ફિલ્મસ્ટાર્સે ફિલ્મો થકી મળતી લોકપ્રિયતાને કાયમ બીજા અનેક મોરચે કેશ કરી છે. મોડેલિંગ હોય કે મહેમાન તરીકે ક્યાંક અલપઝલપ હાજરી નોંધાવીને તગડી ફી વસૂલવાની વાત, ફિલ્મોની લોકપ્રિયતા કલાકારને ક્યાંય લઈ જાય છે. એટલે જ ઓટીટીના તૈયાર ભાણે પલાંઠી વાળીને જ્યાફત ઉડાવવી ફિલ્મસ્ટાર્સ માટે ડાબા હાથનો ખેલ છે
વાત કાં તો મગજમાં બેસે એવી નથી કાં પછી મગજને ચકરાવે ચડાવી દે એવી છે. ઓટીટી માટે જ બનેલી બિગ બોસની સીઝન ટુ જસ્ટ હમણાં પતી. ભાઈજાન સલમાન ખાને એને હોસ્ટ કરી. છપ્પન એપિસોડ્સ એના થયા. સત્તર જૂનથી 14 ઓગસ્ટ સુધી સિરીઝ ચાલી. એટલામાં, એટલે કે બે મહિનાથી ઓછા સમયમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહેતા સલ્લુમિયાંના ઘેર કડકડતા સાતસો કરોડ રૂપિયા પહોંચી ગયા. એક એપિસોડના રૂપિયા સાડાબાર કરોડ પ્રમાણે, છપ્પન એપિસોડ માટે.
બિગ બોસે માત્ર સલમાનને નહીં, એન્ટિલિયાવાસી મુકેશ અંબાણીને પણ બખ્ખાં કરાવી દીધા છે. ઓટીટીની દુનિયામાં એમના જિયો સિનેમાએ આની પહેલાં આઈપીએલથી તરખાટ મચાવ્યો અને હવે આ સિરીઝથી. અતિશય માથામાં વાગે એવી અને કોઈને ગમે કે ના ગમે છતાં પોતાની રીતે જ ચાલતી આ સિરીઝ દસ કરોડ લોકોએ જોઈ. આટલા બધા લોકો તો સેટેલાઇટ ટીવીની સેંકડો ચેનલ્સ પર આવતી અગણિત સિરિયલ્સમાંની અઠાણુ ટકા સિરિયલ નથી જોતા. હદ કહેવાય. મનમાં એમ થાય કે આ ક્રેઝ શાનો છે, સલમાનનો, જિયોનો, બિગ બોસનો, ઓટીટીનો કે કોનો? અને એમ પણ થાય કે ફિલ્મી સ્ટાર્સ અત્રતત્રસર્વત્રથી કમાયા પછી હવે ઓટીટી પરથી પણ મેક્ઝિમમ નાણાં ઉસેડતા રહેવાના છે?
થોડા સમય પહેલાંના અહેવાલો મુજબ ઓટીટી પરથી કમાવામાં અજય દેવગણે પણ બાજી મારી હતી. રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ સિરીઝ માટે અજયને સવાસો કરોડ રૂપિયા મળ્યા હતા. હવે આ બેઉ મહેનતાણાંની તુલના જો ઓટીટીથી જ સ્ટાર થનારા જીતેન્દ્ર કુમાર જેવા કલાકારોને મળતાં મહેનતાણાં સાથે કરવા બેસો તો ફટાક દઈને કહેવું પડે, “રહેવા દો બાપડા, એવી તુલના કરવાનો કોઈ અર્થ નથી.” જીતેન્દ્રએ ઓટીટી માટે એક એપિસોડના પચાસ હજાર રૂપિયા માત્ર, એ રીતે કામ કર્યું છે. હવે બોલો.
બોલિવુડના સ્ટાર્સને આવકના વિકલ્પોની ખરેખર કમી નથી. અભિનય કરે કે ના કરે, ફિલ્મ ચાલે કે ના ચાલે, એમની કમાણીની ગાડી પાંચમા ગિયરમાં રહે છે. મોડેલિંગ કરીને, રિબન કાપીને, મહેમાન તરીકે થોડી મિનિટો કશેક હાજરી નોંધાવીને, ઇન્સ્ટા કે ટ્વિટર ઉર્ફે એક્સ પર મેસેજ મૂકીને આ લોકો નાણાં ઉસેડતા જ રહે છે, ઉસેડતા જ રહે છે. ઓટીટી માટે એમની ઉપસ્થિતિ એક રીતે વરદાન તો બીજી રીતે શાપ છે. વરદાન એટલે કે એમના લીધે એમના ચાહકો ઓટીટી સુધી ખેંચાઈ આવે છે અને પ્લેટફોર્મસની વ્યુઅરશિપ વધવા સાથે એની પહોંચ વધે છે. શાપ એટલા માટે કે ઓટીટી પ્લેટફોર્મ્સ આડકતરી રીતે સ્ટારડમના ગુલામ થઈ રહ્યા છે અને બોલિવુડનું એના પર આધિપત્ય સ્થપાઈ રહ્યું છે.
સૈફ અલી ખાન, મનોજ બાજપાયી, બોબી દેઓલ, નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, અલી ફઝલ, સુસ્મિતા સેન, માધુરી દીક્ષિત, કાજોલ, અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શાહિદ કપૂર, શેફાલી શાહ, યામી ગૌતમ… એટલાં બધાં સિતારાઓએ ઓટીટી પર અલપઝલપ અથવા નિયમિત હાજરી નોંધાવી છે કે આખી યાદી લખવી પણ અઘરી છે. આમાંના મનોજ બાજપાયી, અલી ફઝલ, સુસ્મિતા સેન, શેફાલી શાહ અને કંઈક અંશે બોબી દેઓલ જેવાં સ્ટાર્સને અલગ તારવી લઈએ કેમ કે એમના માટે ઓટીટી ખરા અર્થમાં એક નવી શરૂઆત અને વધુ રસપ્રદ દુનિયા સાબિત થઈ છે. આ સ્ટાર્સ એવાં છે જેમને એમની ક્ષમતાનુસાર તકો આપવાનું બોલિવુડે કહો બંધ કર્યું હતું. ઓટીટી પર એમનું આગમન અને એમનું છવાઈ જવું દર્શકો માટે પણ સાનંદાશ્ચર્ય જેવી વાત રહી અને સ્ટાર્સ માટે પણ નવી ઇનિંગ્સ બની.
અજય દેવગણ, સલમાન ખાન, કાજોલ, માધુરી, શાહિદ વગેરે માટે કહી શકાય કે એમણે સ્ટારડનું સ્માર્ટ એક્સટેન્શન કર્યું છે. ફિલ્મો થકી મળેલી લોકચાહનાને એમણે વ્યવસ્થિત રીતે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રોકડી કરી છે. અલબત્ત, એવું કરવાનો એમને પૂરેપૂરો અધિકાર છે. એમને ઓટીટી પર માણવાનો એમના ચાહકોને પણ અધિકાર છે. મુશ્કેલી એટલી કે અતિસ્ટારડમથી ઓટીટી ધીમેધીમે ઘરેડનો ભોગ બની શકે છે. મુશ્કેલી એ કે ઓટીટી પર પણ બોલિવુડ જેવી ઘીસીપીટી ચીજો આવવા માંડી છે અને એની સંખ્યા હજી વધી શકે છે. મુશ્કેલી એ કે સ્ટાર્સની હાજરીને લીધે ઓટીટી પર નવોદિત અને પ્રતિભાશાળી કલાકારો માટે પોતાને સિદ્ધ અને પ્રસ્થાપિત કરવાનું કામ અઘરું થઈ શકે છે.