એક ફિલ્મમાં સર્જનની સરસ ગુણવત્તા હોય પણ કથાનકની દ્રષ્ટિએ એ ખિન્ન કરે ત્યારે થાય, “કાશ, કથાના મામલે દમ હોત તો…” નેટફ્લિક્સની ફિલ્મ ‘મેરી’ની વાત કરીએ. ફિલ્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસનાં માતા મેરીના જીવનને સાકાર કરે છે. એની સ્ક્રિપ્ટમાં શૂટિંગ પહેલાં 74 વખત સુધારાવધારા થયે રાખ્યા હતા. છતાં, દિગ્દર્શક ડેનિયલ જે. કુરાસો અને લેખક ટિમોથી માઇકલ હેયસની ફિલ્મનું પરિણામ પોરસાવા જેવું નથી.
ઇઝરાયલના નગર નાઝારેથમાં વાર્તા એની આકાર લે છે, જે રાજા હેરોડ (એન્થની હોરપકિન્સ)ના સામ્રાજ્યનો હિસ્સો હતું. વિશાળ સ્થાપત્યોના નિર્માતા ઉપરાંત હેરોડ દમનકારી શાસક હતા. નાઝારેથમાં સંતાનવિહોણું યુગલ યોકિમ (ઓરી ફેફર) અને એન (હિલા વિડોર) રહે છે. ઈશ્વરના દૂત ગેબ્રિયલ (ડડલી ઓ’શૌઘ્નેસી) એમને જણાવે છે કે તેઓને દીકરી થશે, એ શરતે કે એમણે દીકરીને ઈશ્વરની સેવામાં સોંપવાની રહેશે. અને તેમને દીકરી જન્મે છે, મેરી (નોઆ કોહેન).
ફિલ્મની કથા મધર મેરીના જન્મથી જિસસના જન્મ સુધીની છે. એમાં વણાય છે મેરીનું પુરુષના સહવાસ વિનાનું માતૃત્વ, જોસેફ (ઇડો ટાકો) સાથેના દામ્પત્ય જીવન અને હેરોડના રંજાડની વાત. દ્રશ્યોના મામલે નયનરમ્ય ‘મેરી’ સાથે દર્શકોને જોડી રાખવાનું કામ બે પરિબળો કરે છે. એક તો મેરી તરીકે નોઆનો અભિનય. એ ઇઝરાયલી અભિનેત્રી છે. એની કારકિર્દીનો આ પહેલો મહત્ત્વપૂર્ણ રોલ છે. મેરીના પાત્ર માટે એનો દેખાવ બંધબેસતો છે. બીજું પરિબળ છે એન્થની હોપકિન્સની હાજરી. હેરોડ તરીકે જેટલી વખતે તેઓ પડદે આવે છે એટલી વખત, અન્યથા સાધારણ લાગતી ફિલ્મમાં જાન રેડાઈ જાય છે.