ઓટીટી પર સૌથી વધુ શું જોવાય છે? હમણાંની વાત કરીએ તો ક્રાઇમ આધારિત શોઝ, થ્રિલર્સ વગેરે. ભવિષ્યની વાત કરીએ તો એ પ્રકાર કદાચ રિયાલિટી શોઝનો હોઈ શકે છે. એવા શો જે માત્ર ઓટીટી માટે બન્યા હોય અને ઓટીટી પર જ એમનું સ્ટ્રીમિંગ થતું હોય. કમ સે કમ એવું વૈશ્વિક ટ્રેન્ડ્સ અને આપણે ત્યાં ઓટીટી રિયાલિટી શોઝની વધતી લોકપ્રિયતા જણાવે છે.
ટીવી અને ઓટીટીના રિયાલિટી શોઝમાં ફરક શો છે?
ટીવીનો રિયાલિટી શો ઇન્ટરેક્ટિવ ઓછો હોય છે. દાખલા તરીકે, ‘કૌન બનેગા કરોડપતિ’માં ઘેરબેઠા દર્શકોને સાંકળવા એકાદ સવાલ પૂછાય અને એનો જવાબ આપનારને એક અથવા બીજી રીતે ખુશ કરાય. ઓટીટીમાં સવાલ પૂછવો મામૂલી વાત છે. એમાં દર્શકને બીજી અનેક રીતે કનેક્ટ કરી શકાય છે. દાખલા તરીકે લાઇવ વોટિંગ કરી શકાય. દર્શકોની કમેન્ટ મેળવીને એમને પણ દર્શાવી શકાય. બીજું ઘણુંબઘું કરી શકાય. એટલે જ, રિયાલિટી શોઝને વધુ માફક આવતું પ્લેટફોર્મ ઓટીટીનું બનવાને રસ્તે છે. ઓટીટી પર એવા રિયાલિટી શોઝ પણ આવી શકે છે જેના માટે ટીવી કદાચ ઉપયુક્ત પ્લેટફોર્મ ના બની શકે અથવા, જેમને ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં એટલી મજા નથી. પ્રાઇમ વિડિયો પર આવેલો ઊર્ફી જાવેદવાળો રિયાલિટી શો ‘ફોલો કર લો યાર’ કદાચ ટીવી માટે બની શકત નહીં. એ પણ નવ નવ એપિસોડ્સ સાથે.
આપણે ત્યાં ‘બિગ બોસ’ની બે વર્ઝન્સ છે. એક ટીવી તો બીજી ઓટીટી માટે. જિયો સિનેમા પર હાલમાં ‘લાફ્ટર શેફ્સ’ શો આવ્યો. એણે નોંધપાત્ર સફળતા મેળવી છે. મફતમાં ઓટીટી જોવાની મેન્ટાલિટી સાથે આપણે ત્યાં પેઇડ સબસ્ક્રિપ્શન્સની બોલબાલા પણ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ્સ ગ્રાહકોને એક અથવા બીજી રીતે લલચાવી રહ્યા છે. તેઓ બીજી સર્વિસ સાથે પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન વેચીને પણ ગ્રાહકો હસ્તગત કરી રહ્યા છે. પરિણામે, આ પ્લેટફોર્મ્સ તેજીથી આગળ વધી રહ્યા છે. સાથે વધી રહ્યા છે અખતરા જેનાથી ગ્રાહકોને રાજી રાખી શકાય અને નવા ગ્રાહકો પણ નિયમિતપણે અંકિત કરી શકાય છે.