યુટ્યુબે ઓનલાઇન વિડિયોના ક્ષેત્રે ક્રાંતિ કરી ત્યારે કોણે ધાર્યું હતું કે શેરીએ શેરીએ યુટ્યુબર્સ હશે? આગળ આવું ઓટીટી પ્લેટફોર્મના મામલે પણ થઈ શકે છે. કારણ ઘણી કંપનીઓ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવા ઇચ્છનારાને ટેક્નોલોજી અને અન્ય સગવડો પૂરી પાડશે. બદલામાં તેઓ ફી રળશે અને અથવા વિડિયોથી થતી આવકમાં હિસ્સો લઈ જશે
કોઈક સાવ નવા વેપારની શરૂઆતમાં અનેક ખેલાડીઓ કૂદી પડે એમ ઓટીટી શરૂ કરવાના મામલે પણ હોડ જામી છે. વૈશ્વિક ખેલાડીઓ વચ્ચે પ્રાદેશિક ઓટીટી પ્લેટફોર્મ્સ પોતાનું સ્થાન દ્રઢ કરવા પ્રયત્નશીલ છે. નાનાં અને ઓછાં જાણીતાં ઓટીટી પ્લેટફોર્મ્સ સતત આવી રહ્યાં છે. અમુક આગળ જતાં જાણીતાં થઈ શકે છે. ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવાનું રોકાણ અને ચલાવવાનો, નવા શોઝ પીરસવાનો ખર્ચ મોટો છે. મોટા ખેલાડીઓ આ ક્ષેત્રમાં લાગતા રોકાણ, પડકારોથી વાકેફ છે. આપણે પણ વાકેફ થવાનો પ્રયત્ન કરીએ. સાથે ક્ષેત્રમાં આગળની સંભવતઃ ક્રાંતિની ચર્ચા કરીએ.
ઓટીટી શરૂ કરવું આસાન નથી. એમાં પ્રારંભિક રોકાણ કેટલું અને ટકી રહેવા માટે કેટલાં ઊંડાં ખિસ્સાં જોઈએ એ સમજવું સહેલું નથી. જોકે ટેક્નોલોજી એવી ચીજ છે જે ઘણી ઉથલપાથલ કરી શકે છે. એની શરૂઆત થઈ ચૂકી છે. ઇન્ટરનેટ પર એવી ઓફર્સ છે જેમાં દાવો કરવામાં આવે છે કે માત્ર પાંચ હજાર ડોલર એટલે રૂ. પાંચ લાખથી ઓછામાં ઓટીટી પ્લેટફોર્મ તૈયાર કરી આપશું. વાસ્તવિકતા એવી કે સારું ઓટીટી પ્લેટફોર્મ ઊભું કરવા રૂ. પચાસ લાખ પણ ઓછા પડી શકે. એ તો પ્લેટફોર્મનો ખર્ચ. પછી ચલાવવાનો ખર્ચ, સતત નવા કાર્યક્રમો પીરસવાનો ખર્ચ.
નવા શોઝ, ફિલ્મો વગેરેના નિર્માણમાં થતું રોકાણ તોસ્તાન હોય છે. પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ જેવા માંધાતાઓ સામે ઝીંક ઝીલવામાં અન્ય ઘણી મોટી કંપનીઓ પણ મૂંઝવણ અનુભવે છે. તો પછી મગતરાંઓ શું ટકે? એક સારી વેબ સિરીઝ માટે સો-દોઢસો કરોડ રૂપિયાનું રોકાણ સામાન્ય વાત છે. વરસમાં આવી છ સિરીઝ પણ બનાવાય તો રોકાણ ક્યાં પહોંચે?
નિર્માણ પછીનો પડકાર માર્કેટિંગ અને પ્રમોશનનો છે. એનો ખર્ચ પણ ગંજાવર છે. ઘણીવાર આપણને સારા શોની મોડી ખબર પડવાનું કારણ એનું નબળું માર્કેટિંગ એ પ્રમોશન હોય છે. નિર્માતાને કે પ્લેટફોર્મને ક્યારેક એવા ખર્ચની જરૂર વર્તાતી ના હોય અથવા ક્યારેક મોટો ખર્ચ કરવાની એની ત્રેવડ ના હોય ત્યારે આવું થાય છે.