એક ફિલ્મ કે વેબ સિરીઝને સફળ થવાને ઘણાં પરિબળોનો સાથ મળતો હોય છે. એમાંનો એક છે વિવાદ કે હોબાળો. ક્યારેક એ આપોઆપ પ્રગટે છે તો ક્યારેક પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આવે છે
સામંતા રૂથ પ્રભુ એટલે ઓ અન્ટાવા (અરે ભાઈ, પુષ્પા… યાદ તો હશે જ) ગીતમાં ઝળકનારી અને ફેમિલી મેનમાં ચમકનારી અભિનેત્રી. એમની ઓક્ટોબરમાં રિલીઝ થનારી એક્શન થ્રિલર તેલુગુ ફિલ્મ યશોદા ઓટીટી પર આવી છે. એ ફિલ્મ પડદે આવી હતી ત્યારે એક હોસ્પિટલના સંચાલકોએ એની સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. સંચાલકોનો દાવો હતો કે ફિલ્મમાં એમની હોસ્પિટલને નકારાત્મક ચીતરવામાં આવી હતી. ઓટીટી પર ફિલ્મ આવી છે ત્યારે આ વિવાદ નવેસરથી ગાજ્યો નથી પણ, વિવાદને ક્રિએટિવિટી સાથે કાયમનો સંબંધ છે. યાદ છેને અહીં નોંધ લીધી હતી કે ફિલ્મી દુનિયામાં કાયદાકીય પળોજણો એટલી વધી છે કે હવે ફિલ્મ, વેબ સિરીઝ વગેરેના બજેટના દસ ટકા તો લીગલ બાબતોમાં સ્વાહા થઈ જાય છે.
મોટા પડદે રિલીઝ થતી ફિલ્મો અને ઓટીટી પર આવતા પ્રોગ્રામ્સ વચ્ચે નાનકડો ફરક છે. મોટા પડદે રિલીઝ થતા પહેલાં ફિલ્મ તો ઠીક, દસ સેકન્ડની જાહેરાતે પણ સેન્સરની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પછી પણ ગેરન્ટી નથી કે વિવાદ નહીં થાય. ધ કેરાલા સ્ટોરીનો દાખલો લઈ લો. એ રીતે જ કાંતારાના વરાહરૂપમ ગીતનો દાખલો પણ ખરો. સીધા ઓટીટીએ પહોંચતા શો કે ફિલ્મે સેન્સરશિપ જોવી પડતી નથી. એમાં થાય એવું કે સર્જકોએ વાંધોવચકો ઉઠાવનારાની ખફગીનો ભોગ રિલીઝ પછી બનવાનો વારો આવે.
નો સેન્સરશિપ બેધારી તલવાર છે. સર્જક એની સમજણ અને મુનસફી પ્રમાણે આગળ વધતા હોય છે. વાંધો ઉઠાવનારા અને શોધનારા એમની રીતે. 2021માં આવેલી તાંડવ બનાવતી વખતે કદાચ મેકર્સને ખ્યાલ નહીં જ હોય કે આગળ કેવીક કસોટીઓ થવાની. કદાચ એટલે કે ઘણીવાર સર્જકોને વિવાદ થઈ શકવાની કલ્પના પણ હોય જ છે. અલી અબ્બાસ ઝફરની આ સિરીઝના પહેલા એપિસોડમાં સુજ્ઞોએ એવી વાતો શોધી કાઢી જે એમના મતે શાંતિનો ભંગ કરનારી હતી. સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર જેવાં કલાકારોવાળી સિરીઝ સામે એકથી વધુ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી.