પડદે દેખાતાં દૃશ્યો માત્ર જોવાનાં નહીં, પણ જીવવાના અને જાતે અનુભવવાનાં થઈ જાય એ દિવસો દૂર નથી. વિડીયો ગેમમાં જેમ રમનાર ગેમમાં સર્જાયેલી દુનિયા જાતે ઘમરોળે છે એમ ઓટીટીના શોઝમાં પણ થઈ શકવાનું છે. મેચ કે મ્યુઝિક કોન્સર્ટ જોવા મોંઘી ટિકિટ લઈ સ્ટેડિયમમાં જઈ જેવો આનંદ ના માણી શકાય એવો મેટાવર્સથી ઘેરબેઠા માણી શકાશે…
ધારો કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. આપણું સ્ટેડિયમ ભલે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય, પણ છેવટે એની દર્શકો સમાવવાની એક હદ છે. મેચના મહિનાઓ પહેલાં એની ટિકિટ ચપોચપ વેચાઈ જવાથી અનેક હરખપદુડા દર્શકો બળાપો કાઢી રહ્યા છે કે હું રહી ગયો (કે રહી ગઈ)! આ દર્શકોને જો પહેલી હરોળની કે વીઆઈપી બોક્સની ટિકિટ મળી જાય, તો?
એ શક્ય થવામાં કદાચ ઝાઝો સમય નહીં લાગે. એટલું જ નહીં, મેચ જોવા દર્શકે સ્ટેડિયમ સુધી લાંબા પણ નહીં થવું પડે. ઘેરબેઠા, પોતાની આંખો સમક્ષ રાખેલી કે આંખો પર પહેરેલી સ્ક્રીન પર કે ટીવી પર એ મેચ બિલકુલ એવી રીતે માણી શકશે જેવી રીતે માણી શકાય સ્ટેડિયમમાં. એ શક્ય કરશે ઓટીટી પ્લેટફોર્મ્સ અને મેટાવર્સનું મિલન. માત્ર એ શું કામ, આ મિલન મનોરંજન અને જાહેરાતની દુનિયાનું કલેવર પણ સમૂળગું બદલાવી નાખે એવી એમાં તાકાત હશે.
પહેલાં મેટાવર્સ શબ્દને સમજી લઈએ જે આજકાલ બહુ વપરાય છે. ૧૯૯૨ની નીલ સ્ટિફન્સનની એક સાયન્સ ફિક્શન નોવેલ નામે ‘સ્નો ક્રેશ’ આવી હતી. એમાં મેટાવર્સ શબ્દ પહેલીવાર વપરાયો હતો. એ શબ્દ બન્યો હતો મેટા શબ્દ અને યુનિવર્સમાંના વર્સને ભેગા કરીને. મેટાના બે અર્થ થાય, એક છે કોઈ સ્થિતિ કે પરિવર્તન સંબંધિત, અને બીજો અર્થ છે, ઉચ્ચતર કે વિશાળ. યુનિવર્સ એટલે વિશ્વ. મેટાવર્સ, ઇન શોર્ટ, એટલે એક કાલ્પનિક વિશ્વ. એમાં સ્થળ અને પદાર્થ સર્જવામાં આવે છે. એની સાથે વ્યક્તિ ટેકનોલોજીની મદદથી એક શરીર કે અવતાર ધારણ કરીને એકરસ થાય છે. મોબાઇલ અને ઇન્ટરનેટ વાપરતાં વાપરતાં હવે અવતાર એટલે શું એનાથી લગભગ સૌ પરિચિત થઈ ગયા છે. વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંગમથી અવતાર ધારણ કરીને વ્યક્તિ અનેક કાલ્પનિક વિશ્વોમાં વિહરી શકશે. સાથે, પેલી મેચ જેમાં ટિકિટ ના મળી એનો આનંદ પણ માણી શકશે.