોકપ્રિયતા મળી જાય, ધનના ઢગલા થવા માટે, વગ ઊભી થઈ જાય, પછી એમાંના અમુક પોત પ્રકાશવાનું શરૂ કરે છે. એવા વંઠેલાઓને જનતા જનાર્દન એમનું સાચું સ્થાન બતાવે એ જરૂરી છે.
એમ કરશું ત્યારે જ વંઠી જવાનો વિચાર કરનારાને વારંવાર યાદ આવ્યા કરશે કે ટીપેટીપે ભરેલા સરોવરને પલકવારમાં સુકાઈ જતું રોકવા લિમિટમાં રહેવું પડશે. જનતા જ સાબિત કરી શકે છે કે “બૂંદ ગઈ તે હોજ સે નહીં આતી”ને ખોટી કરીને, આખેઆખો હોજ ફટ દઈને સૂકોભઠ કરવાની એનામાં તાકાત છે. એ સંદેશ આપવાનો સૌથી અસરકારક રસ્તો એટલે અનફૉલોઇંગ. કરો આવા લોકોને અનફૉલો, અનસબ્સ્ક્રાઇબ. એમની સંવેદનહીનતાને સ્વીકારવાનો ચોખ્ખો નનૈયો ભણી દો. કહી દો કે કાં તારી હદમાં રહેજે કા એવો હદપાર થઈ જઈશ કે ક્યાંય દેખાઈશ નહીં. કહી દો કે ભારત હવે બોડી બામણીનું ખેતર નથી. મનોરંજન અને વાણી સ્વાતંત્ર્યના નામે હવે ગુસ્તાખીઓ સાંખી લેવામાં નહીં આવે.
જેટલી ગતિએ જનતાએ આ લોકોને ફૉલો કર્યા એનાથી વધુ ગતિએ એમને અનફૉલો કરવા જોઈએ. એમને શબ્દો ચોર્યા વિના કહી દેવું જોઈએઃ લોકોનો પ્રેમ કમાયા પછી એને મફતનો માલ સમજવાની ભૂલ ક્યારેય કરતા નહીં, ક્યારેય નહીં.