આ ફિલ્મો ક્યારે આવી અને ગઈ એનો પત્તો પણ ઘણીવાર નથી હોતો. એમાં વળી એ ફિલ્મ પરભાષાની હોય ત્યારે એવું બિલકુલ થઈ શકે છે. છતાં, ઓટીટીના જમાનામાં આવું થવું જરા નવાઈભર્યું ગણાય. એવી એક ફિલ્મની વાત કરીએ. એ છે તેલુગુ મૂવી, નામ છે ‘મ્યુઝિક શોપ મૂર્તિ’. કોઈને થશે, “આ વળી કેવું નામ? ક્યારે આવી હતી આ ફિલ્મ? કોણ છે એમાં?” આ રહ્યા જવાબ.
ડિરેક્ટર સિવા પલાગુડુની આ ફિલ્મ ગયા જૂનમાં મોટા પડદે આવી હતી. એમાં અજય ઘોષ અવે ચાંદની ચૌધરી નામનાં અભિનેતાઓ પ્રમુખ ભૂમિકામાં છે. આપણે, એમ કહી શકાય કે, આ ડિરેક્ટર કે એમનાં કલાકારોથી બહુ પરિચિત નથી. વાંધો નહીં, પણ આ ફિલ્મનો પરિચય મેળવવા જેવો છે.
વિનુકોંડા નામના આંધ્ર પ્રદેશના ગામની એમાં વાત છે. વનપ્રવેશ કરી ચૂકેલો, મૂર્તિ (અજય) નામનો માણસ છે. એની મ્યુઝિક શોપ છે. એટલે, આજના જમાનામાં પણ ઓડિયો કેસેટ્સ વેચતી, બાવા આદમના જમાનાની, મ્યુઝિક શોપ છે. જમાનો બદલાયો પણ આપણા મૂર્તિભાઈ ઠેરના ઠેર છે. એમને નથી સમય સાથે તાલ મિલાવતા આવડ્યો કે નથી વેપાર બદલવો ફાવ્યો. એમાં તો એની પત્ની જયા (અમાની) ગિન્નાયેલી છે અને ભાયડા પર સતત પસ્તાળ પાડતી રહે છે, “તમારામાં તો… ”
બીજી તરફ એક શહેરી કન્યા, ડીજે અંજના (ચાંદની) ગામ આવી છે. દીકરીને ઊંચો અભ્યાસ કરાવનાર એના પિતા રામકૃષ્ણ (ભાનુ ચંદર)ને દીકરીની ડીજેગીરી બહુ કઠે છે, “આ બધું કરવા તને ભણાવીગણાવી?” એકવાર પપ્પા એવા ભડકે છે કે અંજનાનું ડીજે કોન્સોલને તોડી નાખે છે. લેતી જા. અંજના પણ જીદ્દી છે. એ નીકળી પડે છે એવા મેકેનિકની તલાશમાં જે કોન્સોલ રિપેર કરી આપે. પણ નાનકડા આ ગામમાં એનું રિપેરિંગ કરનાર તો ઠીક, એનું નામ કે કામ જાણનારાનો પણ ક્યાં મળવાનો?
ત્યાં એકવાર અંજના પહોંચે છે મૂર્તિની દુકાન સુધી. મૂર્તિ ભલે ડીજે કોન્સોલ વિશે જાણતો નથી પણ, અંજના પાસેથી ડીજે કેમ બનાય એનું જ્ઞાન મેળવવા માટે ચેલેન્જ લે છે, “હું રિપેર કરી આપીશ.” અઠ્ઠેકઠ્ઠે મૂર્તિ રિપેરિંગ શરૂ કરે છે. એ પ્રોસેસમાં એની અને અંજના વચ્ચે આત્મીયતા થાય છે. મૂર્તિને ડીજે બનવાની ઘેલછા થઈ છે એ એનું કારણ છે, “એકવાર ડીજે થાઉં તો ઘેર મ્હેણાં નહીં સાંભળવાં પડે અને પૈસાની કટકટ પણ કાયમ માટે જશે. ડીજે બની શક્યો તો મોટા શહેર જઈને એવું કામ કરીશ કે…”