કહે છે ‘પંચાયત’ સિરીઝ પહેલવહેલી વખત બની એ પછી નીના ગુપ્તાએ કહ્યું હતું, “યે ક્યા બના ડાલા? કૌન દેખેગા યે સિરીઝ?” કોરોના લૉકડાઉનના સખત સમયકાળમાં આ સિરીઝ ઓટીટી પર આવી હતી. લોકો પાસે સમયની રેલમછેલ હતી. નિરાશા, ચિંતા, ઉદ્વેગ અને અનિશ્ચિતતાથી સૌ પીડાઈ રહ્યા હતા. એમાં ‘પંચાયત’ આવી. સરળતા, ગ્રામ્યતા અને ગમતીલી નિર્દોષતાએ એને ઇન્સ્ટન્ટ હિટ બનાવી હતી. ટીવીના રિયાલિટી શોઝના, ઘણી લાઉડ ફિલ્મોના બીબાઢાળ, બેકાર હાસ્યને બદલે ‘પંચાયત’ નિર્ભેળ હાસ્ય ધરાવતી હતી. એનાં પાત્રો ફિલ્મી નહીં, એકદમ આપણી જેવા, બિલિવેબલ હતાં. સચિવ અભિષેક ત્રિપાઠી, પ્રધાન બ્રિજભૂષણ (રઘુવીર યાદવ), મંજુદેવી (નીના ગુપ્તા), સહાયક વિકાસ (ચંદન રોય) વગેરે સૌ એકદમ રિયલ લાગનારાં હતાં. ત્યારે જીતેન્દ્ર કુમારને કોઈ ઓળખતું નહોતું. એ અજાણ્યો ચહેરો હતો. પણ એના અંડરપ્લેએ, એણે લાવેલી તાજગીએ રંગ રાખ્યો. પંચાયત અકલ્પનીય હદે સફળ રહી. આ સફળતાએ નીનાને પણ સ્તબ્ધતા અને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હશે. હવે તો એ ઓટીટીની અત્યાર સુધીની એક સૌથી લોકપ્રિય સિરીઝનું સ્થાન મેળવી ચૂકી છે.
હવે આવી છે એની સીઝન ત્રણ. પહેલી સીઝન પતી રિન્કુ (સાન્વિકા)ની એન્ટ્રીના સસ્પેન્સ સાથે. બીજી પતી ઉપપ્રધાન પ્રહ્લાદ (ફૈઝલ મલિક)ના સૈનિકપુત્ર રાહુલ (શિવસ્વરૂપ પાંડે)ના અણધાર્યા અવસાનના આઘાતજનક સમાચાર સાથે. ત્રીજી સીઝનમાં શરૂ થાય છે સચિવની ટ્રાન્સફર પછીની મનઃસ્થિતિ અને એના સ્થાને ફુલેરા ગામે આગમન કરતા નવા સચિવ (વિનોદ સૂર્યવંશી) સાથે. ગામનો એક પક્ષ નવા સચિવની હકાલપટ્ટી માટે રણે ચડ્યો છે તો પ્રધાનવિરોધી ભૂષણ (દુર્ગેશ કુમાર) અને મંડળી મરણિયો થયો છે નવા સચિવને ટકાવવા અને એના થકી, વિધાયક ચંદ્રકિશોર (પંકજ ઝા)ની રહેમનજર પામવા. છેવટે જોકે પદ પર પાછો તો જૂનો સચિવ અભિષેક જ આવે છે.