એક વાત નક્કી છે. અમેરિકા કે યુરોપના રાગ તાણીને એમને સૌથી પ્રગતિશાળી ગણનારા લોકોને દુબઈની ક્ષમતાનો ખ્યાલ નથી. એવું જ ચીનનું છે જેને આપણે ભાંડતા હોઈએ છીએ. ચીન વિકસિત દેશોને છક્કડ ખવડાવે એવો દેશ છે. યુએઈની પ્રગતિ મુખ્યત્વે શાસકો અને પ્રજાની જીદ અને એમની કર્તવ્યપારાયણતાથી છે. નથી એ ઉત્પાદનક્ષેત્રે અવ્વલ કે નથી એની પાસે એવા નૈસર્ગિક ખજાના જેનાથી પ્રગતિ આસાન થાય. યુએઈ પાસે સૌથી મૂલ્યવાન છે વિઝન.

ત્યાં વસતા ભારતીયોને નિવૃત્તિ પછીની સિક્યોરિટીની ચિંતા હોય છે. તેઓ જે બચત કરે એનું ભારતમાં રોકાણ કરે છે. આવક રોકાણ થઈ શકે એટલી સારી ના હોય એમના માટે નિવૃત્તિ પછી શું એ પ્રશ્ન વિકરાળ બની જાય છે. એવા ભારતીયોની સંખ્યા નાનીસૂની નથી. સામાન્ય નોકરી ધરાવતો ભારતીય ત્યાં પાંચેક હજાર દિરહામની આવકે પહોંચે તો પણ રકમ થઈ એક લાખ રૂપિયા આસપાસ. યુએઈના ખર્ચ સામે એ જબ્બર આવક નથી. એમાંથી કરકસર કરીને જે બચે એ બચે. પણ બે-અઢી અને ત્રણ હજાર દિરહામ આવક ધરાવતા ભારતીયો ઝાઝા છે.
