ઓટીટી પર હમણાં સુધી એક પ્લેટફોર્મ પર જોવા મળતાં લોકપ્રિય શો કે ફિલ્મો અન્ય પ્લેટફોર્મ પર જોવા મળતાં નથી. અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સ માત્ર પોતાના ગ્રાહકો, એટલે કે સબસ્ક્રાઇબર્સ માટે જે શો બનાવે એ હોય છે ઓરિજિન્લસ. આ ઓરિજિનલ્સ શબ્દ ઘણા શો-ફિલ્મની જાહેરાતમાં, એમના ટ્રેઇલર્સમાં આપણે વારંવાર જોયો છે. હવે સિચ્યુએશનમાં ધીમેધીમે પણ ફરક પડવાની શરૂઆત થવાની છે. હવે એવું બની શકે છે કે પ્રાઇમ વિડિયોનો ઓરિજિનલ શો નેટફ્લિક્સ પર અને નેટફ્લિક્સનો ઓરિજિનલ શો જિયો સિનેમા પર પણ જોઈ શકાય. એને કહેવાય સિન્ડિકેશન. ઓટીટીની દુનિયામાં હવે જે પરિવર્તન આપણે નિહાળવાના છીએ એ છે સિન્ડિકેશનનું. વિગતે સમજી લઈએ.
સિન્ડિકેશન એટલે એક શો કે ફિલ્મ કે સીરીઝને એક કરતાં વધુ પ્લેટફોર્મ પર માણવાનો વિકલ્પ મળવો. અત્યારે પણ ઘણી જૂની ફિલ્મો અને ટીવીના શોઝ, ડોક્યુમેન્ટરીઝ એક કરતાં વધુ ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જૂના કાર્યક્રમો માટે આવું કરવું વધુ સુલભ હોય છે. કારણ, એના પ્રસારણના અધિકારો થકી થનારી મોટાભાગની આવક નિર્માતાએ પહેલેથી રળી લીધી હોય છે. પછી જે બચે એ કસ કાઢવા નિર્માતા પ્રસારણના અધિકાર સસ્તામાં અનેકને આપે છે. એક્સક્લુઝિવ અને નોન એક્સક્લુઝિવ એ પ્રસારણ અધિકારોના બે મુખ્ય પ્રકાર છે. ઓટીટી પ્લેટફોર્મ્સે પોતાનો દર્શકવર્ગ ઊભો કરવા હમણાં સુધી એક્સક્લુઝિવ શોઝ અને ફિલ્મોનું નિર્માણ કરવા પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આવી ફિલ્મો અને શોઝ જ્યારે માત્ર એક પ્લેટફોર્મ પર હોય ત્યારે, ગમે તેટલી સારી ગુણવત્તા હોય તો પણ, એને દર્શકો તો માત્ર એ મળે જે સંબંધિત ઓટીટી પ્લેટફોર્મના ગ્રાહક હોય. સિન્ડિકેશનને લીધે આ મર્યાદા હટી જાય છે. એના લીધે અન્ય પ્લેટફોર્મ્સના ગ્રાહકોને પણ એ ફિલ્મો, શોઝ વગેરે જોવાનો લહાવો મળી શકે છે. એમ થવાથી નિર્માતાને રોકાણનું વધુ વળતર કમાવાની તક સાથે વધુ દર્શકો સુધી પહોંચવાની તક પણ મળે છે.