જેના મૂળમાં સુંદર વિચારનું બીજ હોય એ કથામાંથી મનોરંજક છોડ ઊગે જ એ જરૂરી નથી. નેટફ્લિક્સની એક તાજી સિરીઝ નામે ‘ત્રિભુવન મિશ્રા સીએ ટોપર’ એનો દાખલો છે. કહેવાતો નોખો વિચાર અને કહેવાથી મનોરંજક ટ્રીટમેન્ટ ધરાવતી આ છેક નબળી વેબ સિરીઝ માત્ર અને માત્ર બે કારણસર થોડી બહુ આંખ સામે ટકાવી રાખવા જેવી બની છે. એ છે માનવ કૌલ અને તિલોત્તમા શોમનો અભિનય. વાત કરીએ સિરીઝની.
નોઈડામાં રહેતો અને સીએમાં અવ્વલ આવનારો ત્રિભુવન સરકારી કર્મચારી. એની પત્ની અશોકલતા (નૈના સરીન) રાંધણકળામાં, ખાસ તો કેક બનાવવામાં નિષ્ણાત છે. લેશમાત્ર અને ‘કેશ’માત્ર લાંચ-રુશ્વતમાં ત્રિભુવન માનતો નથી. પ્રામાણિક સરકારી કર્મચારીના નાતે એણે ઘર ચલાવવાનું છે બાંધી અને સાંકડી આવકમાં. એના સહકર્મચારીઓ પેટભરીને ભ્રષ્ટાચાર કરતાં બેપાંદડે થયા છે. ત્રિભુવન સિદ્ધાંત છોડવા રાજી નથી. પછી પરિસ્થિતિઓ વળાંક લે છે. આર્થિક ભીંસમાં ત્રિભુવન બે છેડા ભેગા કરવા શું કરવું એનું માનસિક ઘર્ષણ અનુભવે છે. એને રસ્તો જડે છે નવો વ્યવસાય. એ છે પુરુષવેશ્યા કે જિગોલો બનવાનો.
તો, ત્રિભુવન બને છે જિગોલો. મહિલાઓને પૂરી પાડે છે કામસેવા. એનું સાહસ બેહદ સફળ રહેવા સાથે પરિવારથી ગોપનીય રહે છે. ત્રિભુવન, ટિપિકલ ભાષામાં કહીએ તો, નોટ છાપવા માંડે છે. એની તકલીફો દૂર થાય છે. એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી મહિલા સુધી એની સહશયનકળા અને કામસેવાની ખ્યાતિ પ્રસરે છે. ‘રેફરલ’થી એ હોટ આઇટમ બની જાય છે.
અશોકલતાની કેક પણ પોપ્યુલર થાય છે. એનો ગૃહ ઉદ્યોગ મોલમાં દુકાન કરવા સુધી ફેલાય છે. આ બધાં વચ્ચે ત્રિભુવનને બિંદી (તિલોતમા) નામે ક્લાયન્ટ મળે છે. એ છે નોઇડાના કહેવાતા કંદોઈ પણ અંદરખાને ભાઈગીરી કરતા ટિકારામ જૈન ઉર્ફે રાજાભાઈ (શુભ્રજ્યોતિ બરાત)ની પત્ની. પતિની ઉપેક્ષાથી ખિન્ન બિંદી ત્રિભુવનની રેગ્યુલર ક્લાયન્ટ બની જાય છે.