હિન્દી ફિલ્મો સામે દક્ષિણ ભારતથી ઊભા થયેલા પડકારથી હિન્દી ફિલ્મના ચાહકો ચિંતામાં છે. આપણે વાત કરીએ બોલિવુડના એક મજાના પાસાની. એ છે એની વૈશ્વિક લોકપ્રિયતા. એવા એવા દેશોમાં આપણી હિન્દી ફિલ્મો લોકોનાં દિલ પર રાજ કરે છે કે આપણને પણ થાય કે કયા બાત હૈ
તમે ગંગુબાઈ કાઠિયાવાડી જોઈ? જોઈ જ હશે. ના જોઈ હોય તો થાઇલેન્ડના લોકોથી પ્રેરણા મેળવો. થાઇલેન્ડમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી તરખાટ મચ્યો. કેવો તરખાટ? પચીસમી એપ્રિલે ફિલ્મ સ્ટ્રીમ થવા માંડી. પછીના અઠવાડિયે એણે ટોપ ટેન ફિલ્મોની યાદીમાં સાતમું સ્થાન મેળવી લીધું. વાત એટલેથી અટકી નહીં. પછી એ બની થાઇલેન્ડમાં નેટફ્લિક્સની નંબર વન ફિલ્મ. ત્યાં સોશિયલ મીડિયામાં પણ ફિલ્મે તરખાટ મચાવ્યો છે. એવો કે બસો કરોડ વિડિયોઝમાં ગંગુબાઈ હેશટેગનો ઉપયોગ થયો છે! ફિલ્મ સંબંધિત હજારો વિડિયો, રીલસ, મીમ્સ બન્યાં એ છોગામાં! આ લખાય છે ત્યારે સાત અઠવાડિયાં પછી પણ ગંગુબાઈ ટોપ ટેનની યાદીમાં સજ્જડપણે ચોંટેલી છે.
બોલિવુડની છેલ્લા થોડા સમયથી માઠી દશા બેઠી છે. પ્રોમિસિંગ (જયેશભાઈ જોરદાર) અને ખર્ચાળ (સમ્રાટ પૃથ્વીરાજ) ફિલ્મોનું દર્શકો (બોક્સ ઓફિસ પર) નિર્દયતાથી કાસળ કાઢી રહ્યા છે. આવા અપશુકનિયાળ સમયે સારી વાતથી ટાઢક વળે. એટલે વાત કરીએ બોલિવુડના વૈશ્વિક પ્રભાવની. હિન્દી ફિલ્મોનો અનેક દેશોમાં વિશાળ ચાહકવર્ગ છે. એવા દેશોની યાદીમાં થાઇલેન્ડ પણ સ્થાન જમાવી રહ્યું છે. એટલે વાત કરી ગંગુબાઈની. હવે વાત કરીએ અન્ય દેશોની.
રશિયામાં રાજ કપૂર બેહદ લોકપ્રિય એ જાણીતી વાત. અમેરિકામાં, બ્રિટનમાં, મિડલ ઇસ્ટમાં પણ આપણી (હિન્દી, દક્ષિણ ભારતીય) ફિલ્મો ખાસ્સી જોવાય છે એ સૌને ખબર છે. પાકિસ્તાન ભારતીય ફિલ્મો દર્શાવે તો ત્યાં બોલિવુડ ડંકો વગાડે છે એ પણ ખબર છે. મલેશિયા જેવા દેશોમાં મૂળ ભારતીય અથવા ત્યાં જઈ વસેલા ભારતીયોની સારી વસતિ, તેથી ત્યાં પણ આપણી ફિલ્મોની બોલબાલા છે. આપણે એવા દેશોની, સ્ટાર્સની, ફિલ્મોની વાત કરીએ જેને જાણીને મજા મજાની ફીલિંગથી હૈયું છલકાઈ જાય.
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં બોલિવુડની લોકપ્રિયતા કાબુલીવાલાના વખતથી. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, એશ્વર્યા રાય, મિથુન ચક્રવર્તી સહિતનાં સિતારાના જબ્બર ચાહકો છે અફઘાની. બિગ બી અને મિથુનની અન્યાય સામેના જંગની, 2000ની સાલ પહેલાંની અનેક ફિલ્મો ત્યાં અપાર લોકપ્રિય છે. આપણી જેમ ત્યાંની પ્રજા પણ અન્યાય, દમન, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. મઝાર-એ-શરીફ, કાબુલ અને કંદહારમાં શૂટ થયેલી અમિતાભની ખુદા ગવાહ કાબુલનાં થિયેટર્સમાં દસ અઠવાડિયાં હાઉસ ફુલ હતી. આજે પણ એ ફિલ્મ ત્યાં સખત લોકપ્રિય છે. 24 ફેબ્રુઆરી 2018એ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થયા પછી અસંખ્ય શોકસંદેશા અફઘાનિસ્તાનથી ઇન્ટરનેટ પર વહ્યા હતા. તાલિબાનના શાસનમાં સિચ્યુએશન બગડી એ બેડ લક છતાં અત્યારે પણ અફઘાનીઓ ચોરીછૂપીથી હિન્દી ફિલ્મો માણે છે. અરે હા, આપણા ઘણા સ્ટાર્સનાં મૂળ આ પાડોશી દેશમાં છે. સલમાન ખાન, સંજય અને ફિરોઝ ખાન, કાદર ખાન, સેલિના જેટલી અને બીજાં પણ.