“છોટા એક રૂપૈયા યહાં કોઈ નહીં લેગા.”
“ક્યૂં નહીં ચલેગા?”
“કારન તો હમ કો ભી પતા નહીં, લેકિન પૂરે વારાણસી મેં કિસીકો ભી યે સિક્કા દેંગે તો નહીં લેગા. આપકે મુંબઈ મેં વો ચલેગા.”
વારાણસીમાં ત્રીજા દિવસની આ પહેલી પહેલી હતી. એક રૂપિયાનો નાનો સિક્કો અહીં ચાલતો નથી.
હોટેલથી નીકળીને નવદુર્ગા મંદિરે દર્શન કર્યાં પછી પહેલી ચા પીવા ઊભા રહ્યા, ત્યાં આ આવિષ્કાર થયો. દેશમાં ક્યાંક ફાટેલી નોટ ચાલે (ગુજરાતે આવી નોટો મોજથી પ્લાસ્ટિકમાં પૂરીપૂરીને વરસો ચલાવી) તો ક્યાંક ના ચાલે પાંચ રૂપિયા સુઘીની નોટ. એક રૂપિયાના નાના સિક્કાનું વારાણસીવાળું નવું આવ્યું.
ગઈકાલનો રિક્શાવાળો બાબુ આજે પણ સાથી અને સારથિ હતો. નવદુર્ગા મંદિર અને દુર્ગાકુંડ મંદિર બેઉ એક જ સ્થાનક છે. ભેલુપુર વિસ્તારમાં સ્થિત આ મંદિર વ્યસ્ત માહોલ વચ્ચે પાવનતા અનુભવાય છે. સંલગ્ન સરોવર છે. ચોતરફ પાકી દીવાલો અને જાળી સાથેના સરોવરનું પાણી પણ ચોખ્ખું.
નવદુર્ગા મંદિર
મૂળ બંગાળના નાતોરની રાણી ભવાનીએ મંદિરનું નિર્માણ અઢારમી સદીમાં કરાવ્યું હતું. દુર્ગાકુંડનો ઇતિહાસ કાશીનરેશ સુબાહુ સાથે સંકળાયેલો છે. મંદિર બહારની તકતી મુજબ સુબાહુને શશીકલા નામે દીકરી હતી. એના સ્વયંવરની તૈયારી વચ્ચે રાજકુમારીએ વનવાસી રાજકુમાર સુદર્શન સાથે વિવાહ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. રાજાએ વિવાહ કરાવી દીધાં. એનાથી ગિન્નાયેલા અન્ય રાજાઓએ સુદર્શન સાથે યુદ્ધ છેડવા ચાહ્યું. ત્યારે સુદર્શને માતાનું ધ્યાન ધર્યું. માતાએ શત્રુઓથી રક્ષા કરીને તેને વિજય અપાવ્યો. સુદર્શને માતા પાસે વરદાન માગ્યું કે તમે કાશીપુરીમાં રહીને સદૈવ રક્ષા કરો. અહીં માતા જગદંબા દુર્ગારૂપે બિરાજ્યાં.
મંદિર સંલગ્ન સરોવર એક જમાનામાં ગંગા નદી સાથે જોડાયેલું હતું. આજે નથી. મંદિરમાંની માતાજીની મૂર્તિ સ્વયંભૂ હોવાની માન્યતા છે. પરિસર નાનો છે. પ્રાચીનતા અને રચના મોહક છે. ગર્ભગૃહ આસપાસ પૂજાપાઠ કરવા માટે બેઠક છે. અમુક વિદેશીઓ પણ સાધનામાં વ્યક્ત હતા. પરિસરમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર હતું. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે થયું, “કાશીમાં એવી કઈ જગ્યા, શેરી, રસ્તો હશે જ્યાં મંદિર નહીં હોય?”
પછીનો મુકામ કાશી વિશ્વનાથ મંદિર હતો. કાશી વિશ્વનાથનાં બે મંદિર છે, એક પ્રાચીન અને બીજું નવું. પ્રાચીન મંદિરે લગભગ બે વાગ્યે પહોંચવાના હતા. બાબુ કહે, “ત્યારે મંદિર બંધ હશે.” એને ખ્યાલ નહોતો કે અમારા પર વિશ્વનાથ મહાદેવની થોડી વધારે કૃપા છે. મંદિરના કર્મચારીગણમાં મિત્ર શૈલેષ ત્રિપાઠી છે. ગઈ રાતે શૈલેષ સાથે વાત થઈ ચૂકી હતી. એણે જણાવ્યું હતું કે બપોરે આવશો તો નિરાંતે દર્શન કરાવીશ. અમારી રિક્શા પીડીઆર મૉલ સુધી ગઈ. આગળ ત્રણ પૈડાંવાળી પરંપરાગત રિક્શાને નો એન્ટ્રી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તારના સંસદસભ્ય તરીકે, કાશી વિશ્વનાથ પરિસરમાં કરાવેલા ફેરફારો પછી નિયમ અમલમાં આવ્યો છે. એકાદ કિલોમીટરનું અંતર પગપાળા કાપવાનું હતું. મજા પડી ગઈ. નવા શહેરમાં ચાવનું એટલે અનુભવવું. દુકાનો, વાહનો, વટેમાર્ગુઓ, જાતજાતની ચહલપહલ વચ્ચે નિરીક્ષણ અને આનંદના સમન્વય સાથે મંદિરના ચાર નંબર ગેટ પહોંચ્યા. શૈલેષ ત્યાં મળવાનો હતો. ગેટ પર મોબાઇલ સહિત ઇયરફોન સુધ્ધાં લૉકરમાં જમા કરાવવાનાં હતાં. જડબેસલાક સુરક્ષાના ઉપલક્ષમાં આ ગોઠવણ છે.