ઓલમોસ્ટ ત્રણ કલાકની આ મલયાલમ ફિલ્મમાં ડાયલોગ માત્ર 20%માં છે. એમાંના ઘણા અરેબિકમાં છે અને પડદે ધરાર સબટાઇટલ્સ વિના આવે છે. આ ફિલ્મ બનાવતા દિગ્દર્શક બ્લેસીને 16 વરસ લાગ્યાં. એ પણ એટલા રૂપિયામાં, જેટલા મલયાલમ ફિલ્મ બનાવવા ખર્ચવા એ તો દુઃસાહસ કહેવાય. છતાં, બ્લેસીએ ફિલ્મ બનાવીને ઝળહળતી સફળતા અંકે કરી છે. તેઓ પોતાની ફિલ્મને, ‘લાઇફ ઓફ પાઈ’ ટાઇપની, એક ઇવેન્ટ ફિલ્મ ગણાવે છે. ફિલ્મ માર્ચમાં મોટા પડદે આવી હતી. હવે તો એ મલયાલમની ઓલ ટાઇમ સૌથી ધીકતી કમાણી કરનારી ફિલ્મોમાં બીજા સ્થાને પહોંચી ચૂકી છે. ઉપરાંત દર્શકો અને વિવેચકોની અઢળક સરાહના પામી છે. એ ફિલ્મ છે ‘આદુજીવિતમ’ ઉર્ફે ‘ધ ગૉટ લાઇફ.’
2008માં આવેલી, બેન્યામિન નામના લેખકની, મલયાલમ નવલકથા પરથી ‘આદુજીવિતમ’ બની છે. કથા સત્ય ઘટના આધારિત છે. એ નજીબની અને કંઈક અંશે હાકીમની છે. કેરળથી બેઉ નોકરી માટે સાઉદી અરેબિયા જાય છે. ત્યાં નોકરી કરીને સુખી થવાને બદલે બેઉ આરબોની ગુલામીનો ભોગ બને છે. અલગ અલગ આરબ માલિકો એમને રણપ્રદેશમાં, વસાહતથી સેંકડો કિલોમીટર દૂર પશુપાલનમાં ગોંધી દે છે. એમને નથી છત, નથી આવક, નથી મળતાં પૂરતાં ખોરાક-પાણી. બેઉ વરસો અમાનુષી હાલતમાં સબડે છે. છેવટે, એકવાર નાસી જવાની તક મળતાં બેઉ ઇબ્રાહિમ નામના ભોમિચાના ભરોસે નાસે છે. હાઇવે પહોંચતા પહેલાં હાકીમ-ઇબ્રાહિમ મોતને ભેટે છે. અધમૂઓ નજીબ હાઇવે તો પહોંચે છે પણ ત્યાંથી સ્વદેશની બદલે પહોંચે છે જેલ…
સાઉદીમાં આરબોની ગુલામીનો ભોગ અનેક ભારતીયો બન્યા છે. નજીબની એવી જ કરુણકથા ધરાવતી નવલકથા ‘આદુજીવિતમ’થી બ્લેસી સુપર ઇમ્પ્રેસ્ડ હતા. બીજા એક ડિરેક્ટર, લાલ જોસ પણ એના પરથી ફિલ્મ બનાવવા ચાહતા હતા. ખેર, છેવટે સબજેક્ટ બ્લેસીને ફાળે ગયો. બ્લેસી સુપર સ્પષ્ટ હતા કે ફિલ્મ નવલકથાના વાચકની કલ્પનાઓને આંટી જાય એવી ભવ્ય હોય. એના માટે જંગી બજેટ જોઈએ જે મલયાલમ ફિલ્મ માટે મળવું અશક્ય હતું. બ્લેસીએ બજેટની ખેંચતાણ વચ્ચે 2010 આસપાસ ફિલ્મના અમુક પોર્શન કેરળ-દુબઈમાં શૂટ કર્યા. પછી, સંતોષ નહીં વળતાં બધું નાખી દીધું કચરામાં. ઇન બિટવિન, ફિલ્મમાં કામ કરવા તામિલ સુપરસ્ટાર સુરિયા તૈયાર થયા હતા. જોકે બ્લેસીની ડિમાન્ડ હતી કે હીરોએ ફિલ્મ માટે ઓછામાં ઓછું દોઢ વરસ આપવું પડશે. સુરિયા માટે એ શક્ય નહોતું. એમણે ફિલ્મ છોડી. છેક 2015માં એન્ટ્રી થઈ તામિલ સ્ટાર પૃથ્વીરાજની.
બ્લેસીને સ્ક્રિપ્ટના વિઝનને સાકાર તગડાં નાણાં જોઈતાં હતાં. એમણે ચોતરફ નજર દોડાવી. છેક પાંચેક વરસે મેળ એમ પડ્યો કે મૂળ હૈતીના અને અમેરિકામાં વસતા અભિનેતા-નિર્માતા જિમી જિન લુઈસ (જે ફિલ્મમાં ઇબ્રાહિમ બન્યા છે) સહનિર્માતા બન્યા. ફાઇનલી, ‘આદુજીવિતમ’ બનવાના સંજોગો ઉજળા થયા અને 2018માં શૂટિંગ શરૂ થયું.
શૂટિંગ આસાન નહોતું. 2018થી 2022 વચ્ચે છ શિડ્યુલ થયાં. સાઉદીની કથા છતાં ફિલ્મને સાઉદીમાં શૂટ કરવાની પરમિશન મળી નહીં. એ શૂટ થઈ કેરળ ઉપરાંત જોર્ડનના વાડી રમ અને અલ્જેરિયાના સહારા રણપ્રદેશમાં. કોવિડમાં ફિલ્મનું યુનિટ 70 દિવસ જોર્ડનમાં ફસાઈ ગયું હતું.